અમદાવાદ ચાંદી રૂ.1,25,000, જ્યારે સોનું રૂ.1,08,000ની ટોચે
- વૈશ્વિક સોનામાં ૩૫૦૮ ડોલરની નવી ટોચ બતાવ્યા બાદ ઘટાડો
- ઓપેકની બેઠક પહેલા તથા રશિયા પર વધુ પ્રતિબંધની શકયતાએ ક્રુડ તેલમાં સુધારો
મુંબઈ : ડોલર ઈન્ડેકસમાં રેન્જ બાઉન્ડ સ્થિતિ તથા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની વધી રહેલી શકયતાને પગલે મંગળવારે વૈશ્વિક સોનુ પ્રતિ ઔંસ ૩૫૦૮ ડોલરની નવી ઊંચી સપાટીને ટચ કરી ગયું હતું. જો કે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગે ભાવમાં ઘટાડો જોવાયો હતો. ચાંદી પણ પ્રતિ ઔંસ ૪૦ ડોલરની સપાટીએ ટકી રહી હતી. વિશ્વ બજાર પાછળ મુંબઈમાં સોનાચાંદીમાં ઊંચા મથાળે ભાવ સ્થિર રહ્યા હતા જ્યારે અમદાવાદમાં નવી ટોચ જોવા મળી હતી. અમદાવાદ ચાંદીમાં રૂપિયા ૨૫૦૦નો વધારો થઈ ભાવ રૂપિયા ૧,૨૫,૦૦૦ પહોંચી ગયા હતા. ઓપેકની બેઠક તથા રશિયા પર અમેરિકાના વધુ પ્રતિબંધોની શકયતાએ ક્રુડ તેલ ૭૦ ડોલર તરફ વધ્યાનું જોવા મળ્યું હતું.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ ૧૦૪૪૨૪ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૪૦૦૬ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ જીએસટી વગર રૂપિયા ૧૨૨૮૩૩ના ઊંચા મથાળે સ્થિર રહી હતી. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૮૦૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૦૭૭૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૨૫૦૦ વધી રૂપિયા ૧,૨૫,૦૦૦ કવોટ થતા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુમાં તેજી ટકી રહી છે.
વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૫૦૮ ડોલરની નવી ટોચ બતાવ્યા બાદ પ્રોફિટ બુકિંગે ઘટી ૩૫૦૦ ડોલરની અંદર સરકી ગયું હતું અને મોડી સાંજે ૩૪૮૦ ડોલર બોલાતુ હતુ. ચાંદી પ્રતિ ઔંસ ૪૦.૩૮ ડોલર બોલાતી હતી. ઔદ્યોગિક માગને પરિણામે ચાંદીમાં ઊંચા ભાવે પણ લેવાલી રહ્યાના અહેવાલ હતા. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૩૮૨ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૧૦ ડોલર મુકાતું હતું.
ડોલર ઈન્ડેકસ ૯૭.૬૨ અને ૯૮.૬૦ પોઈન્ટની વચ્ચે રેન્જ બાઉન્ડ જોવા મળ્યો હતો.
ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટ કન્ટ્રીઝ (ઓપેક) તથા સભ્ય દેશોની વર્તમાન સપ્તાહમાં મળનારી બેઠક પહેલા તથા રશિયા પર અમેરિકાના વધુ પ્રતિબંધોની શકયતાએ ક્રુડ તેલમાં મક્કમતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૫.૧૦ ડોલર મુકાતુ હતું. આઈસીઈ બ્રેેન્ટ ક્રુડ ઉપરમાં બેરલ દીઠ ૬૯.૫૩ ડોલર જઈ મોડી સાંજે ૬૮.૫૭ ડોલર મુકાતુ હતું.