માલ્યાનો દાવો ખોટો! બૅન્કોએ હાઇકોર્ટમાં કહ્યું- હજુ પણ રૂ.8,752 કરોડ બાકી, કેસ રદ નહીં થાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vijay Mallya: વિજય માલ્યાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે બૅન્કોએ તેમના પરના દેવા કરતાં વધુ રકમ વસૂલ કરી લીધી છે. હવે સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના નેતૃત્વ હેઠળના બૅન્કોના જૂથે કોર્ટમાં આ દાવા સામે પોતાનો વિગતવાર જવાબ રજૂ કર્યો છે. બૅન્કોના જણાવ્યા મુજબ, 31 ઑગસ્ટ, 2026 સુધી માલ્યા સાથે જોડાયેલા મામલામાં અંદાજે ₹8,752 કરોડની રકમ હજુ પણ ચૂકવવાની બાકી છે. બીજી તરફ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટએ(ED) સ્પષ્ટ કર્યું છે કે સંપત્તિઓની રિકવરી થવાથી મની લોન્ડ્રિંગનો ફોજદારી કેસ આપમેળે પૂરો થઈ જતો નથી.
બૅન્કોનું વલણ અને બોમ્બે હાઇકોર્ટમાં રજૂ કરાયેલું સોગંદનામું
મીડિયા રિપોર્ટ્સ મુજબ, એસબીઆઇની આગેવાની હેઠળના બૅન્કોના સમૂહે બોમ્બે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને વિગત આપી છે કે અત્યાર સુધી કેટલી રકમ વસૂલ થઈ છે. બૅન્કોએ જણાવ્યું કે ડેટ રિકવરી ઑફિસર દ્વારા લગભગ ₹10,270 કરોડની અસ્થાયી વસૂલાત થઈ છે, જ્યારે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ(DRT)માં કેસ દાખલ થતા પહેલા ₹544.58 કરોડ વસૂલવામાં આવ્યા હતા.
જોકે, બૅન્કોનું સ્પષ્ટ કહેવું છે કે માત્ર વસૂલાતના આંકડા જોઈને એવું ન કહી શકાય કે સંપૂર્ણ દેવું ચૂકવાઈ ગયું છે. જાન્યુઆરી 2026માં બૅન્કોએ ₹8,135.63 કરોડ બાકી હોવાની માહિતી આપી હતી, જે વ્યાજ અને અન્ય રકમો ઉમેરાતા 31 ઑગસ્ટ, 2026 સુધી વધીને ₹8,751.86 કરોડ થઈ ગઈ છે. આમાં કાનૂની અને અન્ય ખર્ચાઓનો સમાવેશ થતો નથી.
વિજય માલ્યાનો દાવો અને EDનું કડક વલણ
કિંગફિશર એરલાઇન્સના સ્થાપક વિજય માલ્યાએ 2020માં બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને દલીલ કરી હતી કે બૅન્કોએ મૂળ દેવા કરતાં વધુ રકમ વસૂલ કરી લીધી છે, તેથી તેમની સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી બંધ થવી જોઈએ. માલ્યાને જાન્યુઆરી 2019માં ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા.
આ બાબતે EDએ કોર્ટમાં જણાવ્યું છે કે એસબીઆઇને અંદાજે ₹14,132 કરોડની સંપત્તિઓ પરત અપાઈ ચૂકી છે, પરંતુ સંપત્તિ પાછી મળવાથી કે દેવું વસૂલ થવાથી મની લોન્ડ્રિંગનો ગુનો આપમેળે નાબૂદ થતો નથી. નાણાકીય લેણદેણ અને ફોજદારી આરોપો પર કાનૂની કાર્યવાહી હેઠળ અલગથી નિર્ણય લેવો જરૂરી છે.
આગામી સુનાવણી અને આગળની સ્થિતિ
બૅન્કોના તાજા જવાબથી સ્પષ્ટ છે કે માલ્યાનું સમગ્ર દેવું ચૂકવાઈ ગયું હોવાની વાત સાચી નથી. આ સમગ્ર વિવાદ પર હવે બોમ્બે હાઇકોર્ટમાં આગામી સુનાવણી 13 ઑગસ્ટ, 2026ના રોજ હાથ ધરવામાં આવશે, જ્યાં કોર્ટના અંતિમ નિર્ણય પર સૌની નજર રહેશે.




