ચંદા કોચર વિરુદ્ધની તપાસમાંથી ICICI બેન્કને અળગી રાખવા રજુઆત
- અગાઉ કોચરના બચાવમાં ઉતરેલી બેન્ક દ્વારા હવે તેમનાથી અંતર રાખવાના પ્રયાસ
મુંબઈ, તા. 28 જાન્યુઆરી 2019, સોમવાર
આઈસીઆઈસીઆઈ બેન્કના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેકટર અને ચીફ એકઝિક્યૂટિવ ઓફિસર (સીઈઓ) ચંદા કોચર સામે ચાલી રહેલી ઘણીબધી તપાસોમાં પોતાને નહીં સંડોવવા આઈસીઆઈસીઆઈ બેન્કે સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને અનુરોધ કર્યો છે.
આ કેસની કોઈપણ તપાસ ચંદા કોચર કેન્દ્રીત હોવી જોઈએ અને નહીં કે આઈસીઆઈસીઆઈ બેન્ક કેન્દ્રીત એમ બેન્કે કરેલી વિનંતીમાં જણાવ્યું હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.
હાલમાં સેબી, બેન્ક અને કોચર બન્ને સામે એડજુડિકેશન પ્રક્રિયા કરી રહ્યું છે. ચંદા કોચરના પતિ દીપકના વીડિયોકોન જુથ સાથેના વેપાર વ્યવહારમાં આઈસીઆઈસીઆઈ બેન્કના હિતોને ઘર્ષણમાં નાખ્યા હોવાની શકયતાને ધ્યાનમાં રાખી આ પ્રક્રિયા હાથ ધરાઈ છે.
સેબીના ઈન્સાઈડર ટ્રેડિંગ નિયમોને આગળ ધરીને બેન્કે બચાવ કર્યો છે કે, જાણકારી પૂરી પાડવાની જવાબદારી કર્મચારીઓની હોય છે. બેન્કને કરેલા ડિસ્કલોઝરમાં કોચરે ૨૦૧૫ તથા ૨૦૧૮ દરમિયાનના ગાળાના પોતાના પરિવારના વેપાર હિતો અંગે કોઈ જાણકારી પૂરી પાડી નહોતી, એમ બેન્ક દ્વારા દાવો કરાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
પોતાના પતિ દીપક દ્વારા સંચાલિત પિનેકલ એનર્જીમાં કોઈપણ લાભકારી હીત હોવાની વાતને ચંદા કોચરે રિઝર્વ બેન્કને ગયા વર્ષે લખેલા પત્રમાં નકારી કાઢી હતી. વિડિયોકોન ઈન્ડ.ના ચેરમેન વેણુગોપાલ ધુતે દીપક કોચરની કંપની ન્યુપાવર રિન્યુએબલ્સમાં રૂપિયા ૬૪ કરોડનું રોકાણ કર્યુ હોવાની સીબીઆઈએ તપાસ કરી હતી. ગયા વર્ષના માર્ચમાં સીબીઆઈએ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. તે વેળાએ આઈસીઆઈસીઆઈ બેન્ક બોર્ડે ચંદા કોચરનો બચાવ કર્યો હતો અને તેમનામાં બેન્કને પૂરો વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું.