ડેરિવેટીવ ટ્રેડીંગમાં માર્જિન શોર્ટફોલ આવશે તો 18 થી 30 ટકા તોતીંગ પેનલ્ટી લાગશે
- બ્રોકરો-ગ્રાહકોના સંબંધ મુજબ હવે પેનલ્ટીની વસુલી થશે નવા માર્જિન ધોરણો હેઠળ ક્લિયરીંગ કોર્પોરેશનોને સેગ્મેન્ટ મુજબ બ્રોકરોની ઈન્ટ્રા-ડે ટ્રેડીંગ પોઝિશન મુજબ ગણતરી કરીને માર્જિન એકત્ર કરવા અને નિર્ધારિત કરતાં માર્જિન ઓછું આવ્યું હોય કે માર્જિન શોર્ટફોલ આવ્યો હોય તો પેનલ્ટી લાદવા જણાવાયું છે. આ પગલાંના પરિણામે હવે બ્રોકરો રોકાણકારો, ટ્રેડરોના હિતમાં માર્જિન કોલ વધારવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ રોકાણકારોના માર્જિન ના લાઈવ ધોરણે ટ્રેક કરવાના ધોરણો ગત મે માં અમલી કર્યા હતા, જેના બાદમાં બ્રોકરો અને ઈન્વેસ્ટરો આ નવા નિયમનોને સમજી લે એટલે કે વ્યવહારૂ થઈ જાય ત્યાં સુધી એક વર્ષ માટે અમલ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
મુંબઈ : રીટેલ રોકાણકારો, ટ્રેડરો માટે હવે બજારમાં ડેરિવેટીવમાં ટ્રેડીંગ કરવું વધુ ખર્ચાળ બનવાની સાથે ઘાટ કરતાં ઘડામણ મોંઘી એટલે કે નફા કરતાં નુકશાનીના ખાડામાં ઉતરી જવાનું જોખમ વધ્યું છે. ટ્રેડરો હવે સજાગ નહીં રહે તો એક તરફ માર્કેટ વોલેટીલિટીનો તો ભોગ બનવું જ પડે છે,
હવે આ વોલેટીલિટી સાથે જો માર્જિનની સમયસર ચૂકવણી કરવામાં નિષ્ફળ રહેશો એટલે કે માર્જિન શોર્ટ ફોલ આવશે તોતીંગ પેનલ્ટી બ્રોકર ફટકારશે. આ પેનલ્ટી માર્જિન શોર્ટ ફોલ પર બ્રોકર અને ગ્રાહક વચ્ચેના સંબંધના આધાર પર ૧૮ થી ૩૦ ટકાની રેન્જમાં લાગી શકે છે. માર્જિન શોર્ટ ફોલ પર પેનલ્ટીના ધોરણો ૨,મે ૨૦૨૩થી અમલી બની ગયા છે.
સેબી ઈચ્છે છે કે રોકાણકારો તેમના સોદા એક્સચેન્જ પ્લેટફોર્મ પર મૂકે એ પહેલા જ માર્જિન મની લાવી આપે. બ્રોકરોએ માર્જિન્સની રિયલ-ટાઈમ ફાળવણી કરવાની રહી અને એની જાણ એક્સચેન્જો અને ક્લિયરીંગ કોર્પોરેશનોને કરવાની રહેશે. જેનાથી રોકાણકારોના હિતરક્ષણની સાથે સટ્ટાકીય સોદા પર અંકુશ પણ આવી શકશે એવું માનવું છે.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, માર્જિન સુધારા-રીફોર્મ્સના ત્રીજા તબક્કાથી જરૂર ટૂંકાગાળા માટે વોલ્યુમ પર અસર થશે, પરંતુ લાંબાગાળે બજારો અને તેની વિશ્વસનીયતા માટે સારૂ રહેશે. નવા દોરણોથી બ્રોકરો માટે મૂડીની આવશ્યકતા વધશે અને પરોક્ષ રીતે રોકાણકારો અને ટ્રેડરો માટે ખર્ચમાં વધારો થશે.