Get The App

અમદાવાદ સોનુ રૂ. 104600ની વિક્રમી ટોચે : મુંબઈ ચાંદી રૂ. 1,20,000ને પાર

- અમેરિકામાં આજે જાહેર થનારા ફુગાવાના આંક પર નજર: ક્રુડ તેલ મક્કમ

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ સોનુ રૂ. 104600ની વિક્રમી ટોચે : મુંબઈ ચાંદી રૂ. 1,20,000ને પાર 1 - image


મુંબઈ : અમેરિકામાં શુક્રવારે જાહેર થનારા ફુગાવાના ડેટા પહેલા વૈશ્વિક બજારમાં સોનાચાંદીના ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી. આ અહેવાલો પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું રૂ. ૧૦૪૬૦૦ની વિક્રમી ટોચે પહોંચી ગયું હતું. બીજી તરફ મુંબઈ ચાંદી જીએસટી સાથે રૂ. ૧,૨૦,૦૦૦ની સપાટી કૂદાવી ગઈ હતી. ફેડરલ રિઝર્વના વ્યાજ દર અંગેના નિર્ણયનો આધાર   ફુગાવાના ડેટા પર રહેલો હોવાથી રોકાણકારો પણ હાલમાં સાવચેતી ધરાવી રહ્યા છે. 

ડોલરમાં નબળાઈને પગલે ફન્ડોનું કિંમતી ધાતુમાં આકર્ષણ વધતા વિશ્વ બજારમાં સોનુ ૩૪૦૦ ડોલરને પાર ગયું હતું. ફુગાવો વધીને આવશે તો ડોલરમાં મજબૂતાઈ જોવા મળશે અને સોનાના ભાવ પર દબાણ આવશે તેવી બજાર ગણતરી મૂકી રહ્યું છે. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુમાં ભાવ મજબૂત રહ્યા હતા. અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક ઘટીને આવતા ભાવ મક્કમ રહ્યા હતા. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૧૫૦૬ બોલાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૧૧૦૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૭૧૧૦ મુકાતી હતી. જીએસટી સાથે ચાંદી રૂપિયા ૧,૨૦,૦૦૦ને પાર કરી ગઈ હતી. 

અમદાવાદ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૪૬૦૦ મુકાતુ હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૦૪૩૦૦ બોલાતા હતા. અમદાવાદ સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા છે. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૭૦૦૦ કવોટ થતા હતા. 

વિશ્વ બજારમાં ગોલ્ડ પ્રતિ ઔંસ ૩૪૦૧ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૮.૯૭ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૩૪૫ ડોલર જ્યારે પેલેડિયમ  પ્રતિ ઔંસ ૧૧૦૨ ડોલર મુકાતુ હતું. ફેડરલ રિઝર્વની આવતા મહિનાની બેઠક પહેલા કિંમતી ધાતુમાં મક્કમતા જોવા મળી રહી છે. શુક્રવારે  આવનારા ફુગાવાના ડેટા કિંંમતી ધાતુના ભાવની દિશા નિશ્ચિત કરનારા બની રહેશે. 

અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક ગયા સપ્તાહમાં   ઘટીને આવતા ભાવને ટેકો મળ્યો હતો. સ્ટોક ૨૪ લાખ બેરલ ઘટી ૪૧.૮૩ કરોડ બેરલ રહ્યો હતો.  નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૪.૦૮ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૭.૯૫ ડોલર કવોટ થતું હતું. 

Tags :