એરાઉન્ડ ધ માર્કેટ
CSK ટીમ પર પ્રતિબંધ મૂકવા માગ
આજકાલ દેશમાં ક્રિકેટ પ્રેમીઓ IPL ની મજા માણી રહ્યા છે ત્યારે તામિલનાડુના એક ધારાસભ્યએ સીએસકે એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તામિલનાડુના ધર્મપુરીના પીએમકેના ધારાસભ્ય એસ.પી. વેંકટેશ્વરેને રાજ્ય સરકાર સમક્ષ સીએસકે ટીમ પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ ટીમમાં એક પણ સ્થાનિક ખેલાડી નથી. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ટીમમાં તામિલનાડુના ખેલાડીઓ હોવા જોઈએ. જનતાની ભાવનાને ધ્યાનમાં રાખી મે સરકાર સમક્ષ આ રજૂઆત કરી છે.
ગંગા નદી નીચે મેટ્રો દોડશે
દેશમાં પહાડ નીચે અથવા તો મુખ્ય રસ્તા નીચે ટનલમાં મેટ્રો દોડતી હોવાના અનેક પુરાવા છે. પરંતુ તમે નદી નીચે મેટ્રો દોડતી હોય તે સાંભળ્યું નહીં હોય. પરંતુ આ હકીકત છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા ખાતે હાવડા મેદાનથી એસ્પ્લેનેડ સુધી ૪.૮ કિલોમીટર સુધીનો મેટ્રો રૂટ ગંગા નદીની નીચે છે. ગંગાની નીચે બનાવાયેલી સુરંગમાં હાલ ટ્રાયલ રન શરૂ કરી દેવાયો છે જે સાત માસ ચાલશે. ત્યારબાદ દેશની આ સૌ પ્રથમ અંડરવોટર મેટ્રો પરિયોજના જનતા માટે ખુલ્લી મુકાશે તેમ કોલકાતા મેટ્રો રેલના સૂત્રોએ જણાવ્યું હતું.
બુલેટ ટ્રેનના ત્રીજા તબક્કાનું કામ
૨૦૧૭માં રજૂ થયેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કાર્ય હાલ પૂર્ણ જોરમાં ચાલી રહ્યું છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન ૨૦૨૬માં કરવામાં આવશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આ હાઇસ્પીડ રેલ કોરિડોરમાં ગુજરાતમાં ૩૨.૯ ટકા અને મહારાષ્ટ્રમાં ૧૩.૯ ટકા કામ પૂર્ણ કરાયું છે. મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટના બે તબક્કા પૂર્ણ થયા બાદ હવે ત્રીજો તબક્કો હાથ ધરાયો છે. આ માટે ચાર કંપનીઓ મેદાનમાં છે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ માટે ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ કરીને કામકાજ શરૂ કરાશે.
ગિલની સફળતાનું સપનું પૂર્ણ
બિગબૉસ ૧૩થી દેશમાં લોકપ્રિય બનેલી શહનાઝ ગિલનું સફળતાનું સપનું પૂર્ણ થયું છે. સલમાનની આગામી ફિલ્મ કિસીકા ભાઈ કિસી કી જાનમાં ગિલ લીડ રોલમાં છે. આ તેની પ્રથમ ફિલ્મ છે અને તેનું ટ્રેલર લોન્ચ સમારંભ તાજેતરમાં યોજાયો હતો. ગિલ આ ફિલ્મ હીટ પૂરવાર થશે તેવું માને છે. આ સમયે તેણે ભૂતકાળ યાદ કરતા જણાવ્યું હતું કે અગાઉ મને એક મ્યુઝીક વીડિયોની ઓફર ચાલી હતી. તેના શૂટિંગ માટે હું ગઈ ત્યારે ત્યાં હાજર લોકોએ મને આ બેબી કોણ છે ? તેમ કહી રીજેક્ટ કરી હતી. આજે સલમાન સાથે ફિલ્મ કરી હું ખૂબ જ આનંદિત છું.
મૃત્યુ બાદ સ્વજનો સાથે વાત થશે
વિજ્ઞાાન અને ટેકનોલોજીના કારણે અકલ્પનીય બાબતો પણ હવે વાસ્તવિક બની રહી છે. કોમ્પ્યૂટર એન્જીનિયરી વૈજ્ઞાાનિક દ્વારા એવો દાવો કરાયો છે કે ૨૦૨૩ના અંત સુધી કોમ્પ્યુટરમાં ચેતના અને સંવેદનશીલતા અપલોડ કરી શકાશે. વૈજ્ઞાાનિકોએ પોતાના સ્વજનોનો અવાજ નિયમિત પણે રેકોર્ડ કરવા સૂચન કર્યું છે. જેથી મૃત્યુ બાદ પણ તે અવાજ જીવીત રહેશે. જરૂરી ટ્રાંસક્રિપ્ટ ડેટા, વોઇસ સિથેંસીસ અને વીડિયો મોડલ થકી મૃત્યુ બાદ પણ સ્વજનો સાથે વાતચીત થઈ શકશે. આ અહેવાલ તાજેતરમાં ન્યૂયોર્ક પોસ્ટમાં પ્રસિદ્ધ થયો હતો.
