જમીન સંપાદન અધિનિયમ-2013 અને જૂના 1894ના કાયદાની જોગવાઈઓ
- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- ૨૦૧૩ના કાયદામાં તાકીદ જાહેર હેતુ માટે સંપાદનના કિસ્સામાં સામાજીક અસરોના અભ્યાસમાંથી મુક્તિ લેવાની હોય છે
ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની પછી - ૧૭૫૭ના પ્લાસીના યુધ્ધ બાદ અંગ્રેજી હકુમત હેઠળનો વહીવટ શરૂ થયો અને તેમાંયે ૧૮૫૭ના વિપ્લવ બાદ અંગ્રેજો દ્વારા નિયમનકારી કાયદા ઘડવામાં આવ્યા અને જાહેર હેતુ માટે (Public Purpose)જમીન સંપાદન કરવા માટે ૧૮૯૪નો કાયદો ઘડવામાં આવ્યો. જે ૨૦૧૩નો કાયદો એટલે કે ૧૨૫ વર્ષ સુધી નવીન કાયદો અમલમાં આવ્યો ત્યાં સુધી જૂનો કાયદો અમલમાં હતો અને જેને 'The Right to fair Compensation and Transparency in Land acquisition, Rehabilitation, Resettlement Act ૨૦૧૩' જમીન સંપાદન, પુનઃવસન, પુનઃસ્થાપનમાં વ્યાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ-૨૦૧૩ તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ તો કાયદાકીય મૂળભૂત જોગવાઈઓ જોવામાં આવે તો બંધારણમાં દરેક નાગરિકોને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. તેમાં મિલકત ધરાવવાનો અધિકાર 'Right to Property' હતા. આ અધિકારને 'મીનરવા મીલ્સના' સુપ્રિમકોર્ટના ચુકાદા બાદ બંધારણની કલમ-૩૦૦એ ઉમેરવામાં આવી અને મિલકત ધરાવવાના અધિકારને મૂળભૂત અધિકારમાંથી 'કાનુની અધિકાર' કરવામાં આવ્યો એટલે કે 'Save as provided by Law' કાનુની પ્રક્રિયા અનુસર્યા સિવાય કોઈની પણ મિલકત લઈ શકાય નહીં. આ પાયાના સિધ્ધાંતોનું જમીન સંપાદન અધિનિયમમાં કાયદાકીય સ્ત્રોત છે.
જમીન સંપાદન અધિનિયમના જૂના કાયદામાં જે જાહેર હેતુ માટે (Public Purpose)ની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે. અગાઉના કાયદામાં ખાનગી ઉદ્યોગ / કંપની માટે રાજ્ય સરકાર જો જાહેર હેતુ માટે માન્યતા આપે તો જમીન સંપાદન થઈ શકતી, હવે નવીન કાયદામાં ખાનગી હેતુ કે કંપની માટે જોગવાઈઓ કડક કરવામાં આવી છે અને જેમાં સબંધિત જમીન ધારકોની ૮૦% સંમતિ અને સામાજીક અસરો અને પુનઃવસવાટ અને પુનઃસ્થાપનની જોગવાઈઓ ઉપરાંત ગામ સમિતી અને સ્થાનિક સત્તા મંડળના પરામર્શ બાદ પરવાનગી આપવામાં આવી છે અગાઉના કાયદામાં કલમ-૪નું પ્રાથમિક જાહેરનામું બહાર પાડવાની જોગવાઈ હતી અને જેમાં એક વર્ષના સમયગાળા બાદ કોઈ મુદ્દત લંબાવવાની જોગવાઈ ન હતી. નવીન કાયદામાં કલમ-૧૧ મુજબ પ્રાથમિક જાહેરનામા બાદ ખાસ કારણો નોંધીને રાજ્ય સરકાર પ્રાથમિક જાહેરનામાની મુદ્દત લંબાવી શકે છે.
જૂના - ૧૮૯૪ના કાયદામાં કલમ-૧૧ હેઠળ સંપાદનનો એવોર્ડ જાહેર કરવાની જોગવાઈ હતી અને તેમાં વળતર નક્કી કરવાના માપદંડો હતા. તેમાં નવીન ૨૦૧૩ના કાયદામાં કલમ-૨૩ હેઠળ એવોર્ડ જાહેર કરવાની જોગવાઈ છે. સામાન્ય વ્યક્તિને એવોર્ડ એટલે શું ? તે પ્રશ્ન થાય તો જે જમીન / મિલકત સંપાદન કરવામાં આવે તેના વળતર નક્કી કરવાની પ્રક્રિયાને એવોર્ડ આખરી નિર્ણય / હુકમને એવોર્ડ તરીકે ગણવામાં આવે છે અને તે મુજબ સંપાદિત થતી જમીન સંપૂર્ણપણે સરકારમાં (Appropriate Authority) નિહિત થાય છે. એવોર્ડમાં સંપાદન કરતી સંસ્થાનું નામ, સંપાદનનો જાહેર હેતુ, સંપાદન થતી જમીન ક્યા ગામમાં આવેલ છે, તાલુકાનું નામ અને સર્વે નંબર, પેટા નંબર, બ્લોક નંબર જો મિલકત સીટી સર્વે વિસ્તારમાં આવેલ હોય તો સીટી સર્વે નંબરની વિગતો, જમીન સંપાદન અધિનિયમની જોગવાઈઓ મુજબ પ્રાથમિક જાહેરનામા - ૧૧ અને ૧૯ના આખરી જાહેરનામાની તારીખો અને જો સામાજીક અસરોના અભ્યાસમાંથી મુક્તિ આપવામાં આવી હોય તો તે પુનઃસ્થાપન અને પુનઃવસનની યોજના તૈયાર કરવામાં આવેલ હોય તો તેની વિગતો હિત ધરાવતા પક્ષકારોને નોટીસ આપવાની બાબતો, જમીનના માલિકીપણા (ownership) અંગે, જમીન ઉપરના હક્ક ધરાવતા પક્ષકારો, જમીનનો સત્તા પ્રકાર અને જમીન માપણી અંગેની ખરાઈ, જમીનનું સ્થાન, સ્થળ, સ્થિતિનું વર્ણન, બિનખેતીની ક્ષમતા (NA Potential) જમીનની પ્રત, જમીન સમતળ, ઢોળાવવાળી, ખેતીની જમીનનો પ્રકાર, જરાયત, બાગાયત, કાયમી સિંચાઈના સાધનો, આકાર, જમીન સુધારણા કરેલ હોય તો તે, ગામતળની જમીન હોય તો તે અને ગામથી નજીક કે દૂર તેજ રીતે શહેરી વિસ્તારમાં હોય તો લોકેશન અને વિકસિત વિસ્તારો, રસ્તાઓનું નેટવર્ક, વાહન વ્યવહાર તેમજ અન્ય સુવિધાઓ, હિત ધરાવતા પક્ષકારોએ વાંધા રજૂ કરેલ હોય તો, વાંધેદારનો દરજ્જો / હેસિયત, પુરાવો, સંપાદક સંસ્થા તરફથી રજૂ કરેલ જમીનના મૂલ્યાંકનના પુરાવા, સબ રજીસ્ટાર તરફથી મળેલ વેચાણના પુરાવાઓનો એવોર્ડમાં સમાવેશ કરવાનો થાય છે. આ એવોર્ડ તૈયાર થયા બાદ, રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી સંપાદક અધિકારીએ લેવાની હોય છે અને આખરી જાહેરનામું બહાર પડયેથી એક વર્ષની અંદર એવોર્ડ જાહેર કરવાની કાયદાકીય જોગવાઈઓ છે.
ઉપર્યુક્ત એવોર્ડની વિગતો જાણ્યા બાદ સૌથી અગત્યનું નવીન કાયદામાં વળતર નક્કી કરવાના જે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે તે જમીન ધારકની જે જાહેર હેતુ માટે જમીન સંપાદન થાય છે તેમના માટે જાણવા જરૂરી છે અને તે મુજબ અધિનિયમની કલમ-૨૬માં વળતર નક્કી કરવાની અને કલમ-૨૭માં કલેક્ટરે વળતરની રકમ કેટલી નક્કી કરવાની તે જોગવાઈઓ છે. જેથી વળતર નક્કી કરવામાં સૌ પ્રથમ તો ઈન્ડિયન સ્ટેમ્પ એક્ટ હેઠળ વેચાણ દસ્તાવેજની નોંધણી કે કરાર માટે જે માર્કેટ વેલ્યુ નક્કી કરવામાં આવી હોય તે અથવા બાજુના ગામમાં અથવા નજીકના વિસ્તારમાં જમીનના વેચાણની સરેરાશ કિંમત અથવા ખાનગી કંપનીના કિસ્સામાં જમીન સંપાદન કરવા માટે સંમતિથી જે રકમ નક્કી કરવામાં આવી હોય તે પૈકી જે સૌથી ઊંચી હોય અને માર્કેટ વેલ્યુ ગણવા માટે સંપાદનનું ૧૧ હેઠળનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય તે તારીખ ગણવાની છે. આ બધી કાર્યવાહીમાં જમીનનું વળતર નક્કી કરવા માટે જમીનના મૂલ્યાંકન નક્કી કરવામાં જમીન માલિકના હક્ક એ અગત્યની બાબત છે. આ બાબત તાંત્રિક સ્વરૂપે કાયદાકીય હોવાની સાથે સંવેદનશીલ છે કેમ કે વ્યક્તિનો માલિકીહક્ક જાય છે અને ઘણીવાર ભરણપોષણ અને કાયમી આજીવીકાના સાધનનો છે એટલે નવીન કાયદામાં જમીન / મિલકત ધારકોને વ્યાજબી વળતર મળે તે માટે પારદર્શક સ્વરૂપે જોગવાઈઓ કરવામાં આવી છે એટલે વળતર નક્કી કરવાની બાબતો અગત્યની હોય અને જમીનધારકો માટે જાણવી જરૂરી હોઈ આવતા અંકે વિવરણ કરીશું.