FOLLOW US

વિશ્વનું પાંચમું અર્થતંત્ર ટોચનું મેન્યુફેક્ચરીંગ હબ બનવાની દિશામાં ફલાંગ ભરી રહ્યું છે

Updated: Sep 18th, 2022

- ભારત ત્રીજા નંબરનું કન્ઝ્યુમર માર્કેટ બની રહ્યું છે. ભારતની ખરીદ શક્તિ ૨૦૩૦ સુધીમાં ૬ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકવાનું અનુમાન છે. ભારત વિકસિત દેશોની યાદીમાં આવવા માટેના સપનાના વાવેતર કરી રહ્યું છે

- આર્થિક તાકાત ઉત્પાદન ક્ષમતાના જોરે આવી શકે છે. ભારતને વિકસિત દેશ પણ બનવું છે, પાંચમા નંબરની આર્થિક ઇકોનોમી પરથી ત્રીજા નંબરે પહોંચવું છેઃ આ બધા સપના એક બીજા સાથે વણાયેલા છે..

- સૌથી વધુ ઉત્પાદન કરવામાં  વિશ્વમાં ચીન ૨૦૦૭માં ટોપ પર આવી ગયું હતું. તેણે અમેરિકાને પછાડીને ટોપનું સ્થાન મેળવ્યું હતું. ૧૯૮૦ના દાયકા સુધી ચીનને ઉત્પાદન ક્ષેત્રે નવીનીકરણ લાવવાનું સુઝ્યું નહોતું

ભારતને આર્થિક ક્ષેત્રે સમૃધ્ધિના નવા શિખરો સર કરવા છે. પાંચ ટ્રિલીયન ડેાલરની ઇકોનોમીનું સપનું સિધ્ધ થવાનું બાકી છે ત્યાં તો ભારત વિશ્વની પાંચમા નંબરની ઇકોનોમી બની ગઇ છે. ભારત ત્રીજા નંબરનું કન્ઝ્યુમર માર્કેટ બની રહ્યું છે. ભારતની ખરીદ શક્તિ ૨૦૩૦ સુધીમાં ૬ ટ્રીલીયન ડોલર સુધી પહોંચી શકવાનું અનુમાન છે. 

ભારત વિકસિત દેશોની યાદીમાં આવવા માટેના સપનાનાં વાવેતર કરી રહ્યું છે. મોદી સરકારના પ્લાન લાંબા ગાળાના છે પરંતુ તે ભારતની વ્યવસાયીક શિકલ બદલી શકે છે. ભારતને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રનું હબ બનાવવાના આઇડયાની દિશામાં મક્કમ બનીને કદમ મુકવાની શરૂઆત કરાઇ છે અને તેને વૈશ્વિક તખ્તા પર ઉભા રહીને જાહેર પણ કરાઇ છે.

આર્થિક તાકાત ઉત્પાદન ક્ષમતાના જોરે આવી શકે છે. ભારતને વિકસિત દેશ પણ બનવું છે, પાંચમા નંબરની આર્થિક ઇકોનોમી પરથી ત્રીજા નંબરે પહોંચવું છે અને દેશને મેન્યુફેક્ચરીંગ હબ પણ બનાવવું છે. આ બધા સપનાં એક બીજા સાથે વણાયેલા છે. તેમાં સૌથી વધુ મહત્વનું મેન્યુફેક્ચરીંગ હબ છે. ચીનની તાકાતની પાછળ તેને મેન્યુફેક્ચરીંગ ક્ષમતા રહેલી છે. આજે ચીન વિશ્વમાં સૌથી મોટું મેન્યુફેક્ચરીંગ હબ બની ગયું છે અને અમેરિકાને ટકરાઇ શકે છે.

