અમેરિકા ખાતેની ભારતની 85 ટકા નિકાસ યુરોપ તરફ વળવાની વકી
- EU સાથે વેપાર કરારથી ભારતની ટેરિફ ચિંતા હળવી થશે
મુંબઈ : ભારત તથા ૨૭ સભ્ય સાથેના યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર કરાર પાર પડશે તો, અમેરિકા ખાતે ભારતની થતી નિકાસમાંથી મોટાભાગની નિકાસ યુરોપના દેશો ગ્રહણ કરી લેશે એમ એક અભ્યાસમાં જણાયું છે. ભારતના માલસામાનની યુરોપમાં વ્યાપક માગ રહે છે.
૨૦૨૪માં યુરોપિયન યુનિયનમાં ભારતનો નિકાસ આંક ૭૭.૫૦ અબજ ડોલર રહ્યો હતો જ્યારે અમેરિકામાં ૭૯.૪૦ અબજ ડોલરની નિકાસ થઈ હતી. આમાંથી ૮૫ ટકા એટલે કે ૬૭.૨૦ અબજ ડોલર જેટલી નિકાસ યુરોપ તરફ વળી જશે જો યુરોપ સાથે ભારત વેળાસર વેપાર કરાર કરશે તો એમ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે.
યુરોપ ભારતને એક વૈકલ્પિક બજાર પૂરી પાડી રહ્યું છે અને અમેરિકાના ટેરિફ આંચકા સામે રક્ષણ મળી રહેવાનું મથક માનવામાં આવી રહ્યું છે. જો કે યુરોપ ખાતે ભારતની નિકાસમાં કેટલો વધારો થશે તેનો આધાર બન્ને દેશો વચ્ચેના સૂચિત કરારની શરતો પર રહેશે.
યુરોપની બજારમાં ભારતના ડાયમન્ડસ માટે વ્યાપક તકો રહેલી છે. ગયા વર્ષે અમેરિકાએ ભારત ખાતેથી ૪.૮૨ અબજ ડોલરના ડાયમન્ડસની આયાત કરી હતી જ્યારે યુરોપે તેની ડાયમન્ડસની કુલ ૭.૩૦ અબજ ડોલરની આયાતમાંથી ૧.૭૦ અબજ ડોલરની આયાત ભારત ખાતેથી કરી હતી. આમ યુરોપમાં ભારતના ડાયમન્ડસ માટે મોટી તક રહેલી હોવાનું અભ્યાસમાં ઉલ્લેખાયું છે.
યુરોપ સાથે વેપાર કરાર કરવામાં ભારત ઝડપ કરી રહ્યું છે જ્યારે યુકે સાથે થયેલા કરારને સંસદીય મંજુરી મળવાની બાકી છે. ડાયમન્ડસ ઉપરાંત સ્માર્ટફોનની નિકાસ માટે પણ તક જોવાઈ રહી છે. અન્ય દેશો ખાતેથી યુરોપમાં અબજો ડોલરના સ્માર્ટફોનની નિકાસ થાય છે, પરંતુ ભારતમાંથી આ આંક સામાન્ય છે.
વેપાર કરારને કારણે ભારતને થનારા સૂચિત લાભને ધ્યાનમાં રાખી અમેરિકા યુરોપના દેશોને ભારતના માલસામાન પર ટેરિફ લાગુ કરવા આગ્રહ કરી રહ્યું છે.
દરમિયાન ભારત તથા અમેરિકા વચ્ચે પણ હવે વેપાર કરાર માટેનો માર્ગ મોકળો થયાનું પ્રાપ્ત અહેવાલો પરથી જણાય છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યેના પોતાના વલણને નરમ પાડયું હોવાનું તાજેતરના તેમના નિવેદન પરથી જણાય છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ટ્રમ્પના નિવેદનને હકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે.