વર્તમાન વર્ષમાં દેશના GDP અંદાજમાં એડીબી તથા ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ઘટાડો
- વિશ્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેશે
મુંબઈ : અમેરિકા દ્વારા સૂચિત ટેરિફને કારણે નિકાસ અને ઈન્વેસ્ટમેન્ટસ પર અસર તથા નીતિવિષયક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી ભારતના આર્થિક વિકાસ દરના અંદાજોમાં એડીબી તથા ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ઘટાડા કરવામાં આવ્યા છે.
એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)એ વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દર માટેના પોતાના અંદાજ ૬.૭૦ ટકા પરથી સાધારણ ઘટાડી ૬.૫૦ ટકા કર્યા છે. આમછતાં વિશ્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેશે તેવી પણ બેન્કે તેના જુલાઈના રિપોર્ટમાં ધારણાં મૂકી છે.
અમેરિકા દ્વારા પાયાના ટેરિફ દર તથા નીતિવિષયક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી આ ઘટાડો આવી પડયો છે. આ અનિશ્ચિતતાને કારણે ઈન્વેસ્ટમેન્ટ ફલો પર પણ અસર પડી શકે છે.
ભારતમાં ગ્રામ્ય માગમાં મજબૂત રીકવરીના ટેકા સાથે ઉપભોગમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. સેવા તથા કૃષિ ક્ષેત્ર ભારતના આર્થિક વિકાસના મુખ્ય પરિબળો બની રહેશે. સારા ચોમાસાને કારણે વર્તમાન વર્ષમાં કૃષિ ક્ષેત્રની સ્થિતિ સારી જણાઈ રહી છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વર્તમાન નાણાં વર્ષના ફુગાવાની ધારણાંને પણ એડીબીએ ઘટાડી ૩.૮૦ ટકા કરી છે. કૃષિ ઉત્પાદનમાં વધારાને કારણે ખાધ્ય પદાર્થોની કિંમતોમાં અપેક્ષા કરતી ઝડપી ઘટાડો જોવા મળશે.
નાણાં વર્ષ ૨૦૨૭ માટેના ફુગાવાના અંદાજને જાળવી રખાયો છે. પરંતુ જીડીપી અંદાજ ૬.૮૦ ટકાથી સહેજ ઘટાડી ૬.૭૦ ટકા કરાયો છે. રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સે પણ અમેરિકાના ટેરિફની અનિશ્ચિતતા અને નબળા ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષ માટેના ભારતના જીડીપી અંદાજ ૬.૬૦ ટકા પરથી ઘટાડી ૬.૩૦ ટકા કર્યો છે.
ભારત સામે હાલમાં પડકારભરી અને સાનુકૂળ બન્ને સ્થિતિ જોવા મળી રહી છે. પડકારોમાં મુખ્યત્વે અનિશ્ચિત વૈશ્વિક ચિત્ર અને અપેક્ષા કરતા નબળા ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણનો સમાવેશ થાય છે. જ્યારે નાણાં નીતિમાં સરળતા, ફુગાવામાં ઘટાડો તથા વર્તમાન વર્ષમાં સામાન્ય કરતા સારો વરસાદ ભારત માટે હાલમાં સાનુકૂળ છે.