દેશ આઝાદ થયો ત્યારે ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાતો હતો. ત્યારે કૃષિ ક્ષેત્રનો ભારતના જીડીપીમાં ૫૫ ટકાનો ફાળો હતો. ત્યારે ૬૯ ટકા લોકોને કૃષિ ક્ષેત્ર રોજગારી આપતું હતું. હવે સમય પલટાયો છે. વડાપ્રધાન મોદી દરેક જગ્યાએ ઉદ્યોગો ઉભા કરવા અને ઔદ્યોગિક ઉત્પાદન વધારવા ચિપીયો પછાડી રહ્યા છે. ૨૦૨૨માં કૃષિ ક્ષેત્રનો જીડીપીમાં ફાળો સાડા સાત ટકા છે જ્યારે ઉદ્યોગોનો ફાળો ૨૫ ટકાથી વધારે છે. વડાપ્રધાન મોદીએ ઉદ્યોગોના પ્રોત્સાહન માટે વિવિધ સ્કીમો અને પ્રોત્સાહનો ઉદ્યોગો સમક્ષ મુક્યા છે. 

મેક ઇન ઇન્ડિયા અને નેશનલ પોલિસી ફેાર એડવાન્સ મેન્યુફેક્ચરીંગ, ઇન્ડસ્ટ્રી ૪.૦ વગેરેના કારણે ઔદ્યોગિક ક્ષેત્રના ઉત્પાદનને વેગ મળી શકે છે. સરકારે ઉદ્યોગોને વધુ ઉત્પાદન કરવા તેમજ તેમની પ્રોડક્ટનું વેચાણ કરવા જેવી મહત્વની વાતો પર સતત ધ્યાન આપવા વિવિધ યોજનાઓ બનાવી છે.

આધુનિક ટેકનોલોજી અને જોબ વાંચ્છુ યુવાનો ભારત માટે ઉપયોગી બની રહ્યા છે. બેરોજગારીનો દર ઓછો કરવામાં ઉદ્યોગો જેટલી મદદ કરે છે એટલું કૃષિ ક્ષેત્ર કરતું નથી. કૃષિ ક્ષેત્ર ગામડામાં રહેતા અને ઓછા શિક્ષિત લોકોને રોજગારી આપી શકે છેે પરંતુ થોડું ભણેલા યુવાનો કૃષિ ક્ષેત્રથી દુર રહે છે.

આધુનિક ટેકનોલોજીના જોરે ભારત સરકારે ઉદ્યોગોને કન્વીન્સ કર્યા હતા. કૃષિ ક્ષેત્રે કિસાનો અનાજ ઉગાડવાની પ્રોસેસમાં સહ ભાગી હોય છે પરંતુ અનાજને કુદરતી પ્રકીયા ઉગાડે છે. જ્યારે ઉત્પાદનમાં કંપની એક કી દબાવીને ત્વરીત ઉત્પાદન કરી શકે છે. કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર એમ બંનેમાં ફર્ક જોવા મળે છે.  એમ લાગે છે કે ભારત ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સૌથી વધુ ઉત્પાદન કરવામાં  વિશ્વમાં ચીન ૨૦૦૭માં ટેપ પર આવી ગયું હતું. તેણે અમેરિકાને પછાડીને ટોપનું સ્થાન મેળવ્યું હતું. ૧૯૮૦ના દાયકા સુધી ચીનને ઉત્પાદન ક્ષેત્રે નવીનીકરણ લાવવાનું સૂઝ્યું નહોતું. ૧૯૯૧માં ચીને તેને આર્થિક બાબતોના દરવાજા ઓપન કરીને દરેક આઇડયાને આવકારવા શરૂ કર્યા હતા. આ એ સમય હતો કે જ્યારે ભારતમાં મનમોહન સિંહની સરકારે પણ ઉદારીકરણના પગલાં લીધા હતા.જ્યારે ચીન મેન્યુફેકચરીંગને વેગવંતુ બનાવવા તત્પર બન્યું ત્યારે ચીનને ત્યાંની જંગી વસ્તી અને મજૂરીના સસ્તા દર તેને કામ લાગ્યા હતા. ઇન્ટરનેટ ટેકનોલોજીની હરણફાળના પગલે ઉભી થયેલી ક્મ્પોનન્ટની માંગને પહોચી વળવા ચીને તેના ઉદ્યોગોને અનેક છૂટો આપી હતી.

