app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વૈશ્વિક અર્થતંત્રની સામે ઉભા થયેલા વિવિધ પડકારોઃ ઉંચે જતો ફુગાવો વિલન નંબર વન

- આગામી સમયમાં નાણાં નીતિ અને રાજકોષીય નીતિ કડક રહેશે એવું ચોક્કસપણે કહી શકાય

Updated: Nov 20th, 2022

- વિકસીત તેમજ અવિકસિત દરેક દેશો માટે ફુગાવો તથા વધતા જતા વ્યાજ દરોએ સર્જેલી જટીલ સમસ્યાઓ

- ફેડરલ રિઝર્વના અધિકારીઓ રોજેરોજ નિવેદનો બદલ્યા કરે છે તેને લીધે ચોક્કસ નીતિ અપનાવવાનું મુશ્કેલ

વૈશ્વિક અર્થતંત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. અનેક દાયકાઓનો સૌથી વધુ ફુગાવો ચાલી રહ્યો હોવાથી વિશ્વના મોટા ભાગના પ્રદેશોમાં આથક સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. યુક્રેન પર રશિયાના આક્રમણ અને હજી સુધી ચાલી રહેલી કોવિડ-૧૯ રોગચાળાની સમસ્યાઓને જોતાં ભાવિ અત્યારે વિકટ જણાઈ રહ્યું છે.

કોરોના રોગચાળા દરમિયાન નાણાકીય અને રાજકોષીય નીતિઓને લીધે ભરપૂર ટેકો મળ્યો હતો, પરંતુ એ હવે ઘટાડવામાં આવી રહ્યો હોવાથી માગ ઘટી રહી છે. સરકારોએ હવે ફુગાવાને કાબૂમાં રાખવા પર ધ્યાન આપ્યું છે. આવામાં બીજી બધી વસ્તુઓ ગૌણ બની ગઈ છે. 

વૈશ્વિક અર્થતંત્રનું ભાવિ સ્વાસ્થ્ય હવે નાણાકીય નીતિની સફળતા, યુક્રેન યુદ્ધના ભવિષ્ય અને રોગચાળાને લીધે સર્જાયેલા પુરવઠાના વિક્ષેપ બાબતે હવે પછી સર્જાનારી સ્થિતિ પર નિર્ભર છે. ઉદાહરણ તરીકે, ચીનમાં વૃદ્ધિદર ૨૦૨૧ના ૬.૦ ટકાથી ધીમો પડીને ૨૦૨૨માં ૩.૨ ટકા અને ૨૦૨૩માં ૨.૭ ટકા રહેવાની આગાહી છે. 

વૈશ્વિક નાણાકીય કટોકટી અને કોવિડ-૧૯ રોગચાળાના તીવ્ર તબક્કા સિવાય આ ૨૦૦૧ પછીની આ સૌથી નબળી સ્થિતિ હશે. નોંધપાત્ર છે કે એમાં ૨૦૦૮ની વૈશ્વિક નાણાકીય કટોકટી અને કોરોનાના સમયને અપવાદ ગણવાનો છે. 

સૌથી મોટા અર્થતંત્ર એટલે કે અમેરિકામાં ૨૦૨૨નો પૂર્વાર્ધ નબળો એટલે કે આથક વૃદ્ધિદર ધીમો રહેવાની શક્યતા છે. ૨૦૨૨ના ઉત્તરાર્ધમાં યુરો વિસ્તારમાં અર્થતંત્રનું સંકોચન થશે અને પ્રોપર્ટી સેક્ટરની કટોકટી તથા કોરોનાની સમસ્યાઓ અને એને પગલે લાગુ કરવામાં આવતા લોકડાઉનને કારણે ચીનમાં કટોકટી વધશે.

વિશ્વનાં લગભગ ત્રીજા ભાગનાં અર્થતંત્રોમાં સતત બે ક્વોર્ટરમાં વૃદ્ધિદર નેગેટિવ રહેવાની ધારણા છે. વૈશ્વિક ફુગાવો ૨૦૨૧ના ૪.૭ ટકાથી વધીને ૨૦૨૨માં ૮.૮ ટકા થવાની આગાહી છે, પરંતુ ૨૦૨૩માં ઘટીને ૬.૫ ટકા અને ૨૦૨૪ સુધીમાં ૪.૧ ટકા થઈ જશે એવું કહેવામાં આવ્યું છે. 

નોંધનીય છે કે ફુગાવાનું વધુ દબાણ વિકસિત દેશોમાં છે. નવાં ઊભરતાં અર્થતંત્રો અને વિકાસશીલ દેશોમાં એ વત્તા-ઓછા પ્રમાણમાં છે. 

હાલના સંજોગો પૂર્ણપણે પ્રવાહી છે. અમેરિકામાં એક બાજુ ફુગાવો ઘટતો જોવા મળે છે ત્યારે બીજી બાજુ રોજગારી પણ વધી રહી છે. દર મહિને આ વધ-ઘટ ચાલુ જ છે અને એને લીધે નીતિવિષયક સ્પષ્ટતા લાવી શકાતી નથી. અમેરિકન ડોલર મજબૂત બની રહ્યો છે, ત્યારે ઊર્જા અને ખાદ્યપદાર્થોના ભાવની વૃદ્ધિ વધારે મારકણી બની રહેશે. વિકાસશીલ દેશોમાં કરજનો બોજ વધવાને લીધે નાગરિકો પર મોટી તાણ પડશે અને તેને પગલે સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર નબળાઈ તરફ ધકેલાશે એમ કહી શકાય. 

