ભારતમાં રોકાણ વધારવાનો આ યોગ્ય સમય
નાણામંત્રી નિર્મલા સીતારામને ઉદ્યોગોને અપીલ કરતા કહ્યું છે કે ભારતમાં રોકાણ વધારવા અને ઉત્પાદન ક્ષમતા વધારવાનો આ યોગ્ય સમય છે. સરકારે કર સુધારા, વ્યવસાય કરવામાં સરળતા અને વિદેશી રોકાણ માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તેમણે ખાનગી ક્ષેત્રને યુવાનોને નોકરીઓ માટે તૈયાર કરવામાં મદદ કરવા માટે સરકાર સાથે કામ કરવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે ઉદ્યોગો હંમેશા માંગ વધવાની રાહ જુએ છે, પરંતુ વૈશ્વિક પડકારોને કારણે આ માંગ વારંવાર વિલંબિત થાય છે. ઘણી કંપનીઓ ફરિયાદ કરે છે કે નવા કર્મચારીઓને નોકરીઓ માટે તૈયાર કરવામાં છ થી આઠ મહિના લાગે છે. આ ખામીને દૂર કરવા માટે ઉદ્યોગોએ સરકાર સાથે કામ કરવું જોઈએ. ખાનગી ક્ષેત્રનું રોકાણ હજુ પણ સરકારી મૂડી ખર્ચ કરતાં પાછળ છે. એપ્રિલ-જુલાઈ ૨૦૨૬ માટે સરકારી મૂડી ખર્ચ બજેટ અંદાજના ૩૦.૯% હતો, જે ગયા વર્ષના ૩૨.૭% થી વધુ છે. કંપનીઓ પાસે મજબૂત બેલેન્સ શીટ છે, પરંતુ તેઓ નિષ્ક્રિય ભંડોળ પર બેઠા છે અને ક્ષમતા વિસ્તરણ માટે તેનો ઉપયોગ કરી રહ્યા નથી.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણનો અવકાશ ખૂબ જ નાનો
દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણકારોની ભાગીદારી વધારવાની જરૂર છે તેમ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું. તેમણે મ્યુચ્યુઅલ ફંડ્સ, પેન્શન ફંડ્સ અને રિટેલ રોકાણકારોને આ ક્ષેત્રમાં લાવવાનું આહ્વાન કર્યું હતું. તેમનું માનવું છે કે વધુ અને વૈવિધ્યસભર રોકાણકારોના આગમનથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટીઝમાં તરલતા વધશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણનો અવકાશ હાલમાં ખૂબ જ નાનો છે. મોટાભાગનું રોકાણ મોટા સંસ્થાકીય રોકાણકારો તરફથી આવે છે. રિટેલ અને વિદેશી રોકાણકારો હાલમાં સાવચેત છે. સેકન્ડરી માર્કેટમાં ઓછા ટ્રેડિંગને કારણે, તરલતા પણ ઓછી છે, જેના કારણે નવા રોકાણકારો માટે આવવાનું મુશ્કેલ બને છે.