વિશ્વ બજારમાં સોનાચાંદીમાં કન્સોલિડેશન વચ્ચે ઘરઆંગણે સ્થિર વલણ યથાવત્
- રશિયા ખાતેથી પૂરવઠો ખોરવાવાની શકયતાએ ક્રુડ તેલ ૭૩ ડોલરને પાર
મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠકના નિર્ણય પૂર્વે વિશ્વ બજારમાં સોનાચાંદીમાં કન્સોલિડેશન જોવા મળ્યું હતું. ડોલરમાં નબળાઈને કારણે સોનામાં મજબૂતાઈ આવી હતી. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં સ્થિરતા જોવા મળી રહી છે.
અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમમાં ભાવ મક્કમ જળવાઈ રહ્યા છે. મંગળવારથી બે દિવસ માટે શરૂ થયેલી ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠકના નિર્ણય પર બજારની નજર રહેલી હતી. ક્રુડ તેલ ઈન્ટ્રાડેમાં ૭૩ ડોલરને પાર કરી ગયું હતું.
રશિયા પર વધુ પ્રતિબંધની શકયતાએ ક્રુડ તેલમાં ભાવ ઊંચકાયા હતા. ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ ફરી ઊંચકાઈને રૂપિયા ૯૯૦૧૭ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૯૮૬૨૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ રૂપિયા ૧૧૩૪૦૦ બોલાતા હતા.
અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૦૨,૦૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૦૧,૭૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧,૧૪,૫૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં સોનાના પ્રતિ ઔંસ ભાવ ૩૩૨૮ ડોલર જ્યારે ચાંદી ૩૭.૮૮ ડોલર મુકાતી હતી. વ્યાજ દર અંગે ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા સોનાચાંદીમાં કન્સોલિડેશન જોવા મળતું હતું. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૩૯૩ ડોલર જ્યારે પેલેડિયમ ૧૨૬૩ ડોલર મુકાતુ હતું.
રશિયા પર યુરોપના પ્રતિબંધ બાદ અમેરિકા પણ તેના વલણને સખત બનાવવા માગતુ હોવાના સંકેતે ક્રુડ તેલના ભાવ મક્કમ જળવાયા હતા.
રશિયા ખાતેથી પૂરવઠો ખોરવાઈ જવાની શકયતાએ તથા ટેરિફ વોર થાળે પડી રહ્યાના સંકેતે ક્રુડ તેલમાં સુધારો જોવા મળી રહ્યો છે. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૯.૫૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ઉપરમાં બેરલ દીઠ ૭૩ ડોલરને પાર કરી મોડી સાંજે ૭૨.૮૫ ડોલર મુકાતું.