MPમાં ચૂંટણી, સિનીયર સિટિઝનોને રાહત
ચાલુ વર્ષે મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના સિનીયર સિટીજનો માટે મથુરા-વૃંદાવન, પ્રયાગરાજ, શિરડી અને ગંગાસાગરની ફ્રી યાત્રા કરવાની યોજના રજૂ કરાઈ છે. જે તા. ૨૧-મે થી ૧૯ જુલાઈ સુધી ચાલશે. આ માટે રાજ્યના ૨૫ જિલ્લાના કલેકટરોને તૈયારીઓ કરવા આદેશ કરાયો છે. દરેક જિલ્લામાંથી ૩૨ સિનીયર સિટીજનોને આ યોજનાનો લાભ મળશે. જો અરજીઓ વધી જશે તો કોમ્પ્યુટર પર ડ્રો કરીને નામ નક્કી કરાશે. આમ, ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે આ નવી યોજના રજૂ કરાઈ છે.
IDBI બેંક માટે સંભવિત બિડર્સનું મૂલ્યાંકન શરૂ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આઇડીબીઆઇ બેંકમાં બહુમતી હિસ્સો ખરીદવામાં રસ ધરાવતા ઓછામાં ઓછા પાંચ સંભવિત બિડરોનું મૂલ્યાંકન શરૂ કર્યું છે. મોટા પાયે ખાનગીકરણની યોજનાના ભાગરૂપે જાહેર ક્ષેત્રની બેંકોમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો આ પહેલો મોટો કેસ છે અને વર્તમાન બજાર ભાવે સરકાર રૂા. ૩૦૦ અબજ મેળવી શકે છે. ભારત સરકાર આઇડીબીઆઇ બેંકમાં ૪૫.૪૮ ટકા હિસ્સો ધરાવે છે અને તેનો ૩૦.૪૮ ટકા હિસ્સો વેચવા માંગે છે આ ઉપરાંત ભારતીય જીવન વીમા નિગમ તેના ૪૯.૨૪ હિસ્સામાંથી ૩૦.૨૪ ટકા હિસ્સો વેચશે.
રૂા. બે લાખ લંચ/ ડિનરનું બીલ
સ્પેનમાં દુનિયાની સૌથી મોંઘી હોટલ છે જ્યાં એક વ્યક્તિ લંચ અથવા ડીનર લે તો રૂા. બે લાખનું બીલ આવે છે. આ હોટલ ગરમીની સીઝનમાં માત્ર ચાર મહિના જ ખુલે છે. સ્પેનના ઇબિસા આઇલેન્ડ પર આવેલી આ હોટલનું નામ સબ્લીમોશન છે આ હોટલમાં લંચ/ ડિનર માટે લાંબુ વેઇટીગ લિસ્ટ હોય છે. જ્યાં એક વખત જમવાનું બીલ ૨૩૮૦ ડોલર આવે છે. પોતાની ડીશ પુરી કરવા માટે ૩ કલાકનો સમય અપાય છે. આ સ્થળ આઠ માસ બરફથી છવાયેલું રહે છે તેથી આ હોટલ તા. ૧ જૂનથી ૩૦ સપ્ટેમ્બર કાર્યરત રહે છે. આ હોટલ એક્વેરિયમ જેવી છે જેમાં એક સાથે ૧૨ ગ્રાહકો કેપ્સ્યુલ જેવી કેબીનમાં બેસી જમે છે. અહીં લાઇટ અને સાઉન્ડનું ખૂબ સુંદર કોમ્બીનેશન જોવા મળે છે.
11 ટકા મહિલાઓ પાસે પેમેન્ટ એપ
દેશમાં સ્માર્ટફોનના વપરાશકારોમાં ૫૦ ટકાથી પણ વધુનો વધારો થયો છે. આમ છતાં મહિલાઓ વિવિધ એપના વપરાશથી દૂર રહે છે તેમ તાજેતરમાં હાથ ધરાયેલ એક સર્વેમાં જણાવાયું હતું. ૮.૫ કરોડ સ્માર્ટ ફોન વપરાશકારોના સર્વેના ડેટા મુજબ માત્ર ૧૧.૩ ટકા મહિલાઓ પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે. માત્ર ૬.૧ ટકા મહિલાઓ ગેમિંગ એપ પર સક્રિય છે. ૨૩.૫ ટકા મહિલાઓ ખાદ્ય પદાર્થ સાથે સંકળાયેલી એપ પર કાર્યરત છે. જ્યારે કોમ્યુનિકેશન એપ પર ૨૩.૩ ટકા અને ૨૧.૭ મહિલાઓ વિડીયો એપ પર કાર્યશીલ છે.


