Get The App

રશિયા-યુક્રેન બાદ હવે ઈરાન યુદ્ધથી ખાદ્યતેલ બજાર માટે પૂરવઠો મોટી ચિંતા

- બાયોફયુઅલ ઉત્પાદકોનો બાયોડિઝલમાં વધુ રસ

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
રશિયા-યુક્રેન બાદ હવે ઈરાન યુદ્ધથી  ખાદ્યતેલ બજાર માટે પૂરવઠો મોટી ચિંતા 1 - image

મુંબઇ : ઇરાન તથા અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પરિણામે તથા  અગાઉથી જ ચાલી રહેલા સંઘર્ષને કારણે  કાળા સમુદ્ર મારફત માલસામાનની હેરફેર પર પડેલી અસરને પરિણામે ભારતની ખાધ્ય તેલ બજારમાં નોંધપાત્ર વોેલેટિલિટી ઊભી કરવા ઉપરાંત પૂરવઠાની ચિંતા પણ ફેલાઈ છે. 

રશિયા તથા પશ્ચિમ યુરોપ ખાતેથી સનફલાવર ઓઈલની આયાતમાં ખલેલના જોખમો તથા પામ ઓઈલના ઊંચા નૂર ખર્ચે સનફલાવર ઓઈલ જેવા ખાધ્ય તેલની કિંમતોમાં વધારો કરાવ્યો છે એમ ઉદ્યોગ સંસ્થા ધ સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ' એસોસિએશન (સી) દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 

મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવ વધી જતા બાયોફયુઅલ ઉત્પાદકો  પામ ઓઈલ આધારિત બાયોડિઝલમાં વધુ રસ દાખવી રહ્યા છે, જેને કારણે પામ ઓઈલની માગ તથા ભાવમાં ટૂંકા ગાળે ઉછાળો આવી શકે છે ખાસ કરીને દક્ષિણપૂર્વ એશિયામાં. 

સામાન્ય રીતે ભારત તેની સનફલાવરની આવશ્યકતા માટે રશિયા તથા યુક્રેન પર વધુ આધાર રાખી રહ્યું છે પરંતુ નવા સંઘર્ષને પરિણામે આયાતમાં ખલેલ પડવાનું જોખમ રહેલું છે. 

ઈરાન યુદ્ધને કારણે ભારતની ખોળ નિકાસને પણ ફટકો પડવાનું જોખમ રહેલું છે. ખોળની કુલ નિકાસમાંથી વીસ ટકા નિકાસ મધ્ય પૂર્વ તથા દક્ષિણપૂર્વ એશિયા વિસ્તારમાં થાય છે. 

દરમિયાન ગયા મહિને ભારતની વનસ્પતિ તેલની  એકંદર આયાત વાર્ષિક ધોરણે ૨૫ ટકા વધી ૧૩૧૬૫૪૫ ટન્સ રહી હતી. જેમાં ૧૨૯૨૦૪૩ ટન્સ એડીબલ ઓઈલ અને ૨૪૫૦૨ ટન્સ નોન-એડીબલ ઓઈલનો સમાવેશ થતો હતો.