Get The App

ગત નાણાં વર્ષમાં 12 PSU બેન્કોએ રૂપિયા 1.78 લાખ કરોડનો નફો કર્યો

- રચનાત્મક પગલાંને પરિણામે બેન્કોની સ્થિતિમાં સુધારો

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
ગત નાણાં વર્ષમાં 12  PSU બેન્કોએ રૂપિયા 1.78 લાખ કરોડનો નફો કર્યો 1 - image


મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫માં દેશની જાહેર ક્ષેત્રની બેન્કોનો એકંદર નફો વાર્ષિક ધોરણે ૨૬ ટકા વધી રૂપિયા ૧.૭૮ લાખ કરોડ રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૪માં જાહેર ક્ષેત્રની ૧૨ બેન્કોએ  કુલ રૂપિયા ૧.૪૧ લાખ કરોડનો નફો કર્યો હતો. 

નાણાં વર્ષ ૨૦૨૫માં જાહેર ક્ષેત્રની બાર બેન્કોએ કરેલા રૂપિયા ૧,૭૮,૩૬૪ કરોડના નફામાં ૪૦ ટકા હિસ્સો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)નો રહેલો હોવાનું બીએસઈ પર જાહેર કરાયેલા આંકડા પરથી કહી શકાય એમ છે.

એસબીઆઈએ રૂપિયા ૭૦૯૦૧ કરોડનો નેટ પ્રોફિટ કર્યો છે જે નાણાં વર્ષ ૨૦૨૪માં કરેલા રૂપિયા ૬૧૦૭૭ કરોડની સરખામણીએ ૧૬ ટકા વધુ છે. 

ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પંજાબ નેશનલ બેન્કના નફામાં વાર્ષિક ધોરણે ૧૦૨ ટકા વૃદ્ધિ જોવા મળી છે. નાણાં વર્ષ ૨૦૨૫માં બેન્કે રૂપિયા ૧૬૬૩૦ કરોડનો નફો કર્યો છે. ગયા નાણાં વર્ષમાં દરેક જાહેર ક્ષેત્રની બેન્કોના નફામાં વધારો થયો છે. નાણાં વર્ષ ૨૦૧૮માં જાહેર ક્ષેત્રની બેન્કોએ રૂપિયા ૮૫૩૯૦ કરોડની ખોટ કરી હતી. 

છેલ્લા કેટલાક વર્ષથી સરકાર દ્વારા લેવાયેલા  આક્રમક પગલાંને પરિણામે બેન્કો નફો કરતી થઈ હોવાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. આ પગલાંમાં ખાસ કરીને નોન પરફોર્મિંગ એસેટસને ઓળખી કાઢવાનું ધોરણ મહત્વનું રહ્યું છે. 

નાણાં વર્ષ ૨૦૧૬-૧૭થી નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ના પાંચ વર્ષમાં બેન્કોમાં સરકારે રૂપિયા ૩,૧૦,૯૯૭ કરોડ ઠાલવવાની ફરજ પડી હતી. બેન્કોને મજબૂત બનાવવાના ભાગરૂપ આ મૂડી ઠલવાઈ હતી.  


Tags :