Get The App

અમદાવાદ ચાંદીમાં રૂ. 5500 જ્યારે મુંબઈ સોનામાં રૂ.1700નો ઉછાળો

- વૈશ્વિક સોનું ૪૧૦૦ ડોલરને પાર: ક્રુડ ૬૩ ડોલરની અંદર

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ ચાંદીમાં રૂ. 5500 જ્યારે મુંબઈ સોનામાં રૂ.1700નો ઉછાળો 1 - image


મુંબઈ : અમેરિકામાં સપ્ટેમ્બરના રોજગાર ડેટા ઢીલમાં પડયા છે પરંતુ મધ્ય ઓકટોબરના જોબલેસ કલેઈમ વધીને બે મહિનાની ટોચે આવતા સોનાચાંદીમાં સેફ હેવન માગ નીકળી હતી અને સોનુ ફરી ૪૧૦૦ ડોલરને પાર કરી ગયું હતું અને ચાંદી ૫૨ ડોલર ક્રોસ કર્યા હતા. ફેડરલ રિઝર્વની ઓકટોબરની મીટિંગની મિનિટસ પહેલા ફન્ડ હાઉસોની સાવચેતીભરી લેવાલી નીકળી હતી. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં ઉછાળો આવ્યો હતો.

અમદાવાદ ચાંદીમાં રૂપિયા ૫૫૦૦નો ઉછાળો આવ્યો હતો જ્યારે  મુંબઈ સોનું રૂપિયા ૧૭૦૦ ઊંચુ બોલાતુ હતું. અમેરિકામાં ક્રુડ ઓઈલનો સ્ટોક વધીને આવતા ભાવ દબાણ હેઠળ આવી ગયા હતા. ભાવ ૬૩ ડોલરની અંદર ઊતરી ગયા હતા. 

ઘરઆંગણે મુંબઈ બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ જીએસટી વગર રૂપિયા ૧૭૦૪ વધી રૂપિયા ૧,૨૩,૮૮૪ મુકાતુ હતુ. ૯૯.૫૦ સોનાના  દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૩,૩૮૮ બોલાતા હતા. જીએસટી વગર ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૪૪૦૦ વધી રૂપિયા ૧,૫૮,૧૨૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૫૦૦ વધી રૂપિયા ૧,૨૭,૫૦૦ બોલાતુ હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ  રૂપિયા ૧,૨૭,૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૫૫૦૦ વધી રૂપિયા ૧,૬૧,૫૦૦ મુકાતા હતા. 

વિશ્વ બજારમાં સોનામાં ફરી સેફ હેવન માગ નીકળતા ભાવ પ્રતિ ઔંસ ૪૧૦૦ ડોલરને ક્રોસ કરી મોડી સાંજે ૪૧૦૩ ડોલર કવોટ થતા હતા. ઊંચામાં ભાવ ૪૧૧૯ ડોલર જોવાયો હતો જ્યારે નીચામાં ૪૦૫૫ ડોલર રહ્યા હતા. 

મહત્વના ડેટા જાહેર થવા પહેલા સોનામાં મજબૂતાઈ આવી હતી. ચાંદી પ્રતિ ઔંસ ઉપરમાં ૫૨.૪૬ ડોલર થઈ મોડી સાંજે ૫૧.૯૭ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૫૬૭ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૪૧૬ ડોલર મુકાતુ હતું. 

અમેરિકન પેટ્રોલિયમ  ઈન્સ્ટિટયૂટના ડેટા  પ્રમાણે ૧૪ નવેમ્બરના સમાપ્ત થયેલા સપ્તાહમાં ક્રુડ તેલની ઈન્વેન્ટરીસમાં ૪૪ લાખ બેરલ્સનો વધારો થયો છે. ઈન્વેન્ટરી વધીને આવતા ક્રુડ તેલના ભાવ દબાણ હેઠળ આવી ગયા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૫૮.૯૦  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ મોડી સાંજે ૬૨.૯૯ ડોલર  બોલાતું હતું.  

Tags :