દેશમાં રબ્બરનું ઉત્પાદન વધારવા હવે ટાયર ઉદ્યોગ આગળ આવતાં અનોખી ઘટના સર્જાઈ!
- ઊભી બજારે - દિલીપ શાહ
- નોર્થ-ઈસ્ટ રાજ્યો તથા પશ્ચિમ બંગાળમાં રબ્બરની ખેતીનો વિસ્તાર વધ્યોઃ પાંચ વર્ષમાં આ પ્રશ્ને રૂ.૧૧૦૦ કરોડ ખર્ચવામાં આવશે
દેશમાં રબ્બર બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. દેશના ટાયર ઉત્પાદકોએ ઘરઆંગણે રબ્બરનું ઉત્પાદન વધારવા સક્રિય ભૂમિકા ભજવવાની શરૂઆત કર્યાના વાવડ મળ્યા છે. દેશના નોર્થ-ઈસ્ટ તથા પશ્ચિમ બંગાળમાં આશરે સવા લાખ હેકટર્સથી વધુ જમીનમાં રબ્બરના પ્લાન્ટેશનો ઊભા કરાયાના વાવડ મળ્યા હતા. ઈન્ડિયન નેચરલ રબ્બર ઓપરેશન્સ ફોર આસીસ્ટેડ ડેવલપમેન્ટના ઈનરોડ પ્રોજેકટ હેઠળ આ કામગીરી કરવામાં આવી હોવાનું રબ્બર બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ઓટોમોટીવ ટાયર મેન્યુફેકચર્સ એસોસીએશનના ઉપક્રમે આ આયોજન હાથ ધરવામાં આવ્યુંહોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. આસામ, અરૂણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરોમ, નાગાલેન્ડ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ વિ, ખાતે આશરે બે લાખ હેકટર્સ વિસ્તારમાં રબ્બરના પ્લાન્ટેશનો ઊભા કરવા માટે પાંચ વર્ષમાં આશરે રૂ.૧૧૦૦ કરોડનો ખર્ચ થનાર હોવાનું આન ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા હતા. ચાર વર્ષના ગાળામાં નોર્થ ઈસ્ટ તથા પશ્ચિમ બંગાળના વિવિધ ૯૪થી ૯૫ જેટલા વિવિધ જિલ્લાઓમાં રબ્બર પ્લાન્ટેશનો આશરે સવા લાખ હેકટર્સ જેટલી જમીનમાં ઊભા કરાયા છે. આ માટે આશરે ૫ કરોડ ૩૦ લાખ જેટલા પ્લાન્ટીંગ મટીરીયલ્સનો વપરાશ કરવામાં આવ્યાના વાવડ મળ્યા હતા. આ પ્રોજેકટ પુરો થતા સુધીમાં આશરે અઢી લાખ ખેડૂતોને આનો લાભ મળતો થઈ જવાની ગણતરી રબ્બર બજારના સૂત્રો બતાવી રહ્યા હતા. દેશમાં કુદરતી રબ્બરના વાવેતરના કુલ વિસ્તાર પૈકી નોર્થ ઈસ્ટના રાજ્યોમાં આવા વિસ્તારની ટકાવારી આ પૂર્વે ૨૩ ટકા હતી તે ટકાવારી આગળ ઉપર વધી ૩૮ ટકા સુધી પહોંચવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.
આવા પ્લાન્ટેશનોનો વિસ્તાર વધારવાના ચાર વર્ષના ટાર્ગેટમાં ૯૦ ટકા કામ થઈ ગયું છે. ભારત સરકાર હસ્તકના રબ્બર બોર્ડ દ્વારા પણ આ સમગ્ર પ્રોજેકટમાં સહયોગ આપવામાં આવી રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. ભારતમાં નહિં પરંતુ વિશ્વ ભરમાં આવી ઘટના પ્રથમવાર બની છે કે જ્યારે રબ્બરમાં ઉત્પાદન વૃદ્ધી માટે ટાયર ઉત્પાદકો પોતે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે, એવું રબ્બર બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રોજેકટના પગલે ભારતના રબ્બરના કુલ ઉત્પાદનમાં નોર્થ ઈસ્ટ વિસ્તારના રાજ્યોમાં થતા રબ્બરના ઉત્પાદનની ટકાવારી ૧૬ ટકાથી વધી ૩૨ ટકા સુધી પહોંચી જવાનો અંદાજ સૂત્રો બતાવી રહ્યા હતા.
ભારતના બજારોમાં રબ્બરના ભાવ ગયા વર્ષે ઓગસ્ટ મહિના સુધી તેજીમાં રહ્યા પછી ઓકટોબર સુધીના ગાળામાં ભાવમાં ટોચ પરથી પીછેહટ જોવા મળી હતી. ઓગસ્ટ પછીના ગાળામાં ગયા વર્ષે ખાસ કરીને કમ્પાઉન્ડેડ રબ્બરની આયાત વધી હતી તથા ટાયર્સનું વેંચાણ પણ ઘટયું હતું. તથા તેના પગલે ઓગસ્ટ પછીના ગાળામાં રબ્બરના ભાવ ટોચ પરથી નીચા ઉતરતા જોવા મળ્યા હતા.
દરમિયાન, ભારત સરકારના રબ્બર બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ નોર્થ-ઈસ્ટ વિસ્તારો માટે નવું કલાઈમેટ રેસીસટન્ટ કલોન (રબ્બર માટે) વિકસાવવામાં આવ્યુ ંછે. આ આરઆરઆઈઆઈ ૪૧૭ના નામે ઓળખાતા ક્લોનના પગલે રબ્બર ઉત્પાદનમાં વૃદ્ધી થઈ શકશે એવું રબ્બર બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં ૨૦૨૩-૨૪ના નાણાંવર્ષમાં રબ્બરના ભાવમાં ૩૨થી ૩૩ ટકાની વૃદ્ધી થઈ હતી અને એ દરમિયાનના ગાળામાં ટાયર ઉત્પાદકો વિમાસણમાં મૂકાયા બતા. દરમિયાન, તાજેતરમાં મિઝોરોમની રાજ્ય સરકારે રબ્બર મિસન પ્રોજેકટની રચના કર્યાના સમાચાર પણ મળ્યા હતા. આના પગલે મિઝોરોમમાં રબ્બરના ઉત્પાદનને વેગ મળવાની શક્યતા બજારમાં ચર્ચાઈ રહી હતી.