નબળા પરિણામોને પગલે કંપનીઓના અર્નિંગ્સ અંદાજોમાં જોવા મળેલો ઘટાડો

- નિફટીમાં સામેલ કંપનીઓના નફામાં નાણાંકિય વર્ષ ૨૦૨૨-૨૩માં જોવાતી માત્ર ૧૧ ટકા વૃદ્ધિ


મુંબઈ : સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે મોટાભાગની કંપનીના પરિણામો નિરાશાજનક રહેવા સાથે વર્તમાન નાણાં વર્ષના આવક અંદાજોમાં ઘટાડો જોવાઈ રહ્યો છે. 

એક ખાનગી બ્રોકરેજ પેઢીએ તેના નિરીક્ષણ હેઠળની ૧૪૭ કંપનીઓમાંથી ૪૯ ટકા કંપનીના વર્તમાન નાણાં વર્ષ માટેના અર્નિંગ્સ અંદાજોમાં ઘટાડો કર્યો છે. નિફટી કંપનીઓની વર્તમાન નાણાં વર્ષ માટે શેર દીઠ કમાણીમાં ૩.૭૦ ટકાનો કાપ મુકાયાનું પણ પેઢી દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું.

જો કે નાણાં વર્ષ ૨૦૨૪ માટેના અર્નિગ્સ અંદાજોમાં કોઈ ફેરબદલ કરાયો નથી. 

નિફટી-૫૦ ઈન્ડેકસમાંની કંપનીઓના નેટ પ્રોફિટમાં વર્તમાન નાણાં વર્ષમાં ૧૧ ટકા અને આગામી નાણાં વર્ષમાં ૧૬ ટકા વૃદ્ધિ જોવાઈ રહી હોવાનું અન્ય એક બ્રોકરેજ હાઉસે જણાવ્યું હતું.

નાણાં વર્ષ ૨૦૨૩માં સાધારણ વૃદ્ધિ કોમોડિટી ક્ષેત્રમાં નફામાં જોરદાર ઘટાડો સૂચવે છે, જેમાં બીપીસીએલની જંગી ખોટ જોવાઈ રહી છે. જો કે  ઓટો તથા બેન્કિંગ ક્ષેત્રના નફામાં મજબૂત વૃદ્ધિને પરિણામે આ ઘટાડો થોડોઘણો ભરપાઈ થઈ શકશે, એમ બ્રોકરેજ હાઉસના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની નબળાઈ અમારા નાણાં વર્ષ ૨૦૨૩ તથા ૨૦૨૪ના  નફાના અંદાજોમાં કાપમાં પ્રતિબિંબિત થાય છે, એમ રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું. 

ઓટો તથા બાંધકામ જેવા સાઈકલિકલ ક્ષેત્રોના અર્નિંગ્સ સામે ઘટાડાના જોખમ રહેલા છે. આઈટી સર્વિસીઝ જેવા નિકાસ લક્ષી ક્ષેત્રો સામે પણ ઘટાડા તરફી જોખમ રહેલા છે. ફુગાવા તથા ઊંચા વ્યાજ દરને પરિણામે ઉપભોગ માગ ઘટવાની શકયતા રહેલી છે. 


City News

Sports

RECENT NEWS