ઓટોમેશનને કારણે ભારતમાં ૯ ટકા કર્મચારીઓ બેરોજગાર બનવાનો ભય
- વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતના વેપારીઓ વધુ કુનેહ ધરાવતા હોવાનો મત
નવી દિલ્હી, તા. 14 ફેબુ્રઆરી 2020, શુક્રવાર
ઓટોમેશનને કારણે ભારતમાં ૯ ટકા કર્મચારીઓ બેરોજગાર બની શકે છે ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) ખાતેના એક અધિકારીએ જણાવ્યું હતું. હાલની મંદીને બાદ કરતા ભારતમાં આર્થિક વિકાસનો દર ૬થી ૭ ટકા રહેતો હોવાથી બેરોજગાર થનારા કર્મચારીઓને સમાવી લેવામાં મદદ મળશે એમ આઈએમએફ ખાતેના ડાયરેકટર ડેવિડ લિપ્ટોને જણાવ્યું હતું.
પોતાના જેવા અન્ય દેશોની સરખામણીએ ભારતના વેપાર ગૃહો ઘણાં જ ચાલાક છે, એમ એક કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું. ઓટોમેશનને કારણે વૈશ્વિક સ્તરે વર્કફોર્સના ૧૪ ટકા અથવા ૩૭.૫૦ કરોડ કામદારો રોજગાર ગુમાવી શકે છે.
નીચા પગારધોરણ અને શ્રમલક્ષી ઉદ્યોગો જોખમ હેઠળ છે. નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં ભારતે અનેક પ્રોડકટસ પરની ઈમ્પોર્ટ ડયૂટીમાં વધારો કરવાનું જાહેર કર્યું છે ત્યારે, ટેરિફમાં વધારો થવાથી ભારતમાં સ્પર્ધા ઊભી થાય છે. આવી સ્પર્ધા ટૂંકા ગાળે કદાચ જોખમી બની શકે છે પરંતુ વખત જતા કંપનીઓ વધુ મજબૂતાઈ મેળવે છે.
આ માટે તેમણે ક્રિકેટનું ઉદાહરણ આપ્યું હતું. સ્પર્ધાને કારણે જ ભારતનું ક્રિકેટ આજે મજબૂત બની શકયું છે.
અન્ય દેશોની સરખામણીએ થતાં લાભો પર ભારતે ધ્યાન આપવું રહ્યું. કાચા માલ પરના ટેરિફમાં વધારો કરવાથી ઉત્પાદન ક્ષેત્રની પ્રગતિ રૂંધે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.