For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફેડરલ બાદ હવે આવતા સપ્તાહે મળી રહેલી રિઝર્વ બેન્કની બેઠક પર નજર

- ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખતા રેપો રેટમાં અડધા ટકા સુધીનો વધારો થવાની ધારણા

Updated: Sep 22nd, 2022

Article Content Image

મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૭૫ બેઝિસ પોઈન્ટના વધારા બાદ હવે આવતા સપ્તાહે મળી રહેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની બેઠક પર બજારની નજર રહેલી છે. 

દેશમાં ઓગસ્ટનો ફુગાવો ફરી વધીને આવતા રિઝર્વ બેન્ક  પર વ્યાજ દરમાં વધારો કરવાનું  દબાણ  વધી ગયું છે. ગુરુવારે ડોલર સામે રૂપિયો તૂટીને નવી નીચી સપાટીએ પહોંચતા ફુગાવાને લઈને રિઝર્વ બેન્કની ચિંતામાં વધારો થયો છે. 

દેશમાં વર્તમાન વર્ષમાં ચોમાસાની અનિશ્ચિતતાએ પણ ખરીફ ઉત્પાદન ખાસ કરીને ચોખાના ઉત્પાદનમાં ઘટ જોવા મળવાનો અંદાજ  મુકાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ખાધાખોરાકીના ભાવ ઊંચે જઈ શકે છે.

ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજ ઘટાડવામાં આવી રહ્યા છે. 

૨૮થી ૩૦ સપ્ટેમ્બરના નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં આરબીઆઈ રેપો રેટમાં ૩૫થી ૫૦ બેઝિસ પોઈન્ટ સુધીનો વધારો કરશે તેવી એનાલિસ્ટો ધારણાં રાખી રહ્યા છે. 

 ફુગાવાને કાબુમાં લેવા તાજેતરમાં લેવાયેલા પગલાં ટૂંકા પડી રહ્યાનો મત વ્યકત કરવામાં આવી રહ્યો છે. જુલાઈમાં ૬.૭૧ની સરખામણીએ ઓગસ્ટનો રિટેલ ફુગાવો ૭ ટકા આવ્યો છે. સપ્ટેમ્બરનો ફુગાવો વધીને ૭.૪૦ ટકા આવવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. 

એકતરફ ઊંચો ફુગાવો તથા બીજી બાજુ નબળા આર્થિક વિકાસ દર છતાં રિઝર્વ બેન્ક ફુગાવાને કાબુમાં લેવાના પગલાંને મહત્વ આપશે એમ નોમુરા દ્વારા એક રિપોર્ટમાં આ અગાઉ જણાવાયું હતું. વર્તમાન વર્ષના મેથી અત્યારસુધીમાં રિઝર્વ બેન્કે રેપો રેટ ૧૪૦ બેઝિસ પોઈન્ટ વધારી ૫.૪૦ ટકા સુધી લઈ ગઈ છે. 

ગઈકાલે સમાપ્ત થયેલી ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠકમાં વ્યાજ દરમાં ૭૫ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો બાદ આગળ જતા પણ આ વધારો ચાલુ રાખવાના સંકેત અપાયા છે. 

Gujarat