Get The App

હોમ લોન પ્રી-પેમેન્ટ કરવાથી શું ફાયદો અને શું નુકસાન, જાણો સંપૂર્ણ કેલ્ક્યુલેશન

હોમ લોન પ્રી-પેમેન્ટ એટલે હોમ લોનની પૂર્વ ચુકવણી

હોમ લોનની પ્રી-પેમેન્ટ કરીને લાખો રૂપિયા બચાવી શકો છો

Updated: Apr 25th, 2023

GS TEAM


Google News
Google News
હોમ લોન પ્રી-પેમેન્ટ કરવાથી શું ફાયદો અને શું નુકસાન, જાણો સંપૂર્ણ કેલ્ક્યુલેશન 1 - image
Image:Pixabay

મોંઘવારીના આ યુગમાં ઘર ખરીદવાનું સપનું પૂરું કરવું દરેક વ્યક્તિ માટે સરળ હોતું નથી. ઘર ખરીદવું એ જીવનનો સૌથી મોટો આર્થિક નિર્ણય છે. આજકાલ દેશના ઘણા મોટા શહેરોમાં ઘર ખરીદવું એટલું મોંઘું થઈ ગયું છે કે મોટાભાગના લોકોને તેના માટે લોન લેવી પડતી હોય છે. જો હોમ લોન સરળતાથી ઉપલબ્ધ હોય તો પણ તેની કિંમત વ્યાજના રૂપમાં ચૂકવવી પડે છે. છેલ્લા કેટલાંક સમયથી RBI રેપો રેટમાં સળંગ વધારો કરી રહી છે, જેના કારણે હોમ લોન લેનારાઓ પર વ્યાજનો બોજ ઘણો વધી ગયો છે. આ કારણે ઘણી બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો છે. હોમ લોન લીધા બાદ તેને ચૂકવવા માટે ઘણા લોકોને 5થી 6 વર્ષ સુધી હપ્તા ભરવા પડે છે. આવી સ્થિતિમાં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે હોમ લોન પ્રી-પેઇડ હોવી જોઈએ કે નહી.

હોમ લોન પ્રી-પેમેન્ટ એટલે હોમ લોનની પૂર્વ ચુકવણી. આ કરવાની એક રીત એ હોઈ શકે છે કે એક જ વારમાં સમગ્ર લોનની ચુકવણી કરી દેવી. પરંતુ સામાન્ય રીતે એક સાથે આટલા પૈસા ચૂકવવા શક્ય નથી.

EMIની રકમ વધારી સમય પહેલા લોનની ચુકવણી

તમે બેંક સાથે વાત કરીને તમારી EMIની રકમ વધારી શકો છો અને આ રીતે સમય પહેલા લોનની ચુકવણી કરી શકો છો. આ ઉપરાંત તમે તમારી હાલની બેંક કરતા ઓછા વ્યાજ દરે લોન આપતી બેંકમાં લોન ટ્રાન્સફર કરીને હોમ લોન EMIની સંખ્યા પણ ઘટાડી શકો છો અને પહેલા કરતા વધુ ઝડપથી ઋણમાંથી મુક્તિ મેળવી શકો છો.

વધારાની આવકને હોમ લોન ખાતામાં જમા કરાવો

સમય પહેલા હોમ લોન ચૂકવવાનો બીજો સરળ રસ્તો એ છે કે જ્યારે પણ તમારી પાસે કોઈપણ જગ્યાએથી વધારાની આવક આવે તો તેને હોમ લોન ખાતામાં જમા કરવાનું રાખો. આમ કરવાથી હોમ લોનની મુખ્ય બાકી રકમ ઝડપથી ઘટશે અને તમારી અગાઉની EMIમાં મુખ્ય રકમનો હિસ્સો વધશે. આ રીતે તમે તમારી હોમ લોન સમય પહેલા ચૂકવી શકશો. પરંતુ જો હોમ લોન ઘણા વર્ષો જૂની છે અને તે દરમિયાન તમારી આવક અને બચતમાં નોંધપાત્ર વધારો થયો છે, તો તમે એક જ વારમાં સમગ્ર રકમ ચૂકવી શકો છો. તમારા માટે હોમ લોન પ્રીપેમેન્ટના ફાયદા અને ગેરફાયદા બંનેને સમજવું મહત્વપૂર્ણ છે.

હોમ લોનની પ્રી-પેમેન્ટ કરીને લાખો રૂપિયા બચાવી શકો છો

હોમ લોન પ્રીપેમેન્ટનો ફાયદો એ છે કે તે તમારા પર વ્યાજનો બોજ ઘટાડે છે. હોમ લોનની EMI ચૂકવતી વખતે તમે મુદ્દલ તેમજ વ્યાજ ચૂકવી રહ્યા હોવ છો. લોનનો સમયગાળો જેટલો લાંબો હશે તેટલું વધુ વ્યાજ તમારે ચૂકવવું પડશે. આથી જ્યારે તમે તમારી લોનની પૂર્વ ચુકવણી કરો છો, ત્યારે સમગ્ર લોનની મુદત દરમિયાન તમારે જે વ્યાજ ચૂકવવું પડશે તે ઘટી જાય છે. એટલે કે હોમ લોનની પ્રી-પેમેન્ટ કરીને તમે હોમ લોનના વ્યાજ દરના આધારે આપવામાં આવેલા લાખો રૂપિયા બચાવી શકો છો.