આ જોખમોથી બચવા માટે નાણાં નીતિ પર ઘણો મદાર રાખવાનો હોય છે. જો કે, ફુગાવાનું ચિત્ર સ્પષ્ટ થતું નથી અને ફેડરલ રિઝર્વના અધિકારીઓ રોજેરોજ નિવેદનો બદલ્યા કરે છે તેને લીધે ચોક્કસ નીતિ અપનાવવાનું મુશ્કેલ છે. 

૨૦૦૮ બાદ વિકસિત દેશોએ નોટો છાપીછાપીને ફુગાવાનો દર અત્યારે અકળાવનારો બનાવી દીધો છે અને તેઓ એમાંથી માર્ગ કાઢવાની કોશિશ કરી રહ્યા છે. અમેરિકામાં નિવૃત્તિ માટે રાખવામાં આવતા નાગરિકોના ભંડોળનું મૂલ્ય આશરે ૨૩ ટકા ઘટી ગયું છે એ એક મોટું પરિબળ કહી આપે છે કે અત્યારે વિશ્વ અઘોષિત નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. 

આગામી સમયમાં નાણાં નીતિ અને રાજકોષીય નીતિ કડક રહેશે એવું ચોક્કસપણે કહી શકાય છે. એના વગર છૂટકો જ નથી એમ કહીએ તોપણ અતિશયોક્તિ નહીં કહેવાય. 

આ સંજોગોમાં ગત સપ્ટેમ્બરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મુખ્ય અર્થશાીઓએ વ્યક્ત કરેલાં મંતવ્યો પર એક નજર કરીએ. 

એમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૨૨ના બાકીના સમયગાળામાં અને ૨૦૨૩માં વૃદ્ધિદર ધીમો રહેશે, ફુગાવો ઉંચો જ રહેશે અને તેથી પગારનું મૂલ્ય ઘટશે. મોટાભાગના અર્થશાીઓએ વૈશ્વિક સ્તરે મંદી આવવાની શક્યતા દર્શાવી છે. 

વૈશ્વિક ફુગાવો ૨૦૨૨માં ૮.૮% સુધી પહોંચવાની ધારણા છે. જો કે, કેટલાક દેશોમાં અન્ય કરતાં વધુ અસર થઈ છે. આર્જેન્ટિના અને તુર્કીમાં ફુગાવાનો દર વિશ્વમાં સૌથી વધુ છે. 

વર્તમાન વૈશ્વિક સ્થિતિને દર્શાવતા મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે

* વિશ્વના મોટા ભાગનાં અર્થતંત્રોમાં ફુગાવો વધી રહ્યો છે.

* ઘણા દેશોમાં આથક મંદીનું વાસ્તવિક જોખમ છે.

* યુક્રેનમાં યુદ્ધને કારણે ખાદ્યપદાર્થો અને ઈંધણના ભાવમાં વધારો થયો છે.

* જી-૨૦ દેશોમાંથી આર્જેન્ટિના (ફુગાવાનો દર ૮૮ ટકા) અને તુર્કી (૮૫ ટકા) સૌથી વધુ ફુગાવો અનુભવી રહ્યા છે.

* આર્જેન્ટિનાની ફુગાવાની સમસ્યા વધુ વકરી રહી છે.

* યુક્રેન પરના આક્રમણ પછી રશિયન ફુગાવો બમણો થયો હતો, પરંતુ હવે ઘટી રહ્યો છે.

* જર્મની, ઇટાલી અને યુકે ફુગાવાનો દર દ્વિઅંકી છે. તેઓ આ સમસ્યાનો હલ લાવવા માટે રીતસરના ઝઝૂમી રહ્યા છે. હાલમાં આવેલા આંકડાઓ મુજબ યુકેમાં ફુગાવો ૪૦ વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે.

* ગરીબ અર્થતંત્રો, આયાત પર નિર્ભર દેશો અને આથક રીતે સુવહીવટ નહીં ધરાવતા દેશો વધુ જોખમમાં છે.

* વ્યાજ દરમાં વૃદ્ધિ અને બજારને માફક આવે એવી સર્વસ્વીકૃત સરકારી નીતિઓ એ બે જ પરિબળો અસરકારક હલ લાવી શકે છે.

* અમેરિકામાં ગયા મહિનાનો ફુગાવાનો દર ૭.૭ ટકા હતો, પણ ત્યાં ઉતાર-ચડાવ ઘણો છે.

ઉક્ત ચર્ચા પરથી કહી શકાય કે ૨૦૨૩ના પ્રથમ છ મહિના સુધી વૈશ્વિક અર્થતંત્ર સુધરવાની કોઈ જ આશા નથી. વળી, ૨૦૨૩ માટે બ્લૂમબર્ગે કરાવેલા સર્વેક્ષણ મુજબ આવતા વર્ષે વિકાસદર ૨.૪ ટકા રહેવાની ધારણા છે. એ ઉપરાંત યુરોપમાં ઊર્જાની સ્થિતિ વિકટ બનશે, અમેરિકામાં મંદી વધુ ઘેરી બનશે અને ચીનમાં રિયલ એસ્ટેટની સમસ્યા વધશે.

Gujarat