- AI કોર્નર
- ભણતરમાં નવી ટેકનોલોજીને એક પુરક સાધન તરીકે મર્યાદિત રાખવા સૂચન
એઆઈનો આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના આગમનથી અનેક ક્ષેત્રોની કામગીરીમાં ફેરબદલ આવી રહ્યા છે. વ્યવસાયીક હોય કે બિન-વ્યવસાયીક એઆઈનો ઉપયોગ હવે દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે, જેમાં દેશ-વિદેશના શિક્ષણ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. શિક્ષણ ક્ષેત્રમાં જે રીતે એઆઈનો પ્રવેશ થઈ રહ્યો છે તેને જોતા આવનારા દિવસોમાં શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષકોની આવશ્યકતા રહેશે કે કેમ તેવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. નિબંધો કેવી રીતે લખવા, એસાઈમેન્ટસ કેવી રીતે પૂરા કરવા કે પછી ભાષા પર કેવી રીતે પ્રભુત્વ મેળવવુ તે સહિતની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પાર પાડવામાં હવે એઆઈની ભૂમિકા જોવા મળી રહી છે. શાળા તથા કોલેજના માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષકો પણ લેસન આપવા માટે, પ્રશ્નપત્રો તૈયાર કરવા અને જવાબો મેળવવા એઆઈનો પ્રયોગ કરતા થયા છે. શૈક્ષણિક અભ્યાસક્રમની રચના કરવામાં નીતિવિષયકો એઆઈની સલાહ લેતા થયાનું પણ એઆઈ ક્ષેત્રના આગેવાનો દાવો કરી રહ્યા છે.
જો કે એઆઈ ટુલ્સ અથવા મોડેલ્સ મારફત માહિતી ઝડપથી પૂરી પાડવામાં આવે છે, પરંતુ તે અસમાન હોય છે એટલું જ નહીં તે ઊંડાણમાં જઈ શકતા નથી, જે શિક્ષક દ્વારા પૂરા પડાતા શિક્ષણમાં જોવા મળે છે. આમ એઆઈ દ્વારા પૂરી પડાતી શૈક્ષણિક માહિતી અને શિક્ષક દ્વારા અપાતા શિક્ષણ વચ્ચે તફાવત રહેવાની શકયતા નકારાતી નથી. કરાયેલા સંશોધનમાં જણાયું છે કે શિક્ષણવિદો એઆઈ માટે પૂરતા તૈયાર નથી. તાજેતરના એક અભ્યાસમાં જણાયું હતું કે, એઆઈ ટુલ્સની નીતિમતા અને વિશ્વસ્નિયતાની આકારણી મેળવવામાં અનેક લોકો પૂરતી સ્કીલ્સ ધરાવતા નથી. વ્યવસાયીક વિકાસ મોટેભાગે ટેકનિકલ તાલીમ સ્તરે અટકી જાય છે અને વ્યાપક અસરોને અવગણે છે.
શિક્ષણ ક્ષેત્રે એઆઈનો ઉપયોગ એસાઈનમેન્ટસ પૂરા કરવાની પદ્ધતિમાં તો બદલાવ લાવે છે એટલુ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ અને સલાહકારો વચ્ચે વર્ગમાં એકબીજા પ્રત્યેના વર્તનના માર્ગોને પણ નવેસરથી તૈયાર કરે છે. બીજી રીતે કહેવું હોય તો કલાસરૂમમાં એઆઈના સંકલનથી વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેના સંબંધો બદલાવાની શકયતા ઊભી થઈ છે એટલું જ નહીં પરંતુ શિક્ષણવિદોની વ્યવસાયીક ભૂમિકા પણ વિકાસ પામે છે. શિક્ષણ ક્ષેત્રે એઆઈ માટેની નીતિઓ જ પૂરતી નથી પરંતુ શિક્ષણ અને ભણતરને એઆઈનો પ્રમાણિક ટેકો મેળવવા શિક્ષણ સંસ્થાઓએ ઈન્વેસ્ટમેન્ટ પણ કરવાનું આવશ્યક છે. આ ઈન્વેસ્ટમેન્ટ શિક્ષકને એઆઈ જ્ઞાાન પૂરુ પાડવા પાછળ થવું જોઈએ એવો પણ મત પ્રવર્તી રહ્યો છે.
