મુંબઈ : વૈશ્વિક પરિબળો પાછળ વિશ્વ બજારની સાથે સ્થાનિક બજારમાં એક તરફ સોનાના ભાવમાં રોજેરોજ નવી ઓલટાઈમ હાઈ સપાટી જોવા મળી રહી છે ત્યારે તેનો સૌથી મોટો લાભ સોવેરિન ગોલ્ડ બોન્ડ (એસજીબી)ના રોકાણકારોને જોવા મળી રહ્યો છે.
૨૦૧૯-૨૦ના વર્ષની આઠમી શ્રેણીના એસજીબીના આજે ખૂલેલા મુદત પૂર્વેના રિડમ્પશનનો ભાવ પ્રતિ એક ગ્રામ રૂપિયા ૧૪૪૩૨ નિશ્ચિત કરાયો છે. આ શ્રેણીના એસજીબીનો ભરણાંનો ભાવ રૂપિયા ૪૦૭૦ હતો.
સરકારના ૨૦૧૯ના સપ્ટેમ્બરના નોટિફિકેશન પ્રમાણે પાંચ વર્ષ પૂરા થવા પર એસજીબીનું મુદત પૂર્વે રિડમ્પશન કરી શકાય છે. સામાન્ય રીતે એસજીબીની પાકતી મુદત તે જારી થયાના આઠ વર્ષ બાદ રહે છે.
૨૦૧૯-૨૦ના વર્ષની આઠમી શ્રેણીના એસજીબી ૨૧ જાન્યુઆરી, ૨૦૨૦ના જારી કરાયા હતા. આજના રિડમ્પશન ભાવને ધ્યાનમાં રાખતા રોકાણકારને એક ગ્રામના મૂલ્યની બરોબરના એસજીબી પર રૂપિયા ૧૦૩૬૦ અથવા તો રોકાણ મૂલ્ય પર ૨૫૦ ટકા જેટલુ વળતર છૂટયું છે.
દેશમાં સોનાની હાજર માગ ઓછી કરવા સરકારે એસજીબી વહેતા મૂકયા હતા, પરંતુ રોકાણકારો તરફથી તેને મોળો પ્રતિસાદ ઉપરાંત સોનાના વધતા ભાવને ધ્યાનમાં રાખી સરકારે ગયા વર્ષથી તે જારી કરવાના બંધ કરી દીધા છે.
ેસજીબીનો રિડમ્પશન ભાવ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઈબજા) દ્વારા જાહેર કરાયેલા ૯૯.૯૦ સોનાના છેલ્લા ત્રણ કામકાજના દિવસોના સરેરાશ ભાવને આધારે નિશ્ચિત કરવામાં આવે છે.
સિલ્વર ઈટીએફનું હોલ્ડિંગ ૩૦૦૦ ટનથી પણ વધી ગયું
ભારતમાં સિલવર એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)ને પરવાનગી અપાયાના દોઢ વર્ષ કરતા પણ ઓછા ગાળામાં ફન્ડોનું કુલ હોલ્ડિંગ એક વર્ષમાં ૧૨૦ ટકા વધી ૩૦૦૦ ટન સુધી પહોંચી ગયાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે.૨૦૨૪ના અંતે સિલવર ઈટીએફ હોલ્ડિંગ ૧૩૮૦ ટન રહ્યું હતું જે ૨૦૨૫ના અંતે ૧૨૦ ટકા જેટલુ વધી ૩૦૦૦ ટન પહોંચી ગયું હતું.
ગયા વર્ષમાં ભારતની ચાંદીની આયાતનો આંક ૭૧૫૮ ટન રહ્યો હતો. જે ૨૦૨૪ની સરખામણીએ ૬.૫૦ ટકા નીચો હતો. છેલ્લા એક મહિનામાં ચાંદીના ભાવમાં અંદાજે ૫૦ ટકા વધારો થયો છે જ્યારે ૨૦૨૫ના સંપૂર્ણ વર્ષમાં ભાવમાં ૨૦૦ ટકા જેટલો વધારો થયો હતો. ચાંદીના ભાવમાં સતત ઉછાળાને પરિણામે સારા વળતરની અપેક્ષાએ રોકાણકારો ઈટીએફસ મારફત ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે.
ભારતમાં અંદાજે ૧૨ જેટલા સિલવર ઈટીએફસ કાર્યરત છે. ઊંચા વળતરને પરિણામે સોના તથા ચાંદીમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે.


