અમદાવાદ ચાંદી રૂ. 1,49,000ની ટોચે : સોનામાં એકંદરે ટકેલ ટોન
- પ્લેટિનમ તથા પેલેડિયમમાં જળવાઇ રહેલું આકર્ષણ:
- ક્રુડ તેલમાં ઘટાડો અટકયો : વૈશ્વિક બજારમાં સુધારો
અમદાવાદ, મુંબઈ : ભારત તરફથી તહેવાર તથા લગ્નસરાની માગના ટેકા સાથે વિશ્વ બજારમાં સોનાચાંદીના ભાવ સપ્તાહ અંતે ઊંચા મથાળે સ્થિર ટકી રહ્યા હતા. અમેરિકામાં શટડાઉનથી ઊભી થયેલી રાજકીય અનિશ્ચિતતાએ પણ કિંમતી ધાતુમાં માગને ટેકો પૂરો પાડયો છે. આજે અમદાવાદ સોના-ચાંદી બજાર ખાતે ચાંદી રૂ. ૫૦૦ વધીને રૂ. ૧,૪૯,૦૦૦ની વિક્રમી ટોચે પહોંચ્યા હતા. અમેરિકામાં ક્રુડ તેલનું ઉત્પાદન ઘટયું હોવાના અહેવાલે સપ્તાહ અંતે ક્રુડ તેલમાં ઘટાડો અટકયો હતો.
અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૧,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૨૧,૨૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૪૯,૦૦૦ બોલાતા હતા.
મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગર ભાવ રૂપિયા ૧,૧૬,૯૫૪ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ જીએસટી વગર રૂપિયા ૧,૧૬,૪૮૬ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૪૫,૬૧૦ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
દશેરા બાદ હવે ભારત ખાતેથી દિવાળી અને લગ્નસરાની માગ નીકળતા વૈશ્વિક સોનાચાંદીને ટેકો મળી રહે છે. અમેરિકામાં શટડાઉનથી અર્થતંત્ર પર અસર પડવાની ચિંતાએ પણ ઊંચા મથાળે ભાવ ટકવામાં સફળ રહ્યા છે. વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ મોડી સાંજે ૨૫ ડોલર વધી ૩૮૮૨ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ૪૭.૭૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમમાં સપ્તાહ અંતે આકર્ષણ રહ્યું હતું અને ભાવ ૨૮ ડોલર વધી પ્રતિ ઔંસ ૧૬૦૫ ડોલર મુકાતા હતા. પેલેડિયમમાં પણ ઔૅસ દીઠ ૧૨૫૫ ડોલર કવોટ થતા હતા.
ગયા સપ્તાહે અમેરિકામાં ક્રુડ તેલનું ઉત્પાદન ઘટયું હોવાના અહેવાલે ઘટતા ભાવ અટકયા હતાઅને સ્થિરતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૦.૯૦ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૪.૫૨ડોલર મુકાતું હતું.