આઠમું પગાર પંચ: સેલેરી અને પેન્શનમાં કેટલા રૂપિયાનો થઈ શકે છે વધારો? 2026થી થશે લાગુ

8th Pay Commission: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે 8મા કેન્દ્રીય પગાર પંચના સંદર્ભ નિયમો(ટર્મ્સ ઑફ રેફરન્સ)ને મંજૂરી આપી. 8મું કેન્દ્રીય પગાર પંચ એક કામચલાઉ સંસ્થા હશે. આ કમિશનમાં એક અધ્યક્ષ, એક સભ્ય (અંશકાલિક) અને એક સભ્ય-સચિવ હશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ પંચના અધ્યક્ષપદે કામગીરી કરશે. તેમણે આ પંચની રચનાની તારીખથી 18 મહિનાની અંદર પોતાની ભલામણો રજૂ કરવાની રહેશે. જરૂરિયાત પર પંચ ભલામણોને અંતિમ રૂપ આપવા વચગાળાનો રિપોર્ટ પણ રજૂ કરી શકે છે.
રિપોર્ટ રજૂ કરતાં પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું પડશે
1. દેશની આર્થિક સ્થિતિ અને રાજકોષીય વિવેક અર્થાત્ સરકારી નાણાકીય વ્યવસ્થાના મેનેજમેન્ટ, ખર્ચ અને કરવેરાનું સંતુલન
2. વિકાસ ખર્ચ અને કલ્યાણકારી ઉપાયો માટે પર્યાપ્ત સંસાધન
3. બિન-ફાળો આપનાર પેન્શન યોજનાઓનો બિન-ભંડોળિત ખર્ચ.
4. રાજ્ય સરકારોની નાણાકીય સ્થિતિ પર સંભવિત અસર
5. કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ઉપલબ્ધ પ્રવર્તમાન મહેનતાણું માળખું, લાભો અને કાર્યકારી પરિસ્થિતિઓ.
પગાર પંચની રચના શા માટે કરવામાં આવે છે
કેન્દ્રીય સરકારી કર્મચારીઓના મહેનતાણું માળખા, નિવૃત્તિ લાભો અને અન્ય સેવા શરતો સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા અને જરૂરી ફેરફારો અંગે ભલામણો કરવા માટે સમયાંતરે કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવે છે. સામાન્ય રીતે, પગાર પંચની ભલામણો દર 10 વર્ષે લાગુ કરવામાં આવે છે. આ વલણ મુજબ, 8મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો સામાન્ય રીતે 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની અપેક્ષા છે.
સરકારી કર્મચારીઓ માટે કેટલો પગાર વધારો અપેક્ષિત?
સરકારે સત્તાવાર પગાર સ્લેબ જાહેર કર્યા નથી. પરંતુ 2.86ના સંભવિત ફિટમેન્ટ ફેક્ટરના આધારે, કર્મચારીઓને માસિક રૂ. 19,000 સુધીનો પગાર વધારો જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે, દર મહિને રૂ. 1 લાખ કમાતા સરકારી કર્મચારીને રૂ. 1.75 લાખ કરોડના બજેટ ફાળવણીના આધારે પગારમાં 14 ટકાનો વધારો જોવા મળી શકે છે, જેનાથી તેમનો નવો પગાર રૂ. 1 લાખથી વધી રૂ. 1.14 લાખ થઈ જશે. રૂ. 2 લાખ કરોડની ફાળવણી સાથે તેમનો પગાર 16 ટકા વધીને રૂ. 1.16 લાખ થશે, અને રૂ. 2.25 લાખ કરોડની ફાળવણી સાથે તેમનો પગાર 18 ટકા વધીને રૂ. 1.18 લાખ પ્રતિ માસ થશે.
8મા પગાર પંચની જાહેરાત જાન્યુઆરીમાં કરવામાં આવી હતી
કેન્દ્રીય સરકારી કર્મચારીઓના પગાર અને અન્ય લાભોમાં ફેરફારોની તપાસ કરવા અને ભલામણ કરવા માટે સરકારે જાન્યુઆરી 2025મા 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. 8મા પગાર પંચની ભલામણો સેનાના કર્મચારીઓ સહિત લગભગ 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરોને અસર કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અમલીકરણની તારીખ વચગાળાના અહેવાલ પછી નક્કી કરવામાં આવશે, પરંતુ તે 1 જાન્યુઆરી, 2026ના રોજ લાગુ થવાની સંભાવના છે.

