વિદેશી ફંડોના હેમરિંગે સેન્સેક્સમાં 796 પોઈન્ટનું ગાબડું
- કેનેડા-ભારતના સંબંધો વણસતાં ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પર અસરની ભીતિ
- નિફટી ૨૩૨ ગબડીને ૧૯૯૦૧ : એચડીએફસી બેંક, રિલાયન્સ પાછળ કડાકો
મુંબઈ : કેનેડામાં શિખ અલગાવવાદી નેતાની હત્યામાં ભારત સરકારનો હાથ હોવાના કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના નિવેદને બન્ને દેશો વચ્ચેના સંબંધો વણસતાં ભારતીય શેર બજારોમાં આ આંતરરાષ્ટ્રીય પરિબળની નેગેટીવ અસર જોવાઈ હતી. ભારતીય મૂડી બજારમાં મોટાપાયે રોકાણ ધરાવતા કેનેડાના ફંડોનું આજે હેમરીંગ થયાના અને અન્ય વિદેશી ફંડોએ પણ શેરોમાં એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ મોટી વેચવાલી કરતાં જોતજોતામાં સેન્સેક્સમાં ૮૦૦ પોઈન્ટ અને નિફટીમાં ૨૫૦ પોઈન્ટ જેટલું ગાબડું પડી હતું. બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર વાટાઘાટ પણ આ તણાવના કારણે પડીભાંગતા વિદેશી રોકાણ પર અસર થવાની ભીતિ સાથે ક્રુડ ઓઈ લના વધતાં ભાવ અને ઘર આંગણે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડીને ઓલ ટાઈમ તળીયે આવી જવાની અસર સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વની ચાલુ સપ્તાહમાં મીટિંગ પર નજરે સાવચેતીમાં ફંડો શેરોમાં હળવા થયા હતા. અલબત આજે અમેરિકી ડોલર સામે રૂપિયો ઘટતો અટકી મજબૂત થતાં અને ક્રુડ ઓઈલના ભાવ વધતાં અટકીને બ્રેન્ટ ૯૩ ડોલર નજીક આવતાં શેરોમાં મોટું ધોવાણ અટક્યું હતું. ફોરેન ફંડોની સાથે આજે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પણ શેરોમાં નેટ ધોરણે વેચવાલ બન્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૧૨ અને વધનારની સંખ્યા ૧૫૪૯ રહી હતી.
ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૮૬૮ પોઈન્ટ તૂટયો
એચડીએફસી બેંકમાં ફંડોની મોટી વેચવાલી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રૂ.૫૦૦૦ કરોડ જેટલી રકમના શેરોની બ્લોક ડિલ વચ્ચે આજે ગાબડું પડતાં અને મેટલ શેરો સાથે સિમેન્ટ, ઓટો ફ્રન્ટલાઈન શેરોમાં હેમરિંગે સેન્સેક્સ એક તબક્કે ૮૬૮.૭૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૬૬૭૨૮.૧૪ સુધી આવી અંતે ૭૯૬પોઈન્ટ તૂટીને ૬૬૮૦૦.૮૪ અને નિફટી સ્પોટ એક તબક્કે ૨૫૪.૪૫ પોઈન્ટ ગબડીને નીચામાં ૧૯૮૭૮.૮૫ સુધી આવી અંતે ૨૩૧.૯૦ પોઈન્ટ ઘટીને ૧૯૯૦૧.૪૦ બંધ રહ્યા હતા.
એચડીએફસી બેંકે ડાઉનગ્રેડ થતાં તૂટયોે
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ખાસ એચડીએફસી બેંકમાં એનાલિસ્ટોની મીટિંગમાં બેંકના પરફોર્મેન્સ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવતાં અને મીટિંગ બાદ વૈશ્વિક બ્રોકિંગ જાયન્ટ નોમુરાએ એચડીએફસી બેંકના શેરને બાય થી ડાઉનગ્રેડ ન્યુટ્રલ કરાતાં અને શેરનો ભાવ લક્ષ્યાંક રૂ.૧૯૭૦ થી ઘટાડીને રૂ.૧૮૦૦ કરવામાં આવતાં શેરમાં હેમરીંગે રૂ.૬૪.૬૫ તૂટીને રૂ.૧૫૬૪.૪૦ બંધ રહ્યો હતો. આ સાથે બેંક ઓફ બરોડા રૂ.૩.૬૦ ઘટીને રૂ.૨૧૩.૬૫ રહ્યા હતા.
રિલાયન્સમાં બે કરોડ શેરોની બ્લોક ડિલ્સ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આજે બે કરોડ શેરોની રૂ.૫૦૦૦ કરોડ જેટલા મૂલ્યની બ્લોક ડિલ થયાના અહેવાલ વચ્ચે શેરમાં તીવ્ર ઘટાડાએ રૂ.૫૪.૩૦ તૂટીને રૂ.૨૩૮૨.૧૫ બંધ રહ્યો હતો. રિલાયન્સ રીટેલમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના ઊંચા વેલ્યુએશને વધતાં રોકાણ સાથે ડિમર્જર થવાની તૈયારી વચ્ચે આજે ફંડોનું આકર્ષણ રહ્યાની ચર્ચા હતી. બીપીસીએલ રૂ.૭.૫૫ ઘટીને રૂ.૩૫૨.૭૦, ગુજરાત ગેસ રૂ.૬.૬૦ ઘટીને રૂ.૪૪૬.૨૫ રહ્યા હતા.
રોકાણકારોની સંપતિ રૂ.૨.૪૯ લાખ કરોડ ઘટી
સેન્સેક્સ, નિફટીમાં અસાધારણ કડાકો બોલાઈ જવા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના અનેક શેરોમાં આજે પેનીક સેલિંગ નીકળતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૪૯ લાખ કરોડ ઘટીને રૂ.૩૨૦.૫૧ લાખ કરોડ રહ્યું હતું.
FIIની રૂ.૩૧૧૧ કરોડની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૩૧૧૦.૬૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૫,૭૬૯.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૮૭૯.૮૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૫૭૩.૦૨કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૦૫૨.૩૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૬૨૫.૩૬ કરોડની વેચવાલી થઈ હતી.