અમદાવાદ : ભારતના ૪૦ વર્ષથી ઓછી ઉંમરના ઉદ્યોગસાહસિકો હવે ૯૫૦ અબજ ડોલરના કારોબારનું સંચાલન કરી રહ્યાં છે અને અંદાજે ૧૨ લાખ લોકોને રોજગારી પુરી પાડી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે આ તમામ ઉદ્યોગ સાહસિકો મોટાભાગે સ્વ-નિર્મિત સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે.
એવેન્ડસ વેલ્થ-હુરુન ઇન્ડિયા સિરીઝ ૨૦૨૫ મુજબ, ૪૦ વર્ષથી ઓછી ઉંમરના ૪૩૬ ઉદ્યોગસાહસિકો દ્વારા સંચાલિત કંપનીઓનું સંયુક્ત મૂલ્યાંકન હવે ૯૫૦ બિલિયન ડોલર એટલેકે ૮૩ લાખ કરોડથી વધુ છે. જે સ્વિટ્ઝર્લેન્ડની સમગ્ર જીડીપી કરતાં વધુ છે. ૪૩૬માંથી ૪૦૦ પુરુષો તો ૩૬ મહિલાઓ છે. આ ૮ ટકા પ્રતિનિધિત્વ ઓછું હોવાનો પણ રિપોર્ટમાં મત રજૂ કરાયો છે.
સૂચિમાં રહેલા તમામ અન્ડર ૪૦ની આગેવાની હેઠળના સાહસોમાંથી ૫૩ કંપનીઓનું મૂલ્યાંકન ૧ અબજ ડોલરથી વધુ છે, ૪૮ કંપનીઓનું મૂલ્યાંકન ૨૦.૧ કરોડ ડોલરથી અને ૫૦ ડોલર વચ્ચે, ૨૩ કંપનીઓનું મૂલ્યાંકન ૫૦થી કરોડ ડોલર વચ્ચે અને ૧૭ કંપનીઓનું મૂલ્યાંકન ૧૦થી ૨૦ કરોડ ડોલરની વચ્ચે છે.
આ સંપત્તિનું સ્વસર્જન છે કે પછી વારસાગત મળી છે તેવા સવાલો વચ્ચે આ રિપોર્ટના મુખ્ય આંકડાઓ પર નજર કરીએ તો સરેરાશ ઉંમર ૩૫ વર્ષ છે, ૮૩ ટકા (૩૪૯ સ્થાપકો) પ્રથમ પેઢીના સ્થાપકો છે.ફક્ત ૨૦ ટકા વ્યવસાયિક પરિવારોમાંથી આવે છે. ચોંકાવનારો આંકડો એ છે કે જો આ ઉદ્યોગસાહસિકો એક દેશ ચલાવતા હોત તો તે દેશ વૈશ્વિક સ્તરે ટોચના ૨૦ અર્થતંત્રોમાં સ્થાન ધરાવતો હોત.
રસપ્રદ વાત એ છે કે ૮૩ ટકા ઉદ્યોગસાહસિકો પ્રથમ પેઢીના સ્થાપકો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ યાદી ભારતમાં ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વની વધતી જતી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. બાકીના ૧૭ ટકા ઉદ્યોગસાહસિકો વિવિધ પેઢીના વ્યવસાયિક પરિવારોના છે, જેમાં ૮ ટકા બીજી પેઢીના, ૫ ટકા ત્રીજી પેઢીના, ૩ ટકા ચોથી પેઢીના અને ૧ ટકા પાંચમી પેઢીના ઉદ્યોગસાહસિકો છે.
સૌથી વધુ ૪૦ વર્ષથી ઓછી ઉંમરના ઉદ્યોગસાહસિકો ધરવતા શહેરો પર નજર કરીએ તો બેંગલુરુમાં ૧૦૯, મુંબઈમાં ૮૭, નવી દિલ્હીમાં ૪૫, ગુરુગ્રામમાં ૩૬ અને સાન ફ્રાન્સિસ્કોના ૧૮ સ્થાપકો છે. હા, વૈશ્વિક સ્તરે સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા ભારતીય સ્થાપકો ભારતના ગણાય છે.
સૉફ્ટવેર પ્રોડક્ટો અને સર્વિસિસના ૭૭ સ્થાપકો, નાણાકીય સેવાઓના ૪૪, હેલ્થકેરના ૩૭, કન્ઝયુમર ગુડ્સના ૩૪, લોજિસ્ટિક્સ અને પરિવહનના ૩૨ સૌથી વધુ યુવા સ્થાપકો સંપત્તિનું નિર્માણ કરી રહ્યા છે. જોકે એઆઈ-કેન્દ્રિત સ્થાપકો ૩૭ છે અને તેઓ એકલા જ રૂા. ૨.૫૫ લાખ કરોડનું મૂલ્યાંકન કરે છે.
ભારતની સૌથી વધુ ભંડોળ ઉભા કરવાવાળી યુવા-નેતૃત્વવાળી કંપનીઓમાં પ્રિઝમ (ઓયો) - ૩.૭ અબજ ડોલર, ઝેપ્ટો ૧.૯૫ અબજ ડોલર, મીશો ૧.૩૬ અબજ ડોલર, શેરચેટ અને કાર્સ ૨૪ કંપની ૧.૩ અબજ ડોલર સાથે મોખરે છે.


