સાનુકુળ અહેવાલો પાછળ અદાણી જુથ કંપનીના શેરના ભાવમાં સંગીન સુધારો
- અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 20 ટકાની અપર સર્કિટ, કામકાજના અંતે 2164.25ની સપાટીએ બંધ રહ્યો
અમદાવાદ : હિન્ડેબર્ગ રીસર્ચના રિપોર્ટના પગલે તળીયે પટકાયેલાં અદાણી જૂથ કંપનીઓના શેરોમાં સાનુકુળ અહેવાલોને પગલે આજે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.જેમાં અદાણી એન્ટરપ્રાઇઝમાં આજે ૨૦ ટકાની અપર સર્કીટ અમલી બની હતી.
રીસર્ચ રિપોર્ટ પ્રગટ થયા બાદ અદાણી જૂથના શેરોમાં મોટાપાયે ધોવાણ જોવા મળ્યું હતું. જો કે ત્યારબાદ આ મામલે રીઝર્વ બેંક, માર્કેટ રેગ્યુલેટર સેબી તથા નાણામંત્રીના આ કેસ સંબંધીત વિવિધ નિવેદનોની આ જૂથના શેરો પર સાનુકુળ અસર થવા પામી હતી. તેમાં વળી આજે આરબીઆઈ ગવર્નર દાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતીય બેકિંગ ક્ષેત્ર કોઈવ્યક્તિગત કેસથી પ્રભાવિત થશે નહિં. બેંકો દ્વારા કંપનીઓના માક્ટે કેપિટલાઇઝેશનને ધ્યાનમાં રાખીને નહિ બલ્કે કંપનીના ફંડામેન્ટલ, પ્રોજેક્ટનું વિશ્લેષણ, અપેક્ષિત રોકડ પ્રવાહ અને અન્ય મૂલ્યાંકન પધ્ધતિના આધારે ધિરાણ અપાય છે.
આ અહેવાલો બાદ આજે અદાણી જૂથના શેરોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. ફંડોની તથા ઓપરેટરોની નવી લેવાલી પાછળ આજે અદાણી એન્ટરપ્રાઇઝ નો શેર ઇન્ટ્રાડે ૨૩ ટકા જેટલો વધ્યો હતો. જે કામકાજના અંતે ૨૦ ટકાની સર્કિટ સાથે ૨૧૬૪.૨૫ની સપાટીએ બંધરહ્યો હતો. આજે નિફ્ટી ઇન્ડેક્ષમાં આ શેર ટોપ ગેઇનરમાં પ્રથમ ક્રમે હતો. છેલ્લા બે ટ્રેડિંગ સત્રમાં આ શેરમાં ૪૦ ટકા સુધારો જોવાયો છે.
આજે અદાણી પોર્ટના શેરમાં પણ નવી ઝડપી લેવાલીએ નોંધપાત્ર સુધારો થતાં નિફ્ટી ઇન્ડેક્ષમાં તે બીજા ક્રમનો ટોપ ગેઇનર શેર બન્યો હતો. આજે આ શેર ૮ ટકા વધીને ૫૯૯.૨૫ બંધરહ્યો હતો. આ સિવાય જૂથના અન્ય શેરોમાં પણ સંગીન સુધારો જોવા મળ્યો હતો.જો કે એસીસી, અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસના શેરમાં પીછેહઠ થવા પામી હતી.
અદાણી જુથની છ કંપનીના શેરમાં સુધારો જોવા મળ્યો હતો. જે પૈકી આજે અદાણી એન્ટરપ્રાઇસ ૨૦ ટકા વધીને ૨૧૬૪.૨૫, અદાણી પોર્ટ ૮ ટકા વધીને ૫૯૯.૨૫, અદાણી પાવર ૫ ટકા વધીને ૧૮૧.૯૦, અદાણી ટ્રાન્સમિશન ૫ ટકા વધીને ૧૩૧૪.૮૦, અદાણી વિલ્માર ૫ ટકા વધીને ૪૧૮.૮૦ તથા અંબુજા સિમેન્ટ નજીવો વધીને ૩૮૪.૬૫ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ એસીસી ૧ ટકો ઘટીને ૧૯૭૩.૭૫, અદાણી ગ્રીન ૫ ટકા ઘટીને ૮૦૨.૪૫ તથા અદાણી ટોટલ ગેસ પણ ૫ ટકા તૂટીને ૧૩૯૧ બંધ રહ્યો હતો.