એલ્યુમિનિયમના ભાવ 13 વર્ષ બાદ પહેલીવાર 3000 ડોલરને સ્પર્શ્યા
- વધી રહેલી માંગ સામે ચીનમાં ઓછા ઉત્પાદન અને ગિનીમાં સત્તાપલટથી સપ્લાયમાં વિક્ષેપ પડવાની ચિંતાએ મેટલમાં તેજી
લંડન : એલ્યુમિનિયમની કિંમત વૈશ્વિક બજારમાં ૧૩ વર્ષ બાદ પહેલીવાર ૩૦૦૦ ડોલર પ્રતિ ટનની સપાટીને કુદાવી ગઇ છે જે સપ્લાયમાં વિક્ષેપો પડવાની અપેક્ષા અને માંગમાં સતત વૃદ્ધિને આભારી છે.
મહામારી દરમિયાન મેટલ કોમોડિટીમાં મક્કમ મજબૂતી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં ૧૫%ની તેજી બાદ સોમવારે મેટલ વધુ મજબૂત થઇ છે.
ચીનમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને વીજળી બચાવવા લેવાયેલા પગલાંથી મેટલનું ઉત્પાદન ઓછુ છે જ્યારે બોક્સાઇટ ઉત્પાદક ગિનીમાં બળવાને કારણે એલ્યુમિનિયમના ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની સપ્લાય અંગેની ચિંતા વધી છે. યુરોપિયન યુનિયનમાં સ્મેલ્ટર્સ પણ કાર્બન ક્રેડિટ અને પાવર ઇનપુટ બંને સાથે રેકોર્ડ ઉંચાઈએ વધતા ખર્ચનો સામનો કરી રહ્યા છે, એવુ ગોલ્ડમેન સાશ ગ્રૂપ ઇન્કે જણાવ્યું છે.
ચીન અને યુરોપિયન યુનિયનમાં એલ્યુમિનિયમ સપ્લાયની માટે નીતિગત જોખમ વધી રહ્યું છે. આમ તો ગિનીમાં તાજેતરના બળવાથી બોક્સાઇટને સીધી રીતે અસર થતી નથી દેખાતી, પણ પ્રાદેશિક તણાવ ટ્રાન્સપોર્ટેશન સામે અડચણો ઉભી કરશે તેની ચિંતા છે.
લંડન મેટલ એક્સચેન્જ પર સોમવારે એલ્યુમિનિયમ વાયદો ૨.૬% વધીને ૩,૦૦૦ ડોલર પ્રતિ ટન થયો, જે ૨૦૦૮ પછીનું સૌથી ઉંચું ઇન્ટ્રાડે લેવલ છે. લંડનમાં ચીનમાં, આ ધાતુનો વાયદો ૫.૪% જેટલો ઉછળીને ૨૩,૭૯૦ યુઆન પ્રતિ ટન બોલાયો હતો, જે ૨૦૦૬ પછીનો સૌથી ઉંચા ભાવ છે.
નિષ્ણાંતોનું કહેવુ છે કે, ચાલુ વર્ષના બાકીના સમયગાળા દરમિયાન અને ૨૦૨૨ના મોટાભાગના સમયમાં સપ્લાય ઉદ્યોગોને પ્રભાવિત કરતી રહેશે. આ સમસ્યાઓને ઉકેલવામાં પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે છે. ઉર્જા-સઘન ધાતુમાં પાછલા વર્ષમાં લગભગ બે-તૃતીયાંશ જેટલી તેજી આવી છે. ચીનમાં ઉત્સર્જન ઘટાડવાના હેતુસર મેટલ ઉત્પાદનને કાબૂમાં માટે લેવાતા કડક સરકારી પગલાં સિમેન્ટ, સ્ટીલ અને એલ્યુમિનિયમના ભાવમાં વધારો કરી શકે છે.