મ્યુ. ફંડમાં રોકાણકારોની સંખ્યામાં 50%નો વધારો, જાન્યુઆરીમાં 10 લાખનો ઉમેરો
- SIP અને નવા ફંડ ઓફરિંગએ રોકાણકારોની સંખ્યામાં વધારો કરવામાં આપેલો મોટો ફાળો
અમદાવાદ : મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે જાન્યુઆરીમાં નવા રોકાણકારોની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. બજારમાં સતત તેજી અને ફંડ હાઉસીસ દ્વારા નવા ફંડ ઓફરિંગ દ્વારા નવા રોકાણકારો સુધી પહોંચવાના વધારાના ઉદ્યોગના પ્રયાસો સફળ રહ્યા છે. ફંડ્સે જાન્યુઆરી ૨૦૨૪માં લગભગ ૧૦ લાખ નવા રોકાણકારો ઉમેર્યા, જે ડિસેમ્બર ૨૦૨૩ કરતાં ૫૦ ટકા વધુ છે. છેલ્લી વખત મ્યુચ્યુઅલ ફંડ્સમાં ૧૦ લાખ રોકાણકારોનો સમાવેશ ફેબ્રુઆરી ૨૦૨૨માં થયો હતો.
જાન્યુઆરી દરમિયાન રોકાણકારોની સંખ્યામાં વધારો થવા પાછળ બે બાબતો જવાબદાર હોઈ શકે છે. પ્રથમ, મૂડી બજારોમાં ભારતીયો માટે સિસ્ટેમેટિક પ્લાનએ (સિપ) પસંદગીનો વિકલ્પ બની ગયો છે. આ સતત માસિક વૃદ્ધિ પોતે જ એક રસપ્રદ વાર્તા કહે છે. બીજું, નવા રોકાણકારોને આકર્ષવા માટે ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) ની પણ મહત્વની ભુમિકા રહી છે. જાન્યુઆરીમાં મોટી સંખ્યામાં એનએફઓ આવ્યા હતા.
મ્યુચ્યુઅલ ફંડ્સે જાન્યુઆરીમાં ૧૭ નવી યોજનાઓ શરૂ કરી હતી. તેઓએ સામૂહિક રીતે રૂ. ૬,૪૩૦ કરોડનું રોકાણ આકર્ષ્યું હતું. ડિસેમ્બરમાં નવી યોજનાઓની સંખ્યા ૧૪ હતી. મોટા ફંડ હાઉસ દ્વારા ઊંચી ઓફરોના સમયગાળા દરમિયાન ઇક્વિટી કેટેગરીમાં રોકાણકારોની સંખ્યામાં પણ વધારો થયો છે.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા દર્શાવે છે કે જાન્યુઆરીના અંતે કુલ રોકાણકારોની સંખ્યા ૪.૩ કરોડ હતી. કુલ પાન કાર્ડ નોંધણીઓને ધ્યાનમાં લઈને રોકાણકારોની કુલ સંખ્યાની ગણતરી કરવામાં આવી છે. ફંડ ઉદ્યોગે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧ કરોડ રોકાણકારોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મની વધતી પહોંચ અને રોકાણકારોની જાગૃતિને કારણે રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
મોટા ભાગના નવા રોકાણકારો ફિનટેક દ્વારા આવી રહ્યા છે. ડેટા દર્શાવે છે કે ૪૦ ટકા સિપ ડાયરેક્ટ પ્લાન્સમાં રજીસ્ટર થઈ રહી છે. તેમાંથી મોટાભાગના નવા રોકાણકારો છે. રોકાણકારોની બદલાતી પસંદગીઓને કારણે પણ આ વલણને મદદ મળી રહી છે. તેઓ હવે બચત કરવાને બદલે રોકાણ પર વધુ ભાર આપી રહ્યા છે. જાન્યુઆરીમાં, રોકાણકારોએ ૫૦ લાખથી વધુ નવા સિપ એકાઉન્ટ્સ શરૂ કર્યા હતા જ્યારે ડિસેમ્બર ૨૦૨૩માં આ સંખ્યા ૪૦ લાખ હતી.