60 કંપનીઓ શેરધારકોને રૂ. 88600 કરોડની લ્હાણી કરવાની સ્થિતિમાં
- ૨૦૧૯ના નાણાં વર્ષના અંતે કંપનીઓ પાસે જંગી રોકડ હાથમાં રહી હતી
મુંબઈ, તા. 07 ફેબુ્રઆરી 2020, શુક્રવાર
બીએસઈ૫૦૦ ઈન્ડેકસમાં ૬૦ કંપનીઓ એવી છે જે તેના શેરધારકોને રૂપિયા ૮૮૬૦૦ કરોડની લ્હાણી કરી શકે એમ છે. ૩૧મી માર્ચ ૨૦૧૯ના રોજ આ કંપનીઓ પાસે રહેલી વધારાની રોકડ રકમમાંથી તેઓ રૂપિયા ૮૮૬૦૦ કરોડની વધારાની રોકડ શેરધારકોને પૂરી પાડી શકે એમ હોવાનું આ કંપનીઓની ગયા નાણાં વર્ષની બેલેન્સ શીટસનો અભ્યાસ કરાતા જણાયું છે.
આ ૬૦ કંપનીઓમાંથી ૩૫ ટકા કંપનીઓ મલ્ટી નેશનલ્સ છે. ૬૦ કંપનીઓ પોતાની પાસેની રોકડ રકમમાંથી સરેરાશ ૫૨ ટકા રકમ શેરધારકોને વળતર તરીકે આપી શકે છે. ૬૦માંથી ૧૦ કંપનીઓ એવી છે જે ૩૧મી માર્ચ ૨૦૧૯ના તેની બેલેન્સ શીટસ પર રહેલી રોકડમાંથી ૭૫ ટકા રોકડ શેરધારકોમાં વિતરીત કરી શકે એમ છે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે.
આ કંપનીઓમાં એસીસી, હિન્દુસ્તાન યુનિલિવર, ફાઈઝર જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. રૂપિયા ૮૮૬૦૦ કરોડમાંથી એકલી પાંચ કંપનીઓ જ રૂપિયા ૪૬૩૦૦ કરોડ ચૂકવી શકે એમ છે.
આ યાદીમાં આઈટી ક્ષેત્રની ઈન્ફોસિઝ ટોચ પર છે. ઈન્ફોસિઝ રૂપિયા ૧૫૫૭૦ કરોડ ચૂકવી શકે એમ છે. ત્યારબાદ વિપ્રો અને ટીસીએસનો ક્રમ આવે છે.
આ ૬૦ કંપનીઓનો એકત્રિત વેરા બાદનો નફો ગયા નાણાં વર્ષમાં વાર્ષિક ધોરણે ૧૩.૪૦ ટકા વધ્યો હતો જ્યારે બીએસઈ ૫૦૦ કંપનીઓનો વેરા બાદનો એકંદર નફો માત્ર ૦.૩૦ ટકા વધ્યો હતો.
આ ૬૦ કંપનીઓએ ગયા નાણા ંવર્ષમાં નફાશક્તિની દ્રષ્ટિએ પોતાના ઈન્ડેકસ કરતા સારી કામગીરી દર્શાવી છે છતાં આમાંની પચાસ ટકા કંપનીઓનું રિટર્ન ઓન ઈક્વિટી તેના પાછલા નાણાં વર્ષની સરખામણીએ ઘટયું હતું.
આને કારણે કંપનીઓની બોર્ડે મૂડીની ફાળવણીના તેમના વ્યૂહની સમીક્ષા કરવી પડશે અને કેટલીક વધારાની રોકડ શેરધારકોને પૂરી પાડવાની રહેશે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.