Get The App

અમદાવાદ સોનામાં રૂ.2,000, ચાંદીમાં રૂ.1,500નો કડાકો

- યુએસમાં જોબગ્રોથ વધતાં સોનામાં ફંડોનું સેલીંગ: વૈશ્વિક સોનું ૩૫ ડોલર તૂટી ૨૩૦૦ ડોલરની અંદર

- બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો

Updated: Jun 9th, 2024

GS TEAM


Google News
Google News
અમદાવાદ સોનામાં રૂ.2,000, ચાંદીમાં રૂ.1,500નો કડાકો 1 - image


અમદાવાદ,મુંબઈ : ચીન દ્વારા સોનાની નવી ખરીદી બંધ કરાયાના અહેવાલો પાછળ વૈશ્વિક બજારમાં ફેલાયેલા ગભરાટ તેમજ અમેરિકામાં જોબ ગ્રોથના આંકડા અપેક્ષાથી સારા આવતા વૈશ્વિક ફંડો દ્વારા આજે વિશ્વ બજારમાં સોનામાં મોટા પાયે વેચવાલી હાથ ધરાતાં તેની સીધી અસર સ્થાનિક સોના ચાંદી બજાર પર જોવા મળી હતી. આ અહેવાલો પાછળ આજે અમદાવાદ સોના ચાંદી બજારમાં સોનામાં રૂપિયા ૨૦૦૦નો તથા ચાંદીનો રૂપિયા ૧૫૦૦નો પ્રચંડ કડાકો નોંધાયો હતો.

મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વબજાર પાછળ સોના- ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો બોલાઈ ગયો હતો. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૩૨૦થી ૨૩૨૧ વાળા ગબડી નીચામાં ૨૩૦૦ની અંદર ઉતરી ૨૨૮૬થી ૨૨૮૭ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૨૨૯૩થી ૨૨૯૪ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજાર ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપથી નીચી ઉતરતાં દેશના ઝવેરીબજારોમાં આજે ભાવમાં મોટા ગાબડાં પડયા હતા.

 અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ ગબડી ૯૯.૫૦ના ભાવ રૂ.૭૨૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૨૫૦૦ના મથાળે ઉતરી ગયા હતા. એક દિવસમાં ભાવમાં રૂ.૨૦૦૦નો કડાકો આ પૂર્વે જોવા મળ્યો ન હતો એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૧૫૦૦ તૂટી રૂ.૯૦૫૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૨૯.૯૯થી ૩૦.૦૦ ડોલરવાળા તૂટી નીચામાં ભાવ ૨૯.૦૩થી ૨૯.૦૪ થઈ છેલ્લે ભાવ ૨૯.૧૫થી ૨૯.૧૬ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ ચીને સોનાની નવી ખરીદી બંધ કરતાં તથા અમેરિકાના જોબગ્રોથના આંકડા સારા આવતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ ઉંચા મથાળે વધ્યાના નિર્દેશો હતા. ચીન દ્વારા સતત ૧૮ મહિના સોનાની ખરીદી કરાયા પછી તાજેતરમાં મે મહિનામાં આવી ખરીદી અટકાવી દેવામાં આવ્યાના આંકડા બહાર આવતાં વૈશ્વિક બુલીયન બજારમાં ગભરાટ ફેલાયાની ચર્ચા હતી. 

આ દરમિયાન, અમેરિકામાં જોબગ્રોથના આંકડા સારા આવતાં ત્યાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા ઘટતાં વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ વધી જતાં તથા બોન્ડ યીલ્ડ પણ વધતાં તેના પગલે પણ સોનાના ભાવ પર દબાણ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. અમેરિકામાં જોબગ્રોથ વધી  ૨ લાખ ૭૨ હજાર આવ્યાના સમાચાર હતા જેની અપેક્ષા ૧ લાખ ૮૫ હજારની હતી. 

જોકે ત્યાં બેરોજગારીના દર ૩.૯૦ વાળો ૪.૦૦ ટકા આવ્યાના પણ સમાચાર હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ વિશ્વબજાર પાછળ રૂ.૮૩.૩૮ વાળા ઉછળી રૂ.૮૩.૫૩થી ૮૩.૫૪ બોલાતા થયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં કોપરના ભાવ ગબડી છેલ્લે ૪.૧૬ ટકા માઈનસમાં રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૧૬૨૫ વાળા તૂટી રૂ.૭૦૮૦૦ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૧૯૧૩ વાળા રૂ.૭૧૧૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૫૩૫ વાળા ગબડી રૂ.૮૭૯૦૦ બોલાયાહતા.

 મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ પીછેહટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૮૦.૧૯ વાળા નીચામાં ૭૯.૩૨ થઈ ૭૯.૬૨ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૬ વાળા નીચામાં ૭૫.૨૧ થઈ  છેલ્લે ભાવ  ૭૫.૫૩ ડોલર રહ્યા હતા.

Tags :