અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, 50 નવ દંપતિના સમૂહ લગ્ન કરાવીને અપાયો હતો માનવ સેવાનો સંદેશ
Anant Ambani Radhika Merchant first Anniversary: ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ લગ્નએ સમગ્ર દેશ અને વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. કારણ કે આ વિવાહ માત્ર એક સામાન્ય સામાજિક પ્રસંગ નહીં પણ દુનિયાભરમાં ચર્ચિત એક સમારંભ બની ગયો હતો. સમગ્ર દુનિયામાં લાખો લોકોએ આ લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં જોયા હતા. લગ્નમાં હાજર ન હોવા છતાં કરોડો લોકોને એવી લાગણી થઈ હતી કે જાણે આ તેમના પોતાના ઘરમાં જ લગ્ન લેવાયા હોય.
માનવ સેવા એજ માધવ સેવા
અંબાણી પરિવારનો મંત્ર 'માનવ સેવા એજ માધવ સેવા' છે, જે આ લગ્નમાં પણ સાર્થક થયો હતો. આ પ્રસંગ દરમિયાન અંબાણી પરિવારે આર્થિક રીતે નબળા 50 નવદંપતિના સમૂહ લગ્ન કરાવીને નવો ચીલો પાડ્યો છે. અંબાણી પરિવારે ત્રણ અઠવાડિયા સુધી 'ભંડારા' દ્વારા રોજ 1,000થી વધુ લોકોને જમાડ્યા હતા. હિન્દુ પરંપરા મુજબ વિવાહ સમારોહમાં મોસાળું એટલે કે મામેરાની વિધિ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરાઈ હતી.
જામનગર મંદિર પરિસરમાં નીતા અંબાણીનું ભક્તિ નૃત્ય
અનંતના માતા નીતા અંબાણીએ જામનગરના મંદિર પરિસરમાં ભક્તિ નૃત્ય કરીને પુત્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ત્યાં હાજર રહેલા અનેક લોકોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. આ ભવ્ય લગ્નમાં મ્યુઝિકલ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં અનંતના માતા પિતા નીતા અને મુકેશ અંબાણીએ પણ નૃત્ય કરીને તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગ્રહ શાંતિ અને રાંદલ માતાના લોટા તેડ્યા હતા એટલે કે રાંદલ માતાની ખાસ પૂજા અર્ચના કરી હતી. પીઠી-હળદરની રસ્મો પણ નિભાવાઈ હતી. તેમજ સ્પેશિયલ ભજનોની રમઝટ સાથે શિવ શક્તિની પૂજા કરાઈ હતી.
મુખ્ય લગ્ન સમારંભમાં પરિવારની સેવા કરનારાને આમંત્રણ
આ ત્રણ દિવસીય લગ્ન સમારંભમાં પરિવારની સેવા બજાવનારા કર્મચારીઓ તેમજ સ્ટાફને પણ આમંત્રિત કરાયા હતા. જે સૂચવે છે કે, એશિયાના સૌથી વધુ ધનવાન હોવા છતાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પૈસાનું સહેજેય અભિમાન નથી અને તેઓ નાના માણસોનું વિશેષ ધ્યાન રાખે છે. આ લગ્નમાં બનારસની સાડીઓએ તેમજ ચમકદાર વસ્ત્રોએ વિદેશી લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું.
આ ઉપરાંત અનંત અને રાધિકાના લગ્નમાં વિવિધ ધર્મોનું આચરણ કરતા આંતરરાષ્ટ્રીય મહેમાનોને ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં જોવાનો લ્હાવો મળ્યો હતો. અંબાણીના લગ્ન સમારોહમાં રંગો, વસ્ત્રો, સામગ્રી અને ટેક્નોલોજીનો જે ઉત્સવ જોવા મળ્યો, તે ભારતના પ્રતિભાશાળી શિલ્પીઓને જીવંત રીતે રજૂ કરે છે.
ભવ્ય લગ્નથી ભારતીય સંસ્કૃતિની છબિ પણ સર્વોચ્ચ બની
આ લગ્ન ઉત્સવ માત્ર બે વ્યક્તિનું જોડાણ નહોતું પણ સમાજને એક નવો બોધપાઠ અને દિશા મળી હતી. આ પ્રસંગે રિલાયન્સ તથા અંબાણી પરિવારની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાડ્યા હતા. આ લગ્નમાં ફેશન, હસ્તકલા અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો હતો અને જેનો સંદેશો સમગ્ર વિશ્વમાં પ્રસર્યો હતો. આ ભવ્ય લગ્નથી ભારતીય સંસ્કૃતિની નવિ છબી ઊભરી હતી.