ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મજબૂત રહેવાનો પ્રાથમિક અંદાજમાં સંકેત
- સેવા ક્ષેત્રમાં વેપાર સાથોસાથ રોજગારમાં પણ જોરદાર વૃદ્ધિ
મુંબઈ : દેશની સેવા ક્ષેત્રની સારી કામગીરીને પગલે વર્તમાન મહિનાનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) પ્રારંભિક અંદાજ પ્રમાણે ૬૧.૨૦ રહ્યો છે. એપ્રિલનો સંયુકત પીએમઆઈ ૫૯.૭૦ રહ્યો હતો.
મેના અંદાજિત આંકડાને જોતા ભારતના ઉત્પાદન તથા સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા ખાનગી એકમોની કામગીરી પ્રોત્સાહક જળવાઈ રહી હોવાના સંકેત મળે છે.
એપ્રિલ ૨૦૨૪ બાદ મેમાં દેશની સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ સૌથી ઊંચી રહી છે. ઉત્પાદનની સરખામણીએ સેવા ક્ષેત્રની કામગીરી આકર્ષક રહી હોવાનું એચએસબીસી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે.
સેવા ક્ષેત્રનો પીએમઆઈ જે એપ્રિલમાં ૫૮.૭૦ રહ્યો હતો તે મેમાં ૬૧.૨૦ જોવા મળી રહ્યો છે. ઘરઆંગણે તથા આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત માગ તથા ટેકનોલોજી ઈન્વેસ્ટમેન્ટમાં અને ક્ષમતા વિસ્તરણમાં વધારાને કારણે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં ગતિ જોવા મળી રહી છે.
સેવા ક્ષેત્રમાં વેપાર સાથોસાથ રોજગારમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. બીજી બાજુ મેનો ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ૫૮.૩૦ જોવા મળી રહ્યોે છે જે એપ્રિલના ૫૮.૨૦ની સરખામણીએ સાધારણ ઊંચો છે. ઉત્પાદન ક્ષેત્રની સ્થિતિમાં પણ મજબૂતાઈ જળવાઈ રહ્યાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
હાલમાં ચાલી રહેલી ભૌગોલિકરાજકીય તાણ વચ્ચે પણ મેમાં વેપાર માનસમાં સુધારો જોવા મળ્યો હતો જે એપ્રિલમાં ઘટી ગયો હતો. ભાવિ વેચાણ તથા પ્રવૃત્તિ માટે કંપનીઓએ ખાસ કરીને સેવા ક્ષેત્રની કંપનીઓએ નવેસરથી આશાવાદ વ્યકત કર્યો છે.