અમદાવાદ સોનુ રૂ.1,04,000ની વિક્રમી ટોચે : ચાંદીંમાં ટકેલું વાતાવરણ
- ડોલર સામે રૂપિયો સ્થિર : ક્રુડ તેલ સપ્તાહ અંતે મક્કમ
મુંબઈ : ડોલર ઈન્ડેકમાં નબળાઈ અને વૈશ્વિક વેપાર તાણ વચ્ચે વિશ્વ બજારમાં સોનાચાંદીમાં ઘટાડા બાદ સપ્તાહ અંતે ભાવ ઊંચકાયા હતા. વિશ્વ બજાર પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનામાં રૂ. ૧,૦૪,૦૦૦નો નવો વિક્રમ રચાયો હતો. એક કિલો ગોલ્ડ બાર પર ટેરિફ વસૂલવા અમેરિકા વિચારી રહ્યું હોવાના અહેવાલે ગોલ્ડ વાયદામાં ઉછાળો આવતા હાજર સોનામાં પણ ભાવમાં નીચે મથાળેથી સુધારો જોવાયો હતો. વૈશ્વિક સોનું ૩૪૦૦ ડોલરને પાર કરી ગયું હતું જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૮ ડોલરને આંબી ગઈ હતી.
સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૦૯૪૨ કવોટ થતા હતા જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૦૫૩૮ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૪૭૩૨ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧,૦૪,૦૦૦ સાથે નવી ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. ૯૯.૫૦ સોનું પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૩૭૦૦ બોલાતુ હતું. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૫૦૦૦ મુકાતા હતા.
વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ નીચામાં ૩૩૮૦.૬૭ ડોલર અને ઉપરમાં ૩૪૦૯ ડોલર થઈ મોડી સાંજે ૩૪૦૦ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ નીચામાં ૩૮ ડોલર અને ઉપરમાં ૩૮.૪૮ ડોલર થઈ મોડી સાંજે ૩૮.૩૩ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૩૨૮ ડોલર જ્યારે પેલેડિયમ ૧૧૩૪ ડોલર કવોટ થતું હતું.
કરન્સી બજારમાં ડોલર ૮૭.૭૧ રૂપિયા સ્થિર રહ્યો હતો જ્યારે પાઉન્ડ ૬૦ પૈસા વધી ૧૧૭.૮૬ રૂપિયા અને યુરો ૩૨ પૈસા ઘટી ૧૦૨.૦૪ રૂપિયા રહ્યો હતો.
અમેરિકા દ્વારા ટેરિફ લાગુ થયા બાદ વેપાર તાણ વધવાની શકયતા વચ્ચે ક્રુડ તેલમાં સપ્તાહ અંતે ભાવ સ્થિર રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૪ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટના બેરલ દીઠ ૬૬.૮૦ ડોલર મુકાતા હતા.