નવા રહેઠાણોમાં પરવડી શકે તેવા ઘરોના હિસ્સામાં જોવા મળી રહેલો સતત ઘટાડો
- જમીનના ઊંચા ભાવ તથા નબળા પ્રોફિટ માર્જિનથી વિકાસકો ઉદાસીન
મુંબઈ : એક તરફ શહેરી વિસ્તારોમાં રહેઠાણના ભાવ આસમાને પહોંચીરહ્યા છે ત્યારે ગરીબો અને મધ્યમ વર્ગ માટે જાહેર કરાયેલી એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ તરફથી વિકાસકો દૂર જઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે.
૨૦૨૨માં દેશના સાત મહાનગરોમાં નવા રહેઠાણ પૂરવઠામાં પરવડી શકે તેવા ઘરોનો હિસ્સો ઘટીને વીસ ટકા જેટલો રહ્યો હતો જે ૨૦૧૮માં ચાલીસ ટકા હતો. એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ રહેઠાણો રૂપિયા ૪૦ લાખથી નીચેની કિંમતમાં પૂરા પાડવામાં આવે છે.
૨૦૨૨માં સાત મહાનગરોમાં કુલ ૩૫૭૬૫૦ નવા રહેઠાણો લોન્ચ કરાયા હતા જેમાં રૂપિયા ૪૦ લાખથી નીચી કિંમતના અથવા તો પરવડી શકે તેવા ઘરોની સંખ્યા વીસ ટકાથી પણ ઓછી હતી, એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
૨૦૧૮માં ૧,૯૫,૩૦૦ નવા લોન્ચિસમાં એફોર્ડેબલ હાઉસિગનો હિસ્સો ૪૦ ટકા રહ્યો હતો. જો કે ૨૦૨૦ બાદમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ૨૦૨૦માં હિસ્સો ઘટી ૩૦ ટકા રહ્યો હતો અને ૨૦૨૧માં ૨૬ ટકા પર આવી ગયો હતો.
જમીનના ઊંચા ભાવ, ધિરાણ દરમાં વધારો તથા નીચા પ્રોફિટ માર્જિનને કારણે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ તરફ વિકાસકો ઉદાસીન બની ગયાનું જોવા મળી રહ્યું છે.
જમીનના ઊંચા ભાવ વિકાસકો સામે મોટી સમશ્યા બની રહ્યા છે. પ્રીમિયમ તથા મધ્યમ રેન્જના રહેઠાણો બાંધી વિકાસકો જમીનના ખર્ચ કાઢી શકે છે, પરંતુ સસ્તા ઘરો મારફત કોસ્ટ કાઢવાનું મુશકેલ રહે છે. સસ્તા ઘરોમાં પ્રોફિટ માર્જિન પણ એકદમ સામાન્ય થાય છે. રહેઠાણ બાંધવા માટેના કાચા માલ જેમ કે સ્ટીલ, સિમેન્ટસ વગેરેની કિંમતોમાં પણ તાજેતરના સમયમાં વધારો થયાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.