Akasa Airlines મોટી મુશ્કેલીમાં ફસાઈ, એકસાથે 43 પાઈલટ્સના રાજીનામાને લીધે બંધ થવાનું જોખમ!
પાઈલટ્સ માટે સામાન્ય રીતે 6 મહિનાથી લઈને એક વર્ષનું નોટિસ પીરિયડ હોય છે
એરલાઈન્સ કંપની વતી જણાવાયું કે ઓગસ્ટમાં અમે આશરે 600 ફ્લાઈટ્સ રદ કરી હતી
image : Twitter |
દિવંગત રોકાણકારો અને શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh JhunJhunwala) ના રોકાણ હેઠળની એરલાઈન્સ અકાસા એરલાઈન્સ (Akasa Airlines) ગંભીર સંકટ સામે ઝઝૂમી રહી છે. ખાનગી સેક્ટરની આ એરલાઈન્સ કંપનીના 43 પાઈલટોએ અચાનક રાજીનામું આપી દીધું છે અને તેની જાણકારી ખુદ એરલાઈન્સે દિલ્હી હાઈકોર્ટને આપી હતી. આ પાઈલટોના રાજીનામા આપવાથી કંપની સંકટમાં મૂકાઈ છે અને તે બંધ થવાની અણીએ પહોંચી ગઈ છે.
પાઈલટોએ નોટિસ પીરિયડ પણ પૂરું ન કર્યું
અકાસા એરલાઈન્સનો પક્ષ રજૂ કરતાં વકીલે દલીલ કરી હતી કે જે પાઈલટ અચાનક કંપનીમાંથી રાજીનામુ આપીને જતા રહ્યા છે તેમાંથી કોઈ ફર્સ્ટ ઓફિસર કે પછી કેપ્ટને નોટિસ પીરિયડનું પાલન પણ નથી કર્યું. આ પદો માટે ક્રમશ: 6 મહિનાથી લઈને એક વર્ષનું નોટિસ પીરિયડ હોય છે. પાઈલટના અચાનક જતા રહેવાથી એરલાઈન્સે સપ્ટેમ્બરમાં દરરોજ 24 ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી અને તેના લીધે કંપનીને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
દરરોજ 120 ફ્લાઈટોનું સંચાલન કરે છે
એરલાઈન્સ કંપની વતી જણાવાયું કે ઓગસ્ટમાં અમે આશરે 600 ફ્લાઈટ્સ રદ કરી હતી અને જો આ જ રીતે પાઈલટ એરલાઈન્સ છોડીને જતા રહેશે તો સપ્ટેમ્બરમાં પણ 600 થી 700 ફ્લાઈટ્સ રદ કરવી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે અકાસા એર જુદા જુદા એર રુટ્સ પર દરરોજ 120 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે.
તો શું આ કારણે પાઈલટ્સે આપ્યાં રાજીનામાં?
એરલાઈન્સે કોર્ટ સમક્ષ એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટરોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) ને ફરજિયાત નોટિસ પીરિયડના નિયમોને લાગુ કરવાનો અધિકાર આપવાનો આગ્રહ કર્યો છે. જ્યારે એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે અકાસા એરથી નીકળેલા આ પાઈલટ રાઈવલ એરલાઈન્સમાં જોડાઈ ગયા છે અને એટલા માટે ઉતાવળે નોટિસ પીરિયડ પૂરું કર્યા વિના જ જતા રહ્યા છે. એરલાઈન્સના અધિકારીઓએ તેને ચિંતાજનક અને અનૈતિક ગણાવ્યું છે.