અમેરિકન ફેડરલે વ્યાજ દર જાળવી રાખ્યા
- કોરોના વાઈરસ પ્રબળ થવાના કારણે અમેરિકાના અર્થતંત્રનું આઉટલુક અનિશ્ચિતતાના પરિઘમાં
વોશિંગ્ટન, તા. 30 જાન્યુઆરી 2020, ગુરૂવાર
પોલિસી બેઠકના અંતે અમેરિકન ફેડરલ રિઝર્વે મુખ્ય વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મજબૂત જોબ માર્કટ અને આથક વિકાસ દર સાધારણ રહેવાની ધારણાં વચ્ચે ફેડરલનો આ નિર્ણય આવી પડયો છે. રોજગારમાં વધારો મજબૂત છે અને બેરોજગારીનો દર નોંધપાત્ર નીચો છે એમ બેઠક બાદપત્રકારો સાથેની વાતચીતમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું. પોલિસી નિશ્ચિત કરતી ફેડરલની કમિટિએ વ્યાજ દર ૧.૫૦ ટકાથી ૧.૭૫ ટકાના રેન્જમાં જાળવી રાખ્યો છે.
દેશની આથક પ્રવૃત્તિમાં વિસ્તરણને ટેકો પૂરો પાડવા હાલનો વ્યાજ દર યોગ્ય હોવાનું તેમણે જણાવાયું હતું. ચીનમાં તાજેતરમાં ફાટી નીકળેલા કોરોનાવાઈરસથી અમેરિકાના અર્થતંત્રનું આઉટલુક અનિશ્ચિતતાના પરિઘમાં જળવાઈ રહ્યું છે.
કોરોનાવાઈરસને કારણે ચીનમાં મંદી વધુ ઘેરી બનવાનું જોખમ ઊભું થયું છે. બેન્ક ફન્ડીંગ માર્કેટસમાં ટૂંકા ગાળે પૂરતી લિક્વિડિટી જળવાઈ રહે તેની ખાતરી રાખવા ફેડરલે મહિને ૬૦ અબજ ડોલરના અમેરિકન ટ્રેઝરી બિલ્સ ખરીદવાની પોતાની હાલની પ્રેકટિસ પર કોઈ નવી ગાઈડલાઈન્સ બહાર પાડી નથી.
આ પ્રેકટિસ એપ્રિલ સુધી ચાલુ રહેશે. વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કમિટિ દ્વારા સર્વાનુમતે લેવાયો છે.
અર્થતંત્રને વેગ આપવા ૨૦૧૯માં ફેડરલે ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. ચીન સાથેની ટ્રેડ વોરને લઈને અમેરિકાના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડી હતી. વૈશ્વિક અર્થતંત્ર સ્થિર થઈ રહ્યું છે અને વેપાર નીતિઓમાં રહેલી અનિશ્ચિતતા ઘટી રહી છે એમ પોવેલે જણાવ્યું હતું.
અમેરિકાનું અર્થતંત્ર ફરી વિકાસના પાટે ચડી રહ્યું છે અને ફુગાવામાં વધારો થવાનું હાલમાં કોઈ જોખમ જણાતું નથી માટે વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય અપેક્ષા પ્રમાણે જ આવ્યો છે. પોલિસીમાં કોઈપણ ફેરબદલ માટે ઈકોનોમિક આઉટલુકનું રિએસેસમેન્ટ કરવાનું જરૂરી બની રહેશે એમ પણ પોવેલે વધુમાં જણાવ્યું હતું.