એરાઉન્ડ ધ માર્કેટ
UP મેડિકલ હબ તરીકે ઉભરી આવશે
આગામી સમયમાં ઉત્તર પ્રદેશ રાજ્ય મેડિકલ હબ તરીકે ઉભરી આવવા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ વૈશ્વિક રોકાણ સંમેલન સફળ પુરવાર થયા બાદ હવે મેડિકલ હબ બનવા તરફ આગળ વધી રહી છે. રાજ્યમાં બુંદેલખંડ વિસ્તારમાં ફાર્મા પાર્ક બનાવવાની અને ગૌતમબુદ્ધ નગરમાં મેડિકલ ડિવાઇસ પાર્ક ઉભો કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ બંને એરીયામાં અંદાજે ૫૦ જેટલા ઉદ્યોગોને જમીન ફાળવવામાં આવી છે. આ બંને પાર્કને અન્ય તમામ પાયાની સગવડો પણ પૂરી પડાશે. રોકાણ સંમેલનમાં મેડિકલ/ ફાર્મા ક્ષેત્રે ૧૭૫ જેટલા એમઓયુ થયા હતા.
ઉંદર કરડયો... રૂા. 67000 દંડ
ઉંદર કરડવાથી કોર્ટે રૂા. ૬૭,૦૦૦નો દંડ ફટકાર્યો હોવાના આશ્ચર્યજનક અહેવાલ જાણવા મળ્યા છે. ગુવાહાટીના એક થિયેટરમાં મહિલાઓનું એક ગુ્રપ ફિલ્મ જોવા ગયું હતું. ફિલ્મ જોતી વખતે એક મહિલાને પગે ઉંદર કરડતા તેને લોહી નીકળતા તેણે મેનેજમેન્ટને ફરિયાદ કરતા મેનેજમેન્ટે આ વાતને સામાન્ય ગણાવી હતી. જો કે, તેની સારવાર કરાવી હતી. મહિલાએ આ મુદ્દે કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે જણાવ્યું હતું કે, થિયેટરમાં સાફસફાઈ કરવાની જવાબદારી થિયેટર માલિકની હોય છે. આ મુદ્દે લાપરવાહીના કારણે આ ઘટના ઉદ્ભવી છે. કોર્ટે થિયેટર માલિકને રૂા. ૬૭,૦૦૦ મહિલાને ચૂકવવા આદેશ કર્યો છે.
કોર્ટમાં ભારતીય ભાષામાં સુનાવણી કરો
કેન્દ્રીય મંત્રી કિરન રિજ્જૂએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ભારતીય ભાષામાં થવી જોઈએ એવી રજૂઆત કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ વિચારવું જોઈએ તેમ જણાવતા વધુમાં ઉમેર્યું હતું કે, આજે અનેક વકીલો માત્ર અંગ્રેજી બોલે છે, અંગ્રેજીમાં જ લખે છે પરંતુ તે દરેકને માફક આવતું નથી. તમે ભલે દરેક ભાષા જાણતા હોવ પરંતુ સોચ તો હિન્દુસ્તાની જ રાખવી જોઈએ. આપણે આપણી ભાષાનો ઉપયોગ કરીશું તો રાષ્ટ્રવાદને વેગ સાંપડશે
હજી તો સફરની શરૂઆત થઈ છે...
તાજેતરમાં રિલીઝ થયેલ જુગ જુગ જિયો, ભૂલભૂલૈયા-૨, શેરશાહ, કબીરસિંહ, ગુડન્યુઝ જેવી ફિલ્મો સફળ પુરવાર થતા આ ફિલ્મોની હિરોઇન કિયારા અડવાની બોલીવુડની નંબર વન હિરોઇન બનવા તરફ આગળ વધી છે. આ મુદ્દે તાજેતરમાં કિયારાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું નંબર વન હિરોઇન બની નથી. મારી સફળતામાં નિર્માતા- નિર્દેશક, સહ કલાકારો તથા યુનિટના સભ્યો પણ સહભાગી છે. હજુ તો આ સફરની શરૂઆત થઈ છે, મારે હજુ ઘણું આગળ જવાનું છે. જો કે, આ સફળતાએ મને પરિવારથી દૂર કરી દીધી છે તેનું મને ઘણું દુઃખ છે.
