કોલસાની આયાતમાં 9%નો ઘટાડો, રૂ. 53137 કરોડના હૂંડિયામણની બચત
- હવે કોલસાના સ્થાનિક પુરવઠાને પ્રાથમિકતા
નવી દિલ્હી : એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ભારતમાં કોલસાની આયાતમાં ૯.૨%નો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કુલ ૨૨૦.૩ મિલિયન ટન કોલસાની આયાત કરવામાં આવી હતી, જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો ૨૪૨.૬ મિલિયન ટન હતો. આ ઘટાડાને કારણે આશરે ૬.૯૩ બિલિયન ડોલર (રૂ.૫૩,૧૩૭.૮૨ કરોડ) મૂલ્યનું વિદેશી હૂંડિયામણ બચ્યું છે.
કોલસાના બિન-નિયમન ક્ષેત્ર - જેમાં પાવર ક્ષેત્રનો સમાવેશ થતો નથી - ની આયાતમાં ૧૫.૩% નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ દર્શાવે છે કે ભારત હવે કોલસાના સ્થાનિક પુરવઠાને પ્રાથમિકતા આપી રહ્યું છે અને આયાત પર નિર્ભરતા ઘટાડી રહ્યું છે.
એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં ૨.૮૭%નો વધારો નોંધાયો હોવા છતાં, થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા મિશ્રણ માટે કોલસાની આયાતમાં ૩૮.૮%નો મોટો ઘટાડો થયો છે.
ભારત સરકાર દ્વારા વાણિજ્યિક કોલ માઇનિંગ અને મિશન કોકિંગ કોલ જેવી પહેલ દ્વારા સ્થાનિક કોલસા ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આના પરિણામે આ સમયગાળા દરમિયાન કોલસાના ઉત્પાદનમાં ૫.૪૫%નો વધારો થયો છે.સ્થાનિક કોલસાના પુરવઠામાં વધારો થઈ રહ્યો હોવા છતાં, કોકિંગ કોલ અને ઉચ્ચ-ગ્રેડ થર્મલ કોલસા જેવી ચોક્કસ શ્રેણીના કોલસા માટે આયાત પર નિર્ભરતા હજુ પણ યથાવત છે, જે આ ક્ષેત્ર માટે એક મોટો પડકાર છે. ખાસ કરીને સ્ટીલ અને સિમેન્ટ જેવા મુખ્ય ક્ષેત્રોમાં તેમની માંગ રહે છે.