વાંચન, લખાણ તથા એસેસમેન્ટ પદ્ધતિને એઆઈ નવો ઓપ આપતી હોય તો, તેને એક વૈકલ્પિક કાર્યક્રમ તરીકે નહીં પરંતુ અભ્યાસક્રમમાં એઆઈના જ્ઞાાનને પુરક જ્ઞાાન તરીકે આવરી લેવું જરૂરી બની રહે છે. શિક્ષણવિદો દ્વારા તૈયાર કરાતી નીતિઓ સ્પષ્ટ અને વ્યવહારુ રહે તે પણ આવશ્યક છે. એઆઈ ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોની વાત માનીએ તો અન્ય ક્ષેત્રોની જેમ દેશમાં એઆઈ શિક્ષણ ક્ષેત્રમાં પણ ક્રાંતિ લાવી રહી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેમની ક્ષમતા વધારવા અભૂતપૂર્વ તકો પૂરી પાડી રહી છે. ૨૦૨૦ની નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કલાસરૂમમાં એઆઈ ટેકનોલોજીની હાજરી પર ભાર આપવામાં આવ્યો છે. આધુનિક શિક્ષણ પ્રથામાં એઆઈ એક આવશ્યક ટુલ બની રહ્યું છે. એઆઈના સહારે વિદ્યાર્થીઓ પોતાની ગતિએ શિક્ષણ મેળવી શકે છે અને તેમનામાં રહેલી જ્ઞાાનની ઉણપ દૂર કરવા પ્રયત્નો કરવાનો તેમને વિકલ્પ મળે છે. એઆઈ માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ શિક્ષકોને પણ સશકત કરે છે. શિક્ષકોના વહીવટી કામકાજો જેમ કે, ગ્રેડિંગ તથા વિદ્યાર્થીઓની હાજરી પર દેખરેખ રાખવા જેવી કામગીરી એઆઈ દ્વારા પાર પાડી શકાય છે જેને કારણે શિક્ષકોના સમયમાં વેડફાટ બચી શકે છે, તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
ભારતના શિક્ષણ ક્ષેત્રે એઆઈ ટેકનોલોજી વ્યાપક તકો પૂરી પાડી રહી છે ત્યારે, શિક્ષકોને તાલીમ તથા ડેટાની વિશ્વસ્નિયતા જેવા મુદ્દાને હાથ ધરવા જરૂરી બની રહે છે. શાળા કે કોલેજ સ્તરે શિક્ષણ પૂરા પાડવા અથવા મેળવવા માટે ઈન્ટરનેટ જોડાણ અને આવશ્યક સાધનોની ઉપલબ્ધતાની ખાતરી રાખવાની રહે છે એટલું જ નહીં શિક્ષણ પદ્ધતિમાં એઆઈ સંચાલિત ટુલ્સના અસરકારક ઉપયોગ માટે શિક્ષકોને પણ પૂરતી માત્રામાં તાલીમ અને એઆઈ સંબંધિત જ્ઞાાન પૂરા પાડવાની આવશ્યકતા રહે છે. સાથોસાથ વિદ્યાર્થીઓની માહિતીની ગુપ્તતાની પણ તકેદારીની ખાતરી પૂરી પાડવાની રહેશે.
એકબાજુ શૈક્ષણિક અભ્યાસમાં જ એઆઈના ઉપયોગ શરૂ થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ એઆઈ ક્ષેત્રે ઊભરી રહેલી તકોને ધ્યાનમાં રાખી દેશનું શિક્ષણ ક્ષેત્ર વિવિધ ઉદ્યોગોને એઆઈ ટેકનોલોજીના જાણકાર એવા તાલીમબદ્ધ કર્મચારીબળ ઉદ્યોગોને પૂરા પાડવા સજ્જ થઈ રહ્યું છે. એઆઈ ટેકનોલોજીના વૈશ્વિક સ્તરે જોવાઈ રહેલા ટ્રેન્ડને નજરમાં રાખી શિક્ષણ સંસ્થાઓ પોતાના અભ્યાસક્રમમાં એઆઈ વિષયનો સમાવેશ કરી રહી છે, જેથી વિદ્યાર્થીઓને એઆઈનું પાયાનું જ્ઞાાન અભ્યાસના સ્તરે જ મળી રહે.
હાલમાં શિક્ષણ સંસ્થાઓમાં એઆઈ અભ્યાસક્રમની સૌથી વધુ માગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભારતની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થવા સુધીમાં એટલે કે ૨૦૪૭ સુધીમાં ટેકનોલોજીકલ ક્ષેત્રે વિકસિત દેશ બની રહેવા ભારત લક્ષ્ય ધરાવે છે. નવી ટેકનોલોજી સ્વીકારવામાં ભારત વિકસિત દેશો કરતા કદાચ પાછળ રહેતુ હશે પરંતુ તેનો સ્વીકાર મજબૂત રીતે થતો હોવાનું છેલ્લા ૪૦ વર્ષમાં દેશમાં ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) ક્ષેત્રના થયેલા વિકાસ પરથી કહી શકાય એમ છે. આવી જ સ્થિતિ દેશના શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં એઆઈના વિકાસ સંદર્ભમાં જોવા મળવાની શકયતા નકારાતી નથી.


