અમદાવાદ સોનું રૂ.72,000 પાર કરી જતાં નવો રેકોર્ડ : ચાંદી રૂ.79,000
- વૈશ્વિક સોનાના ભાવ વધુ ઉછળી ઔંશના ૨૩૦૦ ડોલર પાર
- યુએસમાં બેરોજગારીના દાવા વધ્યા: સર્વિસ ડેટા નબળા આવતા વ્યાજ દર ઘટવાની શક્યતા વધતાં સોનામાં બાઈંગ વધ્યું
અમદાવાદ,મુંબઈ : અમદાવાદ,મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી વણથંભી આગળ વધતાં બજારમાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ વધુ ઉંચકાઈ ઔંશદીઠ ૨૩૦૦ ડોલરની સપાટી પાર કરી જતાં નવો વિક્રમ સર્જાયો હતો. વિશ્વબજાર ઉછળતી રહેતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપી વધી ગઈ છે અને તેના પગલે ઝવેરીબજારોમાં એકધારી તેજીનો પવન ફૂંકાતો જોવા મળ્યો હતો.
અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ ઉછળી ૯૯.૫૦ના રૂ.૭૨૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૨૨૦૦ બોલાતાં તેજીનો નવો ઈતિહાસ રચાયો હતો. અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના વધુ રૂ.૫૦૦ વધી રૂ.૭૯ હજારને આંબી ગયા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવ વધી ઔંશના ઉંચામાં ૨૩૦૪થી ૨૩૦૫ થઈ ૨૨૮૭થી ૨૨૮૮ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના વધુ ઉછળી ઉંચામાં ૨૭ ડોલર પાર કરી ૨૭.૩૩થી ૨૭.૩૪ થઈ ૨૬.૯૫થી ૨૬.૯૬ ડોલર રહ્યા હતા. અમેરિકામાં સર્વિસ ક્ષેત્રના ડેટા નબળા આવતાં તથા બિઝનેસ એકટીવીટીનો ગ્રોથ ધીમો પડતાં વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડની પીછેહટ વચ્ચે સોનામાં ફંડોનું બાઈંગ ચાલુ રહ્યું હતું. અમેરિકામાં આજે બેરોજગારીના દાવાઓ નવ હજાર વધી ૨ લાખ ૨૧ હજાર આવતાં ત્યાં જોબ માર્કેટમાં ફરી નબળાઈ દેખાયાના નિર્દેશો હતા.
દરમિયાન, વિશ્વબજારમાં કોપરના ભાવ ૦.૮૦ ટકા વધ્યા હતા. ત્યાં પ્લેટીનમના ભાવ ઔંશના ઉંચામાં ૯૪૪ થઈ ૯૩૭થી ૯૩૮ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ૧૦૨૬થી ૧૦૨૭ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ જોકે વધતા અટકી ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૯.૭૯ વાળા નીચામાં ૮૮.૯૮ થઈ ૮૯.૦૬ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ બેરલના ૮૫.૭૦ વાળા નીચામાં ૮૫.૦૮ થઈ ૮૫.૧૦ ડોલર રહ્યા હતા. નવી માગ ધીમી પડી હતી.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૯૦૮૬ વાળા વધી રૂ.૬૯૬૫૬ થઈ રૂ.૬૯૬૨૨ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૯૩૬૪ વાળા રૂ.૬૯૯૩૬ થઈ રૂ.૬૯૯૦૨ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૭૭૫૯૪ વાળા રૂ.૭૯૩૩૭ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.