એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા
- શેરબજારમાં સુધારા સાથે જુલાઈ માસમાં IPOએ વેગ પકડયો
- આ મહિને IPO લાવવાની ટાઈમલાઈન પુર્ણ થતી હોઈ છેલ્લી ઘડીએ આઈપીઓ માટે ધસારો
અમદાવાદ : આ વર્ષે જુલાઈ મહિનો પ્રાયમરી બજાર એટલે કે આઈપીઓ માટે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે. આ મહિને, લગભગ એક ડઝન કંપનીઓએ તેમના પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ)માંથી રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે. અગાઉ, ડિસેમ્બર ૨૦૨૪માં મહત્તમ આઈપીઓ જોવા મળ્યા હતા. તે સમયે ૧૫ કંપનીઓએ કુલ રૂ. ૨૫,૪૩૯ કરોડ એકત્ર કર્યા હતા.
સેકન્ડરી માર્કેટમાં મજબૂતાઈ અને લિસ્ટિંગ માટે અનુકૂળ વાતાવરણને કારણે, તેમજ નાણાકીય ડેટા અપડેટ કરવાનું ટાળતી કંપનીઓને કારણે, આ મહિને આઈપીઓ લાવવાની ટાઈમલાઈન પુર્ણ થતી હોઈ આઈપીઓ માટે છેલ્લી ઘડીનો ધસારો થયો છે.
આ મહિને સૂચિબદ્ધ ૧૦ કંપનીઓના શેરે લિસ્ટિંગના દિવસે સરેરાશ ૨૨ ટકાનો વધારો નોંધાવ્યો છે. નિષ્ણાતો કહે છે કે આનાથી રોકાણકારોનું મનોબળ સુધાર્યું છે અને રિટેલ રોકાણકારો ફરીથી બજારમાં રસ લેવા લાગ્યા છે. દરમિયાન, સતત ચાર મહિનાની વૃદ્ધિ સાથે બજાર પણ મજબૂત બન્યું છે.
નિષ્ણાતો કહે છે કે સેકન્ડરી માર્કેટમાં અસ્થિરતાએ રોકાણકારોનું ધ્યાન આઈપીઓ તરફ ખેંચ્યું છે. મહિનાના અંતમાં અડધા ડઝનથી વધુ આઈપીઓ આવ્યા હતા. આવું એટલા માટે પણ થયું કારણ કે જે કંપની આઈપીઓ લોન્ચ કરવા માંગે છે અને ૩૧ જુલાઈ સુધીમાં ઇશ્યૂ રજુ નહીં કરે તેણે તેના નાણાકીય નિવેદનો નવેસરથી અપડેટ કરવા પડશે.
આઈપીઓ માર્કેટમાં તેજીએ ટાટા કેપિટલ, ગ્રો, LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા, NSDL અને JSW સિમેન્ટ જેવા મોટા ઇશ્યૂ માટે તૈયારી કરી છે. આ કંપનીઓના આઈપીઓ પણ ટૂંક સમયમાં આવી શકે છે.
૨૦૨૫ના પહેલા ત્રણ મહિનામાં આઈપીઓ બજારમાં મંદી જોવા મળી હતી. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ફક્ત ૯ આઈપીઓ આવ્યા હતા, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૨૨ આઈપીઓ આવ્યા હતા. લગભગ બે વર્ષમાં પહેલી વાર માર્ચ એવો મહિનો હતો જ્યારે એક પણ આઈપીઓ આવ્યો ન હતો. અગાઉ મે ૨૦૨૩માં આવું બન્યું હતું.