Get The App

બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ વૃદ્ધિની સાથોસાથ થાપણ વૃદ્ધિનું સ્તર પણ ઊંચુ

- ભારતમાં જીડીપીથી ધિરાણના પ્રમાણમાં વધારો થવાનો અવકાશ

Updated: Dec 29th, 2024

GS TEAM

Google News
Google News
બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ વૃદ્ધિની સાથોસાથ થાપણ વૃદ્ધિનું સ્તર પણ ઊંચુ 1 - image


મુંબઈ : દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ વૃદ્ધિની સાથોસાથ થાપણ વૃદ્ધિ પણ ઊંચી જોવા મળી રહી છે. ૧૩ ડિસેમ્બરના સમાપ્ત થયેલા પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ વાર્ષિક ધોરણે ૧૧.૫૦ ટકા રહી હતી અને થાપણ વૃદ્ધિનો દર પણ ૧૧.૫૦ ટકા રહ્યો હતો. દેશના જીડીપીથી ધિરાણનું પ્રમાણ નીચું છે જેમાં વધારો થવાનો અવકાશ રહેલો છે. 

બેન્કિંગ વ્યવસ્થામાં બાકી પડેલી થાપણનો આંક રૂપિયા ૨૨૭.૬૧ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે બાકી પડેલી ધિરાણનો આંક રૂપિયા ૧૮૦.૮૧ ટ્રિલિયન જોવા મળ્યો હતો. 

૨૯ નવેમ્બરના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ સાધારણ મંદ પડી ૧૦.૬૪ ટકા સાથે થાપણ વૃદ્ધિને લગભગ સમાન રહી હતી. આ ગાળામાં થાપણ વૃદ્ધિ ૧૦.૭૨ ટકા રહી હોવાનું રિઝર્વ બેન્કના ડેટા  જણાવે છે. ધિરાણ તથા થાપણ વૃદ્ધિ ફરી એક વખત સમાન જોવા મળી છે. એક સમયે થાપણ વૃદ્ધિ કરતા ધિરાણ વૃદ્ધિ સાત ટકા જેટલી ઊંચી જોવા મળી હતી.

વિકસિત દેશો ઉપરાંત કેટલાક વિકાસસિલ દેશોની સરખામણીએ ભારતમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)થી ધિરાણનું પ્રમાણ  નીચું છે. ૨૦૨૨માં  આ પ્રમાણ દેશમાં  ૯૦.૧૦ ટકા હતું તેમાં વધારો થવાનો અવકાશ રહેલો છે એમ રિઝર્વ બેન્કના એક રિપોર્ટમાં જણાવાયું હતું. 

દેશના શેરબજારોમાં રેલીને કારણે ઘરેલું બચતો ઈક્વિટીસ તરફ વળવા લાગતા બેન્કોમાં થાપણ તરફના આકર્ષણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચેનું અંતર હાલમાં દૂર થઈ જવા પાછળનું એક કારણ ધિરાણ ઉપાડમાં મંદ ગતિ જણાવાઈ રહ્યું  છે. આરબીઆઈએ રિસ્ક વેઈટમાં વધારા ઉપરાંત અનસિકયોર્ડ લોન્સ પર અંકૂશને કારણે ધિરાણ વૃદ્ધિ મંદ જોવા મળી રહી છે.

અગાઉ માત્ર અનસિક્યોર્ડ લોનમાં મંદ વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે હવે સિકયોર્ડ લોનની વૃદ્ધિ પણ ધીમી જણાઈ રહી છે. 


Tags :