2000 રૂપિયાની ચલણી નોટો ક્યાં ગઈ ?
- રિઝર્વ બેન્કે છેલ્લાં બે નાણાંકીય વર્ષથી 2000ની એક પણ નવી નોટ છાપી નથી
- રૂ.૨૦૦૦ની નોટ ઘટવાનું કારણ રોકડની સંભવિત સંગ્રહખોરી અને ત્રણ વર્ષથી સરક્યુલેશનમાં રહેલી નોટોની સંખ્યામાં ઘટાડો હોઈ શકે છે
હાલ બેન્કોમાં અને એટીએમમાં ૫૦૦ રૂપિયાની ચલણી નોટોનું સરક્યુલેશન વધારે જોવા મળી રહ્યુ છે જ્યારે રૂ. ૨૦૦૦ના મૂલ્યની નોટો ઓછી દેખાઇ રહી છે. નોટબંધી બાદ અર્થતંત્રમાં મોટા પ્રમાણમાં ફરતી થયેલી આ જાંબલી રંગની ચલણી નોટનો હાથ બદલો ક્યાં કારણોસર ઓછો થઇ ગયો તે વિચારવા જેવી બાબત છે.
નોંધનીય છે કે, અર્થતંત્રમાં કાળા નાણાંનું દૂષણ ડામવા અને દૂશ્મન દેશો દ્વારા નકલી નોટો ભારતમાં ઘુસાડવાના નેટવર્કને તોડી નાંખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ એકાએક અર્થતંત્રમાંથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાના મૂલ્યની ચલણી નોટો પરત ખેંચવાની ઘોષણા સાથે નોટબંધીની જાહેરાત કરી હતી. તે સમયે આ ચલણી નોટોની સામે ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની નવી ચલણી નોટો બહાર પાડવાની વાત કહી હતી. ત્યારબાદ અર્થતંત્રમાં ૫૦૦ કરતા ૨૦૦૦ રૂપિયાની નવી ચલણી નોટો અર્થતંત્રમા વધારે ફરતી થઇ ગઇ હતી.
હવે સરક્યુલેશનમાં ૨૦૦૦ રૂપિયાની નોટોનુ પ્રમાણ ઘટવા અંગે વાત કરીયે તો ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના આંકડા મુજબ ચલણમાં ૨,૦૦૦ રૂપિયાની નોટોની સંખ્યા અને રોજિંદા વ્યવહારોમાં તેના હાથબદલા વચ્ચે વિક્ષેપ પડયો છે. જેનું મુખ્ય કારણ રોકડની સંભવિત સંગ્રહખોરી અને છેલ્લા ત્રણ વર્ષથી સરક્યુલેશનમાં રહેલી કુલ ચલણી નોટોની સંખ્યામાં ઘટાડો થવાનું પરિણામ હોઈ શકે છે.
સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, છેલ્લા બે નાણાકીય વર્ષ (નાણાંકીય વર્ષ ૨૦૨૦ અને નાણાંકીય વર્ષ ૨૦૨૧) દરમિયાન રિઝર્વ બેન્કે ૨,૦૦૦ રૂપિયાના મૂલ્યની ચલણી નોટ છાપવા માટે કોઈ નવો આદેશ આપ્યો નથી. રિઝર્વ બેન્કના આંકડા પણ ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટના પ્રમાણ અને મૂલ્યમાં સતત ઘટાડો દર્શાવે છે. સરક્યુલેશનમાં ૨૦૦૦ રૂપિયાની નોટની સંખ્યા નાણાંકીય વર્ષ ૨૦૧૯માં ૩૨,૯૧૦ લાખ નંગ હતી જે ઘટીને માર્ચ ૨૦૨૧ના અંતે ૨૪,૫૧૦ લાખ નંગ થઇ ગઇ. તેવી જ રીતે મોટા મૂલ્યની ચલણી નોટનું કુલ મૂલ્ય પણ સમીક્ષાધીન સમયગાળાની અંદર રૂ. ૬,૫૮,૧૯૯ કરોડથી ઘટીને રૂ. ૪,૯૦,૧૯૫ કરોડ થઈ ગયુ. મૂલ્યની રીતે રૂ. ૫૦૦ અને રૂ. ૨,૦૦૦ની ચલણી નોટનો હિસ્સો ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ સરક્યુલેશનમાં રહેલી બેંક નોટના કુલ મૂલ્યના ૮૫.૭ ટકા જેટલો હતો, જે ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ ૮૩.૪ ટકા હતો.
દેશની સરકારી માલિકીની સૌથી મોટી બેન્કના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ કે, બેન્ક કાઉન્ટર પર રૂ. ૨,૦૦૦ની નોટો ઓછા પ્રમાણમાં આવી છે. બેંક નોટો ચલણમાં ઓછી હોવાની ફરિયાદ છે અને ઘણા બધા ગ્રાહકો ટ્રાન્ઝેક્શન માટે રૂ. ૨૦૦૦ની નોટ લાવી રહ્યા નથી. કરન્સી ચેસ્ટમાં પુરતી સંખ્યામાં નવી નોટો ઉપલબ્ધ ન હોવાને કારણે રૂ. ૫૦૦ની ચલણ નોટો એ લગભગ હવે ૨૦૦૦ની નોટનું સ્થાન લઇ લીધુ છે.
કેટલાક બેન્કરોનું એવું પણ કહેવુ છે કે, હાલ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીના લીધે પણ છેલ્લા એક બે વર્ષથી 'સ્પષ્ટ કારણોસર' ઉંચા મૂલ્યની ચલણી નોટોનો હાથ બદલો અટકી ગયો છે એટલે કે રૂ. ૨૦૦૦ની નોટો હવે બજારમાં ઓછી દેખાઇ રહી છે.