AI દ્વારા મગજની જાસૂસી કરાશે
તમારા મગજમાં શું ચાલી રહ્યું છે ? કેવા વિચાર આવી રહ્યા છે.. તમે સપનામાં શું જોયું હતું... આ બધાનો જવાબ આપવો અઘરો છે પરંતુ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (એ.આઇ.)થી આ તમામ પ્રશ્નોનો જવાબ મળી શકે છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસે એક એઆઇ મોડેલ ડેવલપ કર્યું છે જે માણસના વિચારોને વાંચી શકે છે. આ સિસ્ટમને કોસિમેટિંગ ડિકોડર કહેવાય છે. જે માણસના મગજમાં ચાલતા વિચારો જાણી શકે છે તેમજ આ વિચારોને તે ટેકસ્ટમાં પણ બદલી શકે છે. આ નવીન શોધ જેરી ટેંગ અને અલેક્સ હથે કરી છે.
ટ્રાન્સજેન્ડર હવે પોલીસ ફોર્સમાં
મહારાષ્ટ્ર પોલીસ તાજેતરમાં કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. ૮૦૭૦ જગ્યા માટે ૭ લાખ ઉમેદવારો મેદાનમાં છે. આ પ્રક્રિયાના ભાગરૂપે લેવાયેલ શારીરિક પરીક્ષામાં ૧૬ ઉમેદવાર પાસ થયા છે જેમાં ચાર ઉમેદવાર ટ્રાન્સજેન્ડર્સ છે હવે લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તેઓ પોલીસ ફોર્સમાં જોડાશે. શારીરિક પરીક્ષા માટે તેમને પુરૂષ અથવા મહિલા સાથે રહેવાનું ઓપ્શન અપાતા તેમણે મહિલા કેટેગરી પસંદ કરી હતી.
ગામડામાં ઇન્ટરનેટ યુઝર્સ વધ્યા
આજકાલ શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે. તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં જણાવ્યા મુજબ ૨૦૨૩ના અંત સુધીમાં એક્ટિવ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધીને ૯૦૦ મિલિયન પહોંચી જશે. હાલ દેશમાં ૭૫૯ મિલિયન યુઝર્સ છે. આ સર્વે મુજબ હાલના એક્ટિવ યુઝર્સમાં ૬૦ ટકા લોકો ગામડાના છે જ્યારે ૪૦ ટકા લોકો શહેરી વિસ્તારના છે દેશમાં ડિજિટાઇઝેશનનો વ્યાપ વધવાની સાથે હવે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ શહેરીજનોની જેમ વિવિધ એપનો ઉપયોગ કરતા થયા છે.
ઓલ્ડ ઇઝ ગોલ્ડ
આજથી ત્રણ ચાર દાયકા અગાઉ બાઇકિંગ માટે જાવા યેઝદી મોટરસાઇકલ્સની બોલબાલા હતી. સમયની સાથે આવેલા વિવિધ બદલાવમાં નવી કંપનીઓની મોટર સાઇકલ બજારમાં આવી અને યેઝદી ભૂલાઈ ગઈ જો કે, આ કંપની ફરી એકવાર મેદાનમાં આવી છે. તાજેતરમાં આ કંપનીએ ૧૩ નવા મોડેલ બજારમાં રજૂ કર્યા છે જેની એક્સ શૉ રૂમ કિંમત રૂા. ૧.૯૬ લાખથી ૨.૨૫ લાખની છે. આ નવા મોડેલ પર્યાવરણના નવા નિયમોને આધિન રજૂ કરાયા છે.
મેગા ટેક્સટાઇલ પાર્કમાં 10,000 કરોડનું રોકાણ
સરકારની મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક યોજના હેઠળ તાજેતરમાં યુ.પી. રાજ્ય સરકાર અને કેન્દ્ર વચ્ચે મેગા ટેક્સટાઇલ પાર્ક માટે એમઓયુ થયા હતા લખનૌ નજીક આ પાર્ક ૧૦૦૦ એકરમાં ઉભો કરાશે જેમાં રૂા. ૧૦,૦૦૦ કરોડથી વધુનું રોકાણ થવાનો અંદાજ છે. આ યોજના હેઠળ દેશમાં સાત મેગા ટેક્સટાઇલ પાર્ક ઉભા કરાશે જેમાં કર્ણાટક અને તમિલનાડુ બાદ આ ત્રીજો પાર્ક છે. લખનૌ ખાતેના આ પાર્કમાં ૬૭ જેટલા ઉદ્યોગોએ રૂા. ૨૩૯૭ કરોડના રોકાણની દરખાસ્તો રજૂ કરી છે.


