Get The App

વર્ષ 2025 સોના-ચાંદી તથા મસાલા ચીજો માટે ઉત્તમ રહે તેવી વકી

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
વર્ષ 2025 સોના-ચાંદી તથા મસાલા ચીજો માટે ઉત્તમ રહે તેવી વકી 1 - image


- કોમોડિટી કરંટ

- જીરા બજાર ઘણા સમયથી ૪૨૦૦ થી ૪૫૦૦ના રેન્જ બાઉન્ડ સ્થિતિમાં રમજાનની માંગ નીકળતાં ઈલાયચીમાં તેજી છવાઈ

નવીન વર્ષ ૨૦૨૫ સોનું-ચાંદી તથા મસાલા કોમોડિટી માટે ઉત્તમ નીવડે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. સોનામાં વર્ષ ૨૦૧૦ પછી પ્રથમ વાર આકર્ષક વળતર મળેલ છે. ગત વર્ષે ૨૦૨૪માં રાજકીય અનિશ્ચિતતાઓ, અમેરિકન વ્યાજદરોમાં ઘટાડો સહિત અનેક ફેકટર્સને કારણે સોનામાં અદ્વિતીય તેજી છવાઈ હતી. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યની શરૂઆત. બાદ જુલાઈમાં રજૂ થયેલા બજેટમાં સોના ઉપર લાગતી કસ્ટમ ડયૂટી ઓછી કરી દેતાં સોના બજાર ઉપર વ્યાપક અસરો થઈ હતી. ગત વર્ષે જાન્યુઆરીમાં સ્ભઠ ઉ૫ર ૨૪ કેરેટ સોનાની કિમતો પ્રતિ ૧૦ ગ્રામે રૂા. ૬૩૩૦૦ની આસપાસ હતી. જ્યારે વર્ષની આખરમાં ઉછળીને ૭૬૩૦૦ની આસપાસ થઈહતી એટલે કે છેલ્લા એક વર્ષમાં સોનામાં ૨૦ ટકા ઉપરાંતનું રિટર્ન વિક્રમજનક રહ્યું છે. આ અગાઉ વર્ષ ૨૦૨૩માં ૧૪ ટકા અને વર્ષ ૨૦૨૨માં ૧૨ ટકા રિટર્ન સોનાના વેપારમાં મળેલ હતું. નવા વર્ષ ૨૦૨૫માં અમેરિકામાં ટ્રમ્પના આગમન બાદ નવી સરકારની નિતીઓ ઉપર સોના-ચાંદીના બજારની વધ-ઘટનો આધાર રહેલો છે. તેમ છતાં સોનામાં બજાર તુટવાની આશા ઓછી છે પરંતુ વર્ષ ૨૦૨૫ની આખર સુધીમાં સોનાના ભાવો ૮૦૦૦૦/- સુધી ઉચે જાય તેવી શક્યતાઓ વધુ છે. હાલમાં રૂપિયાના ઘસારાને કારણે તેમજ સોનાના ઉચા ભાવોને કારણે ઘરાકી અટકી છે.

દરમ્યાન કૃષિ બજારમાં રવિ સીઝન હાલમાં પાકને સાનુકૂળ હોવાથી ખેડૂતોએ રાહતનો દમ ખેચ્યો છે. ખાસ કરીને મસાલાના કિંગ ગણાતા જીરાના પાક ઉપર વેપાર જગતની મીટ મંડાઈ છે. જીરા બજારમાં ઘણા સમયથી ભાવો ચાર હજારની આસપાસ રેન્જ બાઉન્ડ સ્થિતિમાં છે. સીઝનના પ્રારંભે સટ્ટાકીય તેજીના ચમકારા બાદ બજાર તુટી જતાં ખેડૂતવર્ગમાં નિરાશા છવાઈ છે જીરાની વિદેશ માંગ પણ આજકાલ મજબૂત ચાલી રહી છે. એપ્રિલ થી ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં શીપમેન્ટમાં સતત વધારા સાથે સરેરાશ ૧.૩૫ લાખ ટનની આસપાસ નિકાસ થઈ હોવાના અહેવાલો છે. ભારત આજકાલ વિશ્વમાં સૌથી સસ્તુ જીરાનું સપ્લાયર બન્યું છે. ભારતીય જીરાના વૈશ્વિક સ્તરે પ્રતિ ટને ૩૦૫૦ ડોલરની આસપાસના ભાવો છે. જ્યારે ચાઈનીઝ જીરૂ ભારત કરતાં ૨૦૦ થી ૨૫૦ ડોલર ઉચા ભાવો છે. જેના વિશ્વની ઘરાકી ભારત તરફ ફંટાઈ રહી છે. જીરાનું આ વર્ષે ગુજરાત તથા રાજસ્થાનમાં સારા પ્રમાણમાં વાવેતર થયા છે. ઊચા બજારમાં આજકાલ નવથી દશેક હજાર બોરી આસપાસ વેપારો છે. જીરાના ઉભા પાકમાં કુદરતી કારણોસર બગાડ કે ઉત્પાદન ઘટાડવાના સંજોગો બને તો જીરા બજારમાં ફેરફાર થઈ શકે છે વેપારી વર્ગના મત અનુસાર જીરાના ગત વર્ષે કુલ ૧.૧૦ કરોડના સરેરાશ ઉત્પાદન સામે વર્ષ દરમ્યાન ૮૦ લાખ બોરી ઉપરાંતનો માલ બજારમાં ઠલવાઈ ચૂક્યો છે.

 હજી નવીન આવકો આવે ત્યાં સુધી બીજી દશેક લાખ બોરી આવે તો ટૂંકમાં ૨૦ થી ૨૫ લાખ બોરીનો માલ સ્ટોક રહે તેવી કાચી ગણત્રી વેપારી વર્ગમાં છે. હાલમાં સરેરાશ ૪૨૦૦ થી ૪૫૦૦ની રેન્જમાં બજાર ચાલી રહી છે.

અન્ય મસાલા ચીજ ધાણામાં આજકાલ બજારોમાં ભારે સુસ્તી પ્રવર્તી રહી છે. ધાણામાં તેજીના અભાવે આવકો નબળી છે. ગુજરાત રાજસ્થાનમાં ધાણાનું વાવેતર ગત વર્ષ જેટલું હોય તેવી વકી છે. ધાણાની સ્થાનિક તથા ફોરેન ડિમાન્ડ પણ નબળી હોવાથી વેપારોમાં ખેડૂતો તથા વેપારીઓને કોઈ રસ રહ્યો નથી. બીજી તરફ ઈલાયચીમાં આ વર્ષે ઉત્પાદન ઘટવાની સામે મુસ્લીમ દેશોમાંથી રમજાનની માંગ નીકળતાં તેજી છવાઈ છે હાલમાં ઈલાયચી બજાર ઉછળીને ૨૮૦૦ની આસપાસ ઉચા સ્તરે ચાલી રહી છે. ઓછા માલ સ્ટોક તેમજ ઉછળતી માંગ જોઈને કાળાબજારીયાઓ મેદાનમાં ઉતરતાં ઈલાયચીના ભાવો ત્રણ હજારની સપાટી કુદાવે તેવી સંભાવના તેજ છે.


Google NewsGoogle News