ઋણમાંથી જલ્દી મુક્તિ મેળવી શકશો

તમારી હોમ લોનની પૂર્વ ચુકવણી કરવાનો અર્થ છે કે દેવાના બોજમાંથી વહેલા મુક્ત થઈ શકશો. એકવાર લોન ફ્રી થઈ ગયા પછી, તમારે દર મહિને EMI ચૂકવવાની જરૂર નથી. તે સ્વાભાવિક છે કે હવે તમે તે રકમનું બીજે ક્યાંક વધુ સારી રીતે રોકાણ કરી શકો છો અથવા તમારા અન્ય મહત્વપૂર્ણ કામ માટે તેનો ઉપયોગ કરી શકો છો.

તમારો ક્રેડિટ સ્કોર વધુ સારો રહેશે

હોમ લોનની પ્રીપેમેન્ટ કરવાથી ક્રેડિટ સ્કોરમાં પણ સુધારો જોવા મળે છે. તમારી લોન ચૂકવવાની ક્ષમતામાં લેન્ડરનો વિશ્વાસ વધે છે. તેથી જો ભવિષ્યમાં જરૂર પડે તો તમારા માટે લોન લેવી સરળ બની શકે છે. આ ફાયદાઓ ઉપરાંત હોમ લોનની પૂર્વ ચુકવણીના કેટલાક નકારાત્મક પાસાઓ છે, જેના વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે.

લિક્વિડીટી

જો તમે તમારી બચતનો મોટો ભાગ હોમ લોનની પૂર્વ ચુકવણીમાં આપો છો તો તે તમારી લિક્વિડીટીને પ્રતિકૂળ અસર કરશે. આવી સ્થિતિમાં તમને અચાનક જરૂર પડતા તરત જ પૈસા એકત્ર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ઓપર્ચ્યુનિટી કોસ્ટ

તમારી હોમ લોનની પ્રી-પેમેન્ટ માટે તમે જે બચતનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો તે રકમનું જો તમે અન્ય જગ્યાએ રોકાણ કરો તો તમને વળતર મળી શકે છે. જ્યારે હોમ લોનની ચુકવણી માટે તેનો ઉપયોગ નથી કરતા ત્યારે તમે તેના પર જે સંભવિત વળતર મેળવી શક્યા હોત તે ગુમાવો છો, જે તમારે હોમ લોનની પૂર્વ ચુકવણી પર સહન કરવી પડશે તેને ઓપર્ચ્યુનિટી કોસ્ટ અથવા ખર્ચ કહેવાય છે . જો સંભવિત વળતરનો દર હોમ લોનના વ્યાજ કરતાં ઓછો હોય તો તમારા માટે હોમ લોનની ચુકવણી કરવી ફાયદાકારક છે, પરંતુ જો ઓપર્ચ્યુનિટી કિંમત વધારે છે, તો તમારે આ ખર્ચને પણ ધ્યાનમાં લેવો જોઈએ. ઉદાહરણ તરીકે જો તમે તે નાણાં સ્ટોક અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમે તમારા હોમ લોનના વ્યાજ દર કરતાં વધુ વળતર મેળવી શકો છો. જો કે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉચ્ચ વળતર આપતી ઈક્વિટી અથવા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઘણી વાર વળતરની બાંયધરી આપતા નથી અને રોકાણ કરેલી મૂડી પણ જોખમમાં હોય છે.

પ્રી-પેમેન્ટ માટે પેનલ્ટી ચાર્જ લાગી શકે છે

હોમ લોનની પૂર્વ ચુકવણી પર ઘણાં લેન્ડર પ્રી-પેમેન્ટ પેનલ્ટી વસૂલ કરે છે. આ પેનલ્ટી સમય પહેલાં લોન ચૂકવવાના આર્થિક લાભને ઘટાડે છે. તેથી હોમ લોન પ્રી-પેમેન્ટ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા પ્રી-પેમેન્ટ પેનલ્ટીની કિંમત પણ ધ્યાનમાં લેવી જોઈએ.

સૌથી વધુ વ્યાજ દર ધરાવતી લોનને પહેલા પતાવવી જોઈએ

હોમ લોન પ્રીપેમેન્ટ વિશે નિર્ણય લેતી વખતે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે હોમ લોન પર વ્યાજનો દર સામાન્ય રીતે અન્ય લોન કરતાં ઓછો હોય છે. તેથી જો તમારી કાર લોન, પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ લોન બાકી છે, તો પહેલા તેને ચૂકવો. આમાં પણ સૌથી વધુ વ્યાજ દર ધરાવતી લોનને પહેલા પતાવવી જોઈએ. હોમ લોનની પ્રી-પેમેન્ટ યોગ્ય છે કે નહીં તે નિર્ણય તમારી વ્યક્તિગત નાણાકીય પરિસ્થિતિ, હોમ લોનના વ્યાજ દર, તમારી આવક અને રોજગારની સ્થિતિ અને ઉંમર, કૌટુંબિક જવાબદારીઓ સહિતના ઘણા પરિબળો પર આધારિત છે. જો તમારી સામે નાણાકીય જવાબદારીઓ વધારે છે, જે હોમ લોન ઝડપથી ચૂકવવા કરતાં વધુ મહત્વપૂર્ણ છે, તો પહેલા તેનો સામનો કરવો જોઈએ. આ ઉપરાંત, જો તમારી પાસે એકસાથે ઘણા પૈસા ન હોય તો પણ વ્યાજનો બોજ ઘટાડવા અને લોનની ઝડપથી ચુકવણી કરવા માટે તમે EMI વધારી શકો છો, લોન એવી બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો જે ઓછા વ્યાજે લોન આપે છે અને લોન ટ્રાન્સફર કરી શકો છો. હોમ લોન ખાતામાં વધારાની આવક જમા કરાવવા જેવી પદ્ધતિઓ પર તમે વિચાર કરી શકો છો.

Tags :