Gautam Adani US Case : અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા લાંચ અને છેતરપિંડીના હાઈ-પ્રોફાઈલ કેસમાં એક મોટો યુ-ટર્ન આવ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર અમેરિકાનું ન્યાય વિભાગ દ્વારા અદાણી સામેનો કેસ પડતો મૂકવાની યોજના બનાવી રહ્યું છે. ગૌતમ અદાણીએ આ કેસ માટે રોબર્ટ જે. ગિયુફ્રા જુનિયરને હાયર કર્યા છે. ગિયુફ્રા પ્રખ્યાત લૉ ફર્મ 'સુલિવન એન્ડ ક્રોમવેલ'ના કો-ચેરમેન છે તથા તેઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલ પણ રહી ચૂક્યા છે.
અમેરિકામાં 10 અબજ ડોલરના રોકાણની ઓફર
વોશિંગ્ટનમાં ન્યાય વિભાગ સાથેની એક બેઠક દરમિયાન અદાણીના વકીલે એક અનોખી ઓફર રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે જો આરોપો પડતા મૂકવામાં આવે, તો અદાણી ગ્રૂપ અમેરિકામાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે અને ત્યાં 15 હજાર નવી નોકરીનું સર્જન કરશે. રિપોર્ટ અનુસાર, વકીલ ગિયુફ્રાએ ન્યાય વિભાગના અધિકારીઓ સમક્ષ 100 સ્લાઈડ્સ રજૂ કરી હતી, જેમાં સમજાવાયું હતું કે અદાણી સામેના આરોપોમાં પૂરતા પુરાવા નથી અને અમેરિકા પાસે આ કેસ ચલાવવાનું કાર્યક્ષેત્ર (Jurisdiction) પણ નથી.
SEC અને ટ્રેઝરી વિભાગ દંડના આધારે છોડી દેશે
આ ક્રિમિનલ ચાર્જિસ સિવાય, અમેરિકી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) અને ટ્રેઝરી વિભાગ દ્વારા પણ અદાણી ગ્રૂપ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. આ એજન્સીઓ પણ અદાણીને દંડ ફટકારીને સમાધાન (Settlement) કરશે.
SEC સેટલમેન્ટ: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ગુરુવારે મોડી રાત્રે 18 મિલિયન ડોલરના દંડ સાથે સમાધાનની જાહેરાત કરી છે, જેમાંથી ગૌતમ અદાણી 6 મિલિયન ડોલર અને સાગર અદાણી 12 મિલિયન ડોલર દંડ ચૂકવશે.
ટ્રેઝરી વિભાગનો દંડ: ઈરાનની ગેસ શિપિંગ દ્વારા અમેરિકાના પ્રતિબંધોના ઉલ્લંઘન બદલ ટ્રેઝરી વિભાગ અદાણી ગ્રૂપ પર આશરે 275 મિલિયન ડોલરનો દંડ ફટકારી શકે છે.
ક્યાંથી શરૂ થયો હતો સમગ્ર કેસ?
નવેમ્બર 2024માં અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર એવો આરોપ હતો કે તેમણે ભારતમાં સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને 265 મિલિયન ડોલરની લાંચ આપી હતી અને આ બાબત આંતરરાષ્ટ્રીય રોકાણકારોથી છુપાવી હતી. સાથે જ એવો પણ આરોપ હતો કે તેમણે આ લાંચકાંડ વિશે અમેરિકી રોકાણકારો સમક્ષ ખોટું બોલીને ભંડોળ એકઠું કર્યું હતું. અદાણી ગ્રૂપે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. બાઈડન વહીવટીતંત્રે તેને વ્યાપક ભ્રષ્ટાચાર અને છેતરપિંડી ગણાવી હતી.
કેસની મહત્ત્વની ટાઈમલાઈન:
નવેમ્બર 2024 : અમેરિકામાં અદાણી સામે લાંચ અને છેતરપિંડીનો કેસ દાખલ થયો.
જાન્યુઆરી-એપ્રિલ 2026 : વકીલ રોબર્ટ ગિયુફ્રાની ટીમની એન્ટ્રી અને DOJ સાથે ગુપ્ત બેઠકો.
મે 2026 : NYTનો રિપોર્ટ: અમેરિકા ચાર્જિસ પડતા મૂકવા તૈયાર.
ભારતના રાજકારણમાં ગરમાવો: રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર
અમેરિકામાં ગૌતમ અદાણી સામેના લાંચકાંડના આરોપો પડતા મૂકવાના સમાચાર આવતા જ ભારતીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે, ભારત-અમેરિકા વચ્ચેની તાજેતરની વ્યાપારી વાટાઘાટો દેશના હિત માટે નહીં, પરંતુ ગૌતમ અદાણીને બચાવવા માટે કરવામાં આવી હતી.
કોંગ્રેસના મહા સચિવ જયરામ રમેશે વધુ આક્ષેપો કરતાં કહ્યું કે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન શા માટે એકતરફી ઇન્ડો-યુએસ ટ્રેડ ડીલ માટે સંમત થયા. એ પણ સ્પષ્ટ છે કે તેમણે રાષ્ટ્રીય હિતને બદલે ટ્રમ્પની ધમકીઓ પર ધ્યાન આપીને 10 મે 2025ના રોજ 'ઓપરેશન સિંદૂર'ને અચાનક કેમ અટકાવી દીધું હતું.