૨૦૧૦માં ભારતે ૩૭૫ અબજ ડોલરના માલની નિકાસ કરી હતી. ૨૦૧૯માં તે વધીને ૫૪૬ અબજ ડોલર પર પહોંચી ગઇ હતી.ભારત માટે ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ હબ બનવાની તક ઉભી થઇ છે એમ કહી શકાય. અમેરિકા અને ચીન વચ્ચેની કોલ્ડ વોર વધુ તીવ્ર બની રહી છે ત્યારે કેટલીક કંપનીઓ ચીન છોડવા તૈયાર થઇ છે. તાઇવાન સાથેનો  ચીનનો વિવાદ ભારતને આડકતરી રીતે મદદ રૂપ બની શકે છે. ચીન છોડવા તૈયાર થયેલી કંપનીઓ સ્થિર સરકાર વાળા ભારત તરફ આવી શકે છે.કંપનીઓ ભારત આવીને ચમત્કાર સર્જી શકે છે. ભારતની પ્રોડ્ક્ટ લીન્ક ઇન્સેન્ટીવ ઉદ્યોગોને આકર્ષી રહી છે.

એક અંદાજ પ્રમાણે ૨૦૨૫ સુધીમાં ભારતના મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રનો જીડીપીમાં ૨૫ ટકા ફાળો હશે અને આ ક્ષેત્રએ ૨૭.૩ મિલીયન લોકોને રોજગારી આપી શકશે. ચીનથી મંગાવાતી કેટલીક પ્રોડક્ટ પરના પ્રતિબંધથી ભારતમાં આ પ્રોડક્ટ બનાવવા માટે વિશાળ તકો ઉભી થઇ છે.૨૦૧૪માં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ક્ષેત્રે ભારતનો  નંબર ૧૪૨ પર હતો આજે તે ૬૩મા નંબર પર છે.ઇન્ડયાની ફૂડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીને ઉજળા ચાન્સ એટલા માટે છે કે દેશમાં કેરી, કેળા,પપૈયા વિશ્વમાં સૌથી વધુ પાકે છે. જોબ કરનારી મહિલાઓની સંખ્યા વધતાં તૈયાર ફૂડની ડિમાન્ડ ઉભી થઇ છે. કેમિકલ ઉત્પાદનના ક્ષેત્રે ભારત વિશ્વમાં છઠ્ઠા સ્થાને છે. ભારત ૮૦,૦૦૦ જેટલી કેમિકલ પ્રોડક્ટ બનાવે છે. ૨૦૨૫માં આ ક્ષેત્ર ૩૦૫ અબજ ડોલર પર પહોંચશે.

ભારતમાં લાઇસન્સ રાજ દરમ્યાન અનેક બિઝનેસ આવતા બંધ થઇ ગયા હતા તે તો ઠીક પણ કંટાળેલા વેપારીઓેએ પોતાના બિઝનેસનું એક્સપાન્સન અટકાવી દીધું હતું. 

૧૩ ક્ષેત્રોમાં ચાલતી પ્રોત્સાહક એવી ૨૬ અબજ અમેરિકી ડોલરની પીએલઆઇ સ્કીમ ચમત્કાર બતાવી રહી છે. વિદેશના રોકાણ કારો અને ચીનમાંથી ખસવા માંગતી કંપનીઓ માટે ભારત વિકલ્પ બની શકે છે.

ભારત અનેક ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે પરંતુ વિશ્વમાં ટોપ પર રહેવા માટે જોઇતા પરિબળો ભારત પાસે નથી. ભારત આઝાદ થયાને ૭૫ વર્ષ થયા હોવા છતાં ભારત વૈશ્વિક દેશો સાથે વિકાસની સ્પર્ધામાં ઉતરી શકતું નથી. આજે પણ ભારતના લોકો વિદેશની સફળતાની વાતેા સ્વચ્છતા અને  શિસ્તની વાતો કરતા થાકતા નથી. ચીને પોતાની વસ્તીને સમસ્યા નથી ગણી પણ તેનો ઉપયોગ કર્યો છે એવીજરીતે ભારતે પણ પોતાની વસ્તીને ઉત્પાદન ક્ષમતા વધારવા ઉપયોગ કરવાની જરૂર જણાઇ હોય એમ લાગે છે.

Gujarat
English
Magazines