સતત બે મહિના નબળો રહ્યા બાદ સેવા ક્ષેત્રના PMIમાં નોંધપાત્ર સુધારો જોવાયો
- મજબૂત માગને પગલે નવા ઓર્ડરમાં વાૃધારો ાૃથતાં સેવા ક્ષેત્રે સિૃથતિમાં સુાૃધારો ાૃથઈ રહ્યાના સંકેત
મુંબઈ, તા. 04 ડિસેમ્બર 2019, બુધવાર
નવેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. સતત બે મહિના સુધી સંકોચાયા બાદ દેશનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) નવેમ્બરમાં વધીને ૫૨.૭૦ રહ્યો છે. ઓકટોબરમાં આ આંક ૪૯.૨૦ અને સપ્ટેમ્બરમાં ૪૮.૭૦ પોઈન્ટ રહ્યો હતો.
પીએમઆઈની ભાષામાં ૫૦થી ઉપરના પોઈન્ટને જે તે ક્ષેત્રનો વિકાસ થયો કહેવાય છે જ્યારે ૫૦થી નીચેના પોઈન્ટને સંકોચન ગણવામાં આવે છે. આ અગાઉ વર્તમાન વર્ષના ઓગસ્ટમાં ૫૪.૭૦ પોઈન્ટ સાથે સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૪૩ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો.
નવેમ્બરમાં ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ ૫૧.૨૦ પોઈન્ટ રહ્યો હતો. ઓકટોબરનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ બે વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. ખર્ચ ઘટાડવા ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓએ રોજગાર પર વીસ મહિનામાં પ્રથમ વખત કાપ મૂકયો હતો પરંતુ સેવા ક્ષેત્રની કંપનીઓમાં ભરતી ચાલુ રહી છે.
સેવા ક્ષેત્રમાં ભરતીની માત્રા નવેમ્બરમાં ત્રણ માસની ઊંચી સપાટીએ રહી હતી. નવા વેપાર ઓર્ડરમાં વધારાને કારણે સેવા ક્ષેત્રનો પીએમઆઈ નવેમ્બરમાં ચાર મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. ઓકટોબરમાં નવા ઓર્ડરો સ્થિર રહ્યા હતા.
જે કંપનીઓના વેચાણમાં વધારો થયો છે તે કંપનીઓ સ્વાભાવિક જ માગ સ્થિતિ સારી હોવાનું જણાવી રહી છે. નવેમ્બરમાં સતત નવમા મહિને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી નવા બિઝેનસમાં વધારો જોવા મળ્યો હતો. ઓકટોબરથી નિકાસ વૃદ્ધિનો દર સહેજ વધી રહ્યો છે એમ સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.
સેવા ક્ષેત્રમાં કન્ઝયૂમર સર્વિસીઝ, ઈન્ફરમેશન અને કમ્યુનિકેસન તથા રિઅલ એસ્ટેટ તથા બિઝનેસ સર્વિસીઝમાં વૃદ્ધિ જોવા મળી છે જ્યારે ટ્રાન્સપોર્ટ તથા સ્ટોરેજ અને ફાઈનાન્સ અને વીમા વેપારમાં ઘટાડો ચાલુ રહ્યો છે.
વિતેલા મહિનામાં સેવા ઉદ્યોગ માટેના કાચા માલના ભાવમાં વધારો થયો છે અને ફુગાવાનો દર ૧૩ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જો કે સેવા પૂરી પાડવા પેટેના ચાર્જિસમાં સાધારણ જ વધારો થયો છે. આમ સેવા ક્ષેત્રમાં કાચા માલના ભાવમાં વધારો અને સેવા પેટેના ચાર્જિસ વચ્ચેનું અંતર એક વર્ષનું સૌથી વધુ રહ્યું છે.સેવા ક્ષેત્રમાં બિઝનેસ કોન્ફીડેન્સનું સ્તર નબળું રહ્યું છે. સેવા ક્ષેત્રની કંપનીઓમાં પોઝિટિવ સેન્ટિમેન્ટનું સ્તર ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યું હોવા છતાં તે લાંબા ગાળાની સરેરાશ કરતા નીચું હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે