70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે

- એઆઈ ટૂલ્સ ફ્રેશર્સને ફિલ્ટર કરી રહ્યું છે
- ઘણી કંપનીઓમાં નોકરી મેળવવા માટે ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે, એઆઈ ટૂલ્સ નિર્ણયો લેશે
AI and Jobs News: ભારતમાં ઉદ્યોગોના અભ્યાસ બાદ પ્રસિદ્ધ રિપોર્ટમાં એઆઈ મામલે સ્પષ્ટતા થઈ છે કે, એઆઈ ફક્ત ઉદ્યોગોમાં પરિવર્તન નથી લાવું રહ્યું. તે ભરતીમાં પણ પરિવર્તન લાવી રહ્યું છે. પહેલા ભરતીના નિર્ણયો એચઆર મેનેજરની ટીમ લેતી હતી. હવે, તેમની જગ્યા અલ્ગોરિધમે લીધી છે. આ સાથે જ રિપોર્ટ દ્વારા સામે આવ્યું છે કે, ભારતમાં ટોપ કંપનીઓમાં દસમાંથી નવ કર્મચારી જેનઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યાં છે.
રિપોર્ટ મુજબ, 70 ટકા આઈટી કંપનીઓ ભરતીમાં એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરે છે. જ્યારે 50 ટકા બેંકિંગ, ફાઈનાન્સ, ઈન્શ્યોરન્સ કંપનીઓએ નવા કર્મચારીઓની ભરતી કરવા માટે એઆઈ ટૂલ્સ અપનાવી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, ફ્રેશર્સનું પ્રારંભિક મૂલ્યાંકન એઆઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં, રિઝ્યુમ, સ્કિલ ટેસ્ટ, અને બેઝિક કમ્યુનિકેશનનો સમાવેશ થાય છે.
એચઆર મેનેજરો હવેથી એઆઈને પૂછી રહ્યાં છે કે, ઉમેદવારની પ્રોફાઈલ આપણે નક્કી કરેલા બેન્ચમાર્ક મુજબ છે કે નહીં? એઆઈને કારણે નોકરી જશે તે માન્યતા પણ ખોટી પૂરવાર થઈ રહી છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, નવા રોલમાં 40 ટકાનો વધારો થયો છે. આ નવા રોલ એઆઈ, ટેડા અને ક્લાઉડને લગતી નોકરીઓમાં જોવા મળી રહ્યાં છે. ફ્રેશર્સને આ રોલ માટે પસંદ કરવામાં આવી રહ્યાં છે. કંપનીઓ હાલની જરૂરિયાતો કરતા બે વર્ષ બાદ કંપનીને શેની જરૂર પડશે? શું નવા કર્મચારી કંપનીને નવી ટેકનોલોજી સાથે કંપનીને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે છે કે નહીં જેવા પ્રશ્નો પર ચિંતન બાદ ભરતી કરી રહ્યાં છે. તમામ મોટી કંપનીઓ માની રહી છે કે, 'લેગસી જોબ્સ'માં ભારે ઘટાડો થશે. લેગસી જોબ્સ એટલે એવી નોકરીઓ જેમાં, રુટિન કામો કરવાના હોય છે.

