ઈન્ડિગો સંકટ: વિમાન મુસાફરીનું ભાડું આસમાને, વિદેશ યાત્રા કરતા પણ ડોમેસ્ટિક મોંઘું

Flight Ticket Price: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના સંચાલનમાં આવેલા ગંભીર સંકટને કારણે દેશભરના હવાઈ મુસાફરો પર મોટો આર્થિક બોજ પડ્યો છે. 2 ડિસેમ્બરથી શરૂ થયેલી આ કટોકટીમાં ઇન્ડિગોએ 1,800 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરી છે, જેના કારણે 2 લાખથી વધુ મુસાફરો પરેશાન થયા છે. મુસાફરોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને વૈકલ્પિક ફ્લાઇટ્સ મળી રહી નથી અને જે ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે, તેનું ભાડું આસમાનને સ્પર્શી રહ્યું છે.
વીકેન્ડ પણ ભાડુ વધવાનું એક કારણ
આજે, શનિવાર (6 ડિસેમ્બર) અને રવિવાર (7 ડિસેમ્બર) ના વીકએન્ડમાં ફ્લાઇટ ટિકિટના દરોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે પાયલટ અને ક્રૂની અછતને કારણે ભાડું 3 થી 4 ગણું મોંઘું થઈ ગયું છે. લાસ્ટ મિનિટનું ભાડું સામાન્ય રીતે 2-3 ગણું હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ટિકિટના ભાવ 6 ગણા સુધી વધતા જોવા મળ્યા છે.
મુખ્ય રૂટ્સ પર હવાઈ ભાડું ₹1 લાખની નજીક
દિલ્હી-બેંગલુરુ, કોલકાતા-મુંબઈ અને મુંબઈ-ભુવનેશ્વર જેવા અનેક રૂટ્સમાં હવાઈ ભાડું ₹1 લાખની નજીક પહોંચી ગયું છે, જે વિદેશ યાત્રા કરતાં પણ મોંઘું છે.
દિલ્હી-બેંગલુરુ રૂટ પર સૌથી વધુ ઉછાળો
દિલ્હીથી બેંગલુરુ રૂટ પર સૌથી વધુ વધારો નોંધાયો છે, જ્યાં ફ્લાઇટનું ભાડું ₹43,354 થી ₹92,669 ની વચ્ચે છે. સામાન્ય દિવસોમાં આ રૂટનું સરેરાશ ભાડું માત્ર ₹7,000 ની આસપાસ હોય છે. એક રિપોર્ટ મુજબ, દિલ્હી-બેંગલુરુ માટે એર ઇન્ડિયાની વન-સ્ટોપ ફ્લાઇટની કિંમત ₹1.02 લાખ સુધી પહોંચી ગઈ હતી.
અન્ય મહત્ત્વના રૂટ્સ પરની સ્થિતિ
દિલ્હી - મુંબઈ: સીધી ફ્લાઇટ્સનું ભાડું ટેક્સ સહિત વ્યક્તિ દીઠ ₹27,760 થી ₹49,880 સુધી પહોંચી ગયું છે. સામાન્ય રીતે આ રૂટનું સરેરાશ ભાડું લગભગ ₹6,000 થી ₹6,200 હોય છે.
મુંબઈથી દિલ્હી: સીધી ફ્લાઇટ્સનું ભાડું ₹21,268 થી ₹46,899 સુધી પહોંચી ગયું છે.
દિલ્હી - કોલકાતા: સીધી ફ્લાઇટ્સ ₹28,900 થી ₹52,300 ની ઊંચી રેન્જમાં વેચાઈ રહી છે. આ રૂટ પર સામાન્ય રીતે ટિકિટ લગભગ ₹5,700 થી ₹7,000 ની વચ્ચે હોય છે.
દિલ્હી - હૈદરાબાદ: ટિકિટ વ્યક્તિ દીઠ ₹37,320 થી ₹42,112 ની વચ્ચે વેચાઈ રહી છે. હૈદરાબાદથી દિલ્હી માટે એર ઇન્ડિયાની વન-સ્ટોપ ફ્લાઇટનું ભાડું ₹87,000 સુધી પહોંચી ગયું છે.
આ સ્થિતિમાં, માત્ર એર ઇન્ડિયા, સ્પાઇસજેટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને આકાસા એર જેવી એરલાઇન્સ જ મોટાભાગના રૂટ્સ પર સેવાઓ આપી રહી છે, કારણ કે ઇન્ડિગોએ એકલા દિલ્હીમાં જ 220 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરી હતી.

