Get The App

ચંદા કોચરનો એક નિર્ણય અને ICICI બેન્કને થયું 1033 કરોડનું નુકસાન, CBIની ચાર્જશીટમાં ખુલાસો

CBIની 10000 પાનાની ચાર્જશીટમાં મસમોટા ખુલાસા, 1875 કરોડ રુપિયાની ટર્મ લોન આપી હતી, લોન માટે કાવતરાં ઘડાયા

પતિની કંપનીમાં રોકાણના બહાને 64 કરોડની લાંચ લેવાનો આરોપ, વીડિયોકોનની માલિકીનું 5 કરોડનું મકાન 11 લાખમાં ખરીદી લીધું !

Updated: Aug 6th, 2023

GS TEAM

Google News
Google News
ચંદા કોચરનો એક નિર્ણય અને ICICI બેન્કને થયું 1033 કરોડનું નુકસાન, CBIની ચાર્જશીટમાં ખુલાસો 1 - image

image : Twitter


આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank)ના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર ( Chanda Kochhar), તેમના પતિ દીપક કોચર તથા વીડિયોકોનના સંસ્થાપક વેણુગોપાલ ધૂત વિરુદ્ધ દાખલ ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. ICICI Bank દ્વારા વીડિયોકોન ગ્રૂપને જે લોન આપવામાં આવી હતી તેમાંથી 1000 કરોડથી વધુની રકમ નોન પર્ફોમિંગ એસેટ્સ (NPA)માં નાખી દેવાઈ છે. 

NPA એટલે શું? 

સામાન્ય શબ્દોમાં કહીએ તો બેન્કે આ રકમ માંડવાળી છે એટલે કે તેને આટલું નુકસાન થયું છે. જ્યારે લોન લેનાર વ્યક્તિ કે કંપની લોનની રકમ ન ચૂકવે  અને બેન્કની રકમ ફસાઈ જાય તો પછી બેન્ક તેને NPA જાહેર કરી દે છે. 

CBIએ 10 હજાર પાનાની ચાર્જશીટ ફાઈલ કરી 

10 હજારથી વધુ પાનાની ચાર્જશીટમાં CBIએ આરોપ મૂક્યો હતો કે ચંદા કોચરને ICICI Bankની જવાબદારી સોંપાઈ હતી. બેન્કના એમડી અને સીઈઓ બન્યા બાદ તેમણે 1 મે 2009થી વીડિયોકોન ગ્રૂપને 6 રુપી ટર્મ લોન (RTL) મંજૂર કરી હતી. ચાર્જશીટમાં જણાવાયું છે કે જૂન 2009થી ઓક્ટોબર 2011 વચ્ચ બેન્ક દ્વારા વીડિયોકોન ગ્રૂપને કુલ 1875 કરોડ રુપિયાની RTL મંજૂર કરાઈ હતી. 

લોન માટે કાવતરું ઘડાયું 

ચંદા કોચર ડિરેક્ટર્સની એ બે સભ્યોની સમિતિના અધ્યક્ષ હતા જેણે ઓગસ્ટ 2009માં વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (VIEL)ને 300 કરોડ રુપિયાની RTL મંજૂર કરી હતી. એજન્સીએ આગળ કહ્યું કે ગુનાહીત કાવતરાંને આગળ વધારવા માટે ટર્મ લોન લેવાઈ હતી. કોચરના નેતૃત્વમાં ડિરેક્ટરની સમિતિએ 26 ઓગસ્ટ 2009ના રોજ વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને 300 કરોડની લોન મંજૂર કરી હતી. આ રકમ 7 સપ્ટેમ્બર 2009ના રોજ ડિસ્ટ્રિબ્યુટ કરાઈ હતી. આ ઉપરાંત વીડિયોકોનની જુદી જુદી કંપનીઓ સંબંધિત એક જટિસ સંરચનાના માધ્યમથી વેણુગોપાલ ધૂતની કંપનીઓને ચંદા કોચરના પતિ દીપક કોચરની ન્યૂપાવર રિન્યૂએબલ લિમિટેડમાં રોકાણની આડમાં 64 કરોડ ટ્રાન્સફર કરાયા હતા. 

વીડિયોકોનની માલિકીનું 5 કરોડનું મકાન 11 લાખમાં ટ્રાન્સફર કરી દીધું 

સીબીઆઈનો આરોપ છે કે દીપક કોચર મુંબઈમાં સીસીઆઈ ચેમ્બર્સના ફ્લેટમાં રહેતા હતા, જે વીડિયોકોન જૂથની માલિકીનું હતું. ચંદા કોચરે વીડિયોકોન ગ્રૂપની માલિકીના ફ્લેટમાં રહેવાનું ચાલુ રાખ્યું હતું અને બાદમાં ફ્લેટ તેમના ફેમિલી ટ્રસ્ટને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તે ટ્રસ્ટના મેનેજર ટ્રસ્ટી દીપક કોચર છે. આ ફ્લેટ ઓક્ટોબર 2016માં રૂ. 11 લાખની નજીવી રકમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જ્યારે વર્ષ 1996માં જ ફ્લેટની કિંમત રૂ. 5.25 કરોડ હતી.

ચંદા કોચરે લાંચ લીધી હતી

સીબીઆઈએ કહ્યું કે ચંદા કોચરે રૂ. 64 કરોડની 'લાંચ' લીધી અને આ રીતે બેંકના ભંડોળનો પોતાના ઉપયોગ માટે દુરુપયોગ કર્યો. કેન્દ્રીય એજન્સીએ કહ્યું કે વેણુગોપાલ ધૂતે પ્લાન્ટ અને મશીનરી માટે લોન લીધી હતી. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રૂ. 305.70 કરોડની રકમ ડાયવર્ટ કરવામાં આવી હતી અને તેનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરવામાં આવ્યો ન હતો.

બેંકને 1,033 કરોડનું નુકસાન

ચાર્જશીટમાં જણાવાયું છે કે ICICI બેંક દ્વારા વીડિયોકોન જૂથને મંજૂર કરાયેલ ક્રેડિટ સુવિધાઓ જૂન 2017માં NPA બની ગઈ હતી. આમાં 1,033 કરોડ રૂપિયાની બાકીના લેણા તરીકેની રકમ હતી. તેના કારણે ICICI બેંકને 1,033 કરોડ રૂપિયાનું નુકસાન અને વ્યાજ સહન કરવું પડ્યું હતું. આ કેસના તમામ આરોપીઓ જામીન પર જેલની બહાર છે અને કેસની આગામી સુનાવણી 29 ઓગસ્ટે છે.